Get The App

સસલીનો દાંત હાલી ગયો .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
સસલીનો દાંત હાલી ગયો                                   . 1 - image


- પરી મારો દાંત ખરીદી ગઈ, ખરું ને?

- ઉપરનો દાંત ઉપર ફેંકવો, નીચેનો દાંત નીચે

- ભગવાન પાસે જરૂર કોઈ પાક્કો ગુંદર હોવો જોઈએ.  તે મોઢામાં દાંત ચોંટાડે છે, તો કેવો ચોંટી રહે છે?ઓહો!  આ દાંતનું શું કરું? શું કરું?

બિ ચારી નાનકી સસલી. તેનો દાંત હાલી ગયો. જીભ દાંતને હલાવે. ખાવાનું ફાવે નહીં. દાંત ઘડીમાં બહાર નીકળે, ઘડીમાં અંદર જતો રહે.

માતાએ તેને ખાવાનું આપ્યું.

નાનકી કહે : 'મા! મારાથી ગાજર નહીં ખવાય...'

માતા કહે : 'ગાજર, મૂળા, દાણા, કોબીજ તો ખાવા માટે સારાં કહેવાય.'

નાનકી કહે : 'બહુ કઠણ પડે છે મને. મારો દાંત હાલી ગયો છે.'

'એમ?' મા કહે : 'કંઈ વાંઘો નહીં, પોચું પોચું ખા.'

નાનકી કહે : 'પોચું પોચું શું?'

માતા કહે : 'નરમ નરમ પોળી, દૂધમાં ઝબોળી.'

નાનકી કહે : 'ઊંહ, એ વળી ક્યાં મળે છે?'

પિતાજી કહે : 'તેના કરતાં જે ખાય, તે દાંત બાજુએ રાખીને ખા.'

નાનકી કહે : 'એમ ખવાય બાપા?'

બાપા કહે : 'નવો દાંત આવે ત્યાં સુધી એમ જ ખાવું પડે છે.'

નાનકી સસલીએ સોમવારે કાકડી ખાધી.

મંગળવારે તેને મોસંબી મળી ગઈ.

બુધવારે ચીકુથી ચલાવ્યું.

ગુરુવારે તડબૂચ ફાવ્યું. તેમાંથી બિયાંએ થૂ-થૂ કરવાં પડયાં. એકાદ બિયો આવી જાય તો,'ઓ બાપા રે!'

શુક્રવારે જામફળના જામ.

શનિવારે કેરીનો ગલ, માતાએ છોડા દૂર કર્યા ત્યારે.

રવિવારે માતા જાડી ગાઢ ચોકલેટ લઈ આવી. નાનકી ખાવા ગઈ. કહે : 'મા! મા!! મારો દાંત ચોકલેટમાં ગયો.'

'ચાલો સારું થયું,' 'માતા કહે.

'શું સારું થયું?'

'દૂધિયા દાંત એમ જ જતા હોય છે. હવે એ જગાએ બીજો દાંત આવશે.'

'તે નહીં હાલે?'

'નહીં હાલે.'

'પણ મા, આ દાંતનું શું કરું?'

નાનકી કહે : 'હવે તો મારા દાંતમાં બારી થઈ ગઈ, બારણું જ કહેને! મારી જીભ ત્યાં જ જાય છે, વારંવાર વારંવાર.'

'જીભને કાબૂમાં રાખ નાનકી, નહીં તો નવો દાંત વાંકો ઊગશે.'

'પણ જીભ વારેવારે ત્યાં જ જાય છે.'

મા કહે : 'આપણે જ દાંત, આપણી જ જીભ. સરણી રાખવી જ પડે જીભને.'

'ઠીક મા,' નાનકી કહે : 'પણ આ દાંતનું શું કરું?'

'એને ધોઈને, સાફ કરીને ઓશીકા નીચે મૂક, ઘડિયાળમાં મૂક, પાણિયારે મૂક, દેવલાં આગળ મૂક...'

'એક દાંતને કેટલી જગાએ મૂકું, મા?'

'ઉપરનો દાંત છે ને?'

'હા.'

'તો છાપરે ફેંકી દે.'

'કેમ, મા?'

'એવું કહે છે નાનકી કે ઉપરનો દાંત ઉપર ફેંકવો, નીચેનો દાંત નીચે.'

'એથી શું થાય, મા?'

'કહે છે કે દાંત પરી આવીને ભેટ મૂકી જાય છે.'

કોઈ દાંતપરી આવી નહીં.

કોઈ વાતપરી આવી નહીં.

કોઈ ધવલપરી આવી નહીં.

કોઈ આકાશપરી આવી નહીં.

નાનકીના દાંતની બારીમાંથી હવા બહાર જતી. પવન અંદર આવી જતો. ખાવાનું બહાર નીકળી જતું. બીજેથી પાછું ડોકિયું કરતું.

નાનકીએ દાંતને કબાટમાં રાખ્યો, કંપાસમાં રાખ્યો, પેટીમાં રાખ્યો, ટુવાલમાં રાખ્યો.

પણ દાંત એટલે દાંત. એના જ વિચાર આવ્યા કરે. મોઢામાં હતો ત્યારે ખબર પડતી નહી. બહાર આવી ગયો કે જંપવા દેતો નહીં.

નાનકીએ કોઈક જંગલી માનવીની છબી જોઈ. જંગલના એ માનવીએ દાંતની માળા પહેરી હતી.

તેને થયું કે દાંતમાં કાણું પાડી, માળા બનાવે.

પણ તે તેમ કરી જ શકી નહીં.

'મા, આ દાંત વેચી શકાય?'

'નાનકી, દાંત કંઈ પૈસો નથી.'

ઓહ! આ દાંતનું શું કરું?

ગુંદરથી તેણે ચિત્તરપોથીમાં ચોંડાડયો. આજુબાજુ ચિત્તરકામ કરી દીધું.

પણ દાંત ઊખડી ગયો. ચિત્તરનું મોઢુંય બોખું થઈ ગયું.

ભગવાન પાસે જરૂર કોઈ પાક્કો ગુંદર હોવો જોઈએ. તે મોઢામાં દાંત ચોંટાડે છે, તો કેવો ચોંટી રહે છે?

ઓહો! આ દાંતનું શું કરું? શું કરું?

'એક પરબીડિયામાં મૂક,'પિતાજી કહે : 'તેની ઉપર પરીનું નામ લખી દે.'

'પણ પરી તો આવતી જ નથી. બાપુ.'

નાનકીએ દાંતને પરબીડિયામાં મૂક્યો.

ઉપર લખી દીધું : 'દાંતપરીને માટે.'

પરબીડિયું ઓશીકા હેઠળ મૂકીને તે સૂઈ ગઈ.

પણ ઊંઘ આવે નહીં. જીભ વારંવાર દાંતની જગાએ જયા કરે. દાંતની બારીમાંથી પવન આવે અને જાય!

પડી ગયેલો દાંત કંઈ દુખે નહીં. પણ તે જગા જરૂર ખાલી ખાલી લાગે.

પણ ભગવાનની માયા અજબ છે. નાનકીને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ પડી નહીં. દાંતની ખાલી જગામાં જીભ રહી ગઈ, તે રહી ગઈ. અને ઊંઘ આવી ગઈ.

સવારે નાનકી ઊઠી.

પરબીડિયું જોયું.

તેમાં દાંત ન હતો. પણ પચીસ પૈસાનો સિક્કો હતો. એ ચાંદીની પઇને બધાં પાવલી કહે છે. તાંબાનો હોય તો પૈસો અને ચાંદીનો હોય તો પચીસ પૈસા. છૂટથી બધા તેને પાવલી કહે.

સસલી કહે : 'મા! મા! જો તો ખરી, દાંત ગયો અને પાવલી આવી.'

માતાએ હસી દીધું.

સસલી કહે : 'પરી મારો દાંત ખરીદી ગઈ, ખરું ને?'

હસતી માતા કહે : એમ જ હશે.'

'હવે એ દાંત પરી નવી જનમનાર સસલીને આપશે?'

'એમ જ હશે, કદાચ...'

'મા! પણ આ પાવલીનું હું શું કરું? દાંતની જગાએ કંઈ પાવલી કામ આવે?'

સસલી કહે : 'તો પછી આ પાવલીમાંથી દાંત વેચાતો મળે?'

'ના મળે.'

'કેમ મા, દાદાજીનો એક દાંત એવો જ છે ને? તેમનો પડી ગયો તો ડાક્ટરકાકાએ કેવો બીજો નાખી દીધો?'

માતા કહે : 'બેટી, દાદાજીનો દાંત કંઈ પાવલીમાં આવ્યો નથી. દાંતના ડોક્ટરે તેના પૂરા હજાર રૂપિયા લીધા છે.'

'એક દાંતના હજાર રૂપિયા?'

'હા વહાલીડી, એક દાંતના હજાર અને દાદાજી જો ચોકઠું બનાવે તો બત્રીસ હજાર!'

'હેં...! બ-બ-બ...'

'હા, બ-બ-બ બેબલી, બત્રીસ હજાર. એટલે જ કહ્યું છેને કે દાંતની કાળજી પહેલેથી જ રાખવી સારી.'

સસલી કહે : 'તો તો પરી મને છેતરી જ ગઈ. મારો દાંત પાવલીમાં લઈ ગઈ. આપણે જો ડોક્ટરકાકાને વેચ્યો હોત તો હજાર આવત કે નહીં?'

'ના. એવાં બાળકોના દાંત ડાક્ટરો વેચાતા ન લે, અને એટલા રૂપિયા આપેય નહીં!'

'કેમ, મા? બાળકોનાં રમકડાં તો કેટલાં મોંઘાં મળે છે, અને દાંતની પાવલી?'

'બેટી...બેટી..' માતા કહે : 'બાળકોની વાત પરીઓ જ જાણે, પરીએ પાવલી મૂકીને કહ્યું છે... પા.'

'પા એટલે મા?

'પા એટલે પરી કહે છે પાંચ-પંદર દહાડા રાહ જો. પછી ... 'વ.''

'આ 'વ' શું, મા?

માતા કહે : ''વ' એટલે વધારે ચિંતા નહીં કર. વગર દાંતે જીવતી થઈ જાય.'

'હાય મા! અને 'લી' એટલે શું?'

માતા કહે : 'લીલાલહેર કર. એ બધું કુદરતી છે. દાંતની વાત જ ભૂલી ભૂલી જા, ભૂલી જા.'

સસલી દાંત નથી, એ વાત જ ભૂલી ગઈ. લાંબી-લાંબી માથાકૂટ જ ઊંચી મૂકી, અને ગજબની વાત બનવા લાગી.

પાંચમે દિવસે એ જ ખાલી જગાએ દાંતની બેઠક બેઠી. ત્યાં નવો દાંત ધીરે ધીરે બેસતો થયો. ઊગતો થયો, અને હજી પંદર દિવસ માંડ થયા હશે. અરે, દશ જ દિવસ કહોને કે સસલીનો દાંત હતો તેવો થઈ ગયો. નવો દાંત આવી જ ગયો. આવીને બેસી જ ગયો. જાણે કે દાંત ગયો જ નથી.

ખુશખુશાલ સસલી કહે : 'મા! મા! એક પાવલીનો આ તે કેવો જાદુ...'

'પાવલીનો નહીં, બેટા પરીનો...'

'કે પ્રભુનો?'

'કે જીવનનો! બેટા આપણે બધા એમ જ મોટાં થઈએ છીએ.'

જે આવે છે તે આવેલું હોતું નથી

જે જાય છે તે ગયેલું હોતું નથી.

સસલી એ વાત ઘૂંટવા ગઈ. પણ ભારે પડી.

આપણે શી પંચાત? દાંત ગયો, દાંત આવ્યો, પત્યું.' હજી પાવલી તો જેમની તેમ જ છે. સપનામાં દાંતપરી આવશે તેને આપી દઇશું કે આ પા-વ-લી લો, અને બીજી સસલીને દાંત આપી દેજો.

સસલી પરીની રાહ જુએ છે.

તમે?  


Google NewsGoogle News