સ્વર્ગની માટી .
- લગભગ બધા શિષ્યો અસંમજસમાં હતા ત્યારે એક શિષ્યે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, 'ગુરૂજી, હું ચોક્કસ સ્વર્ગની માટી લાવી આપીશ.' ગુરૂજીએ કહ્યું, 'ભલે. તું તારા કામમાં લાગી જા.'
- ભરત અંજારિયા
કો ઈ એક નગરમાં વર્ષો પહેલાં ગુરૂજીના આશ્રમમાં રહીને કેટલાક શિષ્યો અભ્યાસ કરતા હતા. વિવિધ વિષયોની સાથે સાથે તેમને ખેતી, બાગકામ, યોગ, કસરત અને ધ્યાનનું પણ શિક્ષણ અપાતું હતું. એક વાર ગુરૂજીએ શિષ્યગણ કહ્યું, 'જે વિદ્યાર્થી સ્વર્ગમાં જઈને સ્વર્ગની માટી લઈ આવશે તે ઉતીર્ણ થયેલ ગણાશે અને તેને યોગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.'
ગુરૂજીની વાત સાંભળીને વિદ્યાર્થીઓ અચંબામાં પડી ગયા: સ્વર્ગમાં જવું શી રીતે? ત્યાંથી માટી લઈને પાછા શી રીતે આવવું? લગભગ બધા શિષ્યો અસંમજસમાં હતા ત્યારે એક શિષ્યે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, 'ગુરૂજી, હું ચોક્કસ સ્વર્ગની માટી લાવી આપીશ.' ગુરૂજીએ કહ્યું, 'ભલે. તું તારા કામમાં લાગી જા.'
બીજા જ દિવસે પેલા શિષ્યએ આવીને ગુરૂજીના હાથમાં માટીનું પાત્ર મુક્યું. ગુરૂજીએ કહ્યું, 'એક દિવસમાં જ તું સ્વર્ગે જઈ માટી લાવી પાછો શી રીતે આવી ગયો?' શિષ્યએ કહ્યું, 'ગુરૂજી, મારાં માતા-પિતા જે સ્થળે ઊભાં હતાં તેમના પગની નીચેની માટી જ હું લાવ્યો છું અને આપને આપી રહ્યો છું, કારણ કે માતા-પિતાનાં ચરણોની નીચે જ સ્વર્ગ રહેલું છે. માતા-પિતાના ચરણની રજ માથે ચઢાવવા યોગ્ય હોય છે. માતા-પિતાના આશીર્વાદથી જ સંતાનની પ્રગતિ અને કલ્યાણ થાય છે. સ્વર્ગની માટી લેવા માટે ખાસ સ્વર્ગમાં જવું જરૂરી નથી અને શક્ય પણ નથી. તેથી મારી લાવેલી સ્વર્ગની માટી સ્વીકારો.'
શિષ્યની આ વાત સાંભળી ગુરૂ પ્રસન્ન થયા અને શિષ્યના વિચારસરણી બદલ આનંદ વ્યક્ત કર્યો. અન્ય વિદ્યાર્થીઓને થયું: આ વિચાર અમને કેમ ન આવ્યો? ધન્ય ગુરૂ. ધન્ય શિષ્ય.