રણની રેતીની લહેરોનું વિજ્ઞાન .
દરિયો પાણીથી ભરેલો છે તેમાં મોજાં અને તરંગો રચાય પરંતુ રણની રેતીમાં પણ સમાંતર વહેતી લહેરોના આકાર જોવા મળે છે. આ લહેરો રણપ્રદેશને સુંદરતા આપે છે. રણ પ્રદેશના ખુલ્લા અફાટ મેદાનમાં વેગીલા પવનો વહેતા હોય છે. રણપ્રદેશ એટલે રેતીના ઝીણા કણોનો પ્રદેશ. પવનની સાથે રેતી પણ ઉડે. પરંતુ ક્યાંક ક્યાંક ઊગેલા નાનાં ઝાંખરા, નાના ટેકરા વગેરે પવનને અવરોધે.
પવન ધીમો પડે એટલે તેની સાથે ઊડેલી રેતી પણ નીચે બેસે. તેને સમાંતર લાંબી સેરમાં ગોઠવાય. ધીમે ધીમે આ ઢગલીઓ વધતી જાય અને લાંબી લહેરો રચાય છે. રણની રેતીના અબજો કણોના કદ અને વજન લગભગ સરખા જ હોય છે. વળી એકદમ લીલા અને ગોળાકાર કણો લગભગ પ્રવાહીની જેમ રેલાય છે. પવન એકાએક અટકે ત્યારે તેની સાથે ઊડતા રેતીના કણોને અચાનક બ્રેક લાગે તે જમીન પર આવે પરંતુ પાછળના કણોને પણ ધક્કો મારે. રેતીના કણોની આ ધક્કામુક્કી નિયમિત હોય છે. એટલે કણોની એક હરોળ પછી બીજી હરોળ બને અને સમાંતર બને. લહેરોની રેખા ભલે વાંકી ચૂંકી હોય પરંતુ બને સમાંતર હોય છે. એક હરોળ બન્યા પછી તેનો અવરોધ અને હરોળ બનાવે. આમ રણમાં રેતીની લહેરો દૂર દૂર સુધી ફેલાય છે.