Get The App

અભિમાની બતક .

Updated: May 12th, 2023


Google NewsGoogle News
અભિમાની બતક                                . 1 - image


- 'તું કોઈ દિવસ કોઈનું કહેવું માનતું નથી. એ વાત ઠીક ન ગણાય. કોઈ કોઈ દિવસ કોઈનું કહેવું માનતું જાય તો દુઃખી નહીં થાય.'

નજમા ગોલીબાર

એ ક હતું જંગલ. જંગલને છેડે એક નાનું ને રૂપાળું ઘર. ઘરની આસપાસ પીપળ, વડ, નાળિયેરી, બોરડી, વાંસ, ખજૂરી, તાડ, આસોપાલવ એમ ભાતભાતનાં ઝાડ. ઘરની સામે એક નાનકડું તળાવ. દૂર દૂર નાની નાની ટેકરીઓ.

આવી સુંદર જગ્યામાં એક જ ઘર અને તેમાં એક જ માણસ રહે. તેણે એક કૂતરો પાળેલો. કૂતરાનું નામ લાલુ!

લાલુ બહુ ડાહ્યો ને ભલો પણ ભારે. દિવસ અને રાત જંગલની ચોકી કરે. જંગલનાં બધાં પશુ-પંખી તેને ઓળખે. લાલુને સૌ સાથે ભાઈબંધી. બધાંની સાથે હળીમળીને રહે.

સાંજે પડે ને લાલુ મેદાનમાં ઊભો, વાદળ સામે જોઈ ભસ ભસ કરવા માંડે.

કાબર, મોર, ચકલાં, હોલાં, લેલાં, સમડી, પોપટ, કબૂતર વગેરેને ચેતવણી આપે, 'પંખી મહાજનો! હવે રમવાનું છોડી દો. સૂરજદાદા આથમી ગયા. હમણાં અંધારું થશે. ઝાડની ડાળે ડાહ્યા થઈને સૂઈ જાઓ. સવારે વહેલાં ઊઠીને રમજો.'

પંખીઓ ઝાડની ડાળમાં લપાઈ જાય.

તળાવમાં એક બતક રહે. તે કોઈનું કહેવું માને નહીં. અભિમાની બહુ. મનમાં ફાવે તેમ કરે. રાતે પંખીઓ ઝાડની ડાળે પોઢી જાય, પણ બતકને ઊંઘવાનું મન ન થાય.

બતક ઊંચી ડોક રાખી તળાવમાં તરતું હતું. તરતાં તરતાં વિચાર આવ્યો, 'હમણાં ઘણા સમયથી પાણી બહાર નીકળ્યું નથી. ચાલ ને, આજ જંગલમાં થોડું ફરી આવું. પગ છૂટા થશે ને જીવને આનંદ પડશે.'

બતક ફરવા જવાનો વિચાર કરી તરતું તરતું તળાવના કિનારા તરફ આવતું હતું. લાલુ કિનારે ઊભો હતો. તે કહે, 'બતકજી, અત્યારે કઈ બાજુ ? અંધારું થઈ ગયું છે, ખબર નથી? અત્યારે ફરવાનું હોય? ફરવાનું સવારે. સામેની ઝાડીમાં શિયાળજી રહે છે. જાણતા નથી? રસ્તે ભેટી જશે તો જીવતા નહીં રહો! જાઓ ઝટ, પાછા ફરો!'

બતક કહે, 'અરે, જા રે જા, લાલિયા! તારા કરતાં મારામાં વધુ અક્કલ છે. હું કોઈ દિવસ કોઈના હાથમાં ન ફસાઉં ! તું ડહાપણ શું કામ કરે છે?'

લાલુ કાંઈ બોલ્યો નહીં. મનમાં તો થયું જ કે, 'નક્કી આજે બતકજીને માથે કાળ ભમે છે!'

બતક થોડે દૂર ગયું. ત્યાં સામેથી શિયાળ આવતું જણાયું. તેને જોઈ બતકના પેટમાં ફાળ પડી. તે થોડી વાર થંભી ગયું. એટલામાં તો શિયાળ તેની પાસે આવી પહોંચ્યું. કહે, 'કેમ, બતકજી, આજ તો કાંઈ બહુ મોડા મોડા ફરવા નીકળ્યા!'

બતક કહે, 'ના રે ના, ભાઈ, હું કાંઈ રોજ ફરવા નથી નીકળતું. આજે મનમાં થયું કે ચાલને, જરા વાર ફરી આવું. પગ છૂટા થાય અને જીવને આનંદ પડે!'

શિયાળ કહે, 'ઠીક વાત છે. કોઈ કોઈ દિવસ ફરવા નીકળવું જોઈએ. દિવસ-રાત પાણીમાં પડી રહેવાથી પગ અને શરીર બંધાઈ જાય અને ચેન પણ ન પડે. તમે ફરવા નીકળ્યા તે સારું કર્યું.'

શિયાળે લુચ્ચાઈ આદરી. તે કહે, 'બતકજી, આજે હું જંગલના પશુ અને પંખીઓને મિજબાની આપવાનો છું. બધાં પશુ પંખી આવવાના છે. મિજબાનીમાં હરીફાઈ ગોઠવી છે. પ્રાણીઓમાં જે સહુથી સુંદર હશે તેને સોનાનું સિંહાસન ઈનામમાં મળશે. અને પંખીઓમાં જે સહુથી સુંદર હશે તેને સોનાની પાલખી મળશે.'

'પ્રાણીઓ તો ઠીક. જોયાં બધાં. કોઈને લાંબા લાંબા શિંગડાં, તો કોઈને લાંબા લાંબા પૂંછડાં ! ગધુજીને તો વળી લાંબા લાંબા કાન !'

'પણ પંખીઓમાં તો તમારા જેવું કોઈ સુંદર નહીં. કોઈ રૂપાળું નહીં. પંખીની સુંદરતાનું ઈનામ તો તમે જ જીતી જશો. તમારી સુંદરતાનાં શા વખાણ કરું ? હું તો તમને નોતરું આપવા આવતું હતું ત્યાં તમે જ સામા મળ્યા! ઠીક, ચાલો ત્યારે મારી સાથે. આપણે બે-પાંચ ઠેકાણે આમંત્રણ આપતા જઈએ અને પછી જઈએ ઘેર!'

બતક શિયાળની વાતમાં અંજાઈ ગયું. તે શિયાળ સાથે ચાલવા માંડયું. બતકના મનમાં સોનાની પાલખી મેળવવાની ઈચ્છા હતી. શિયાળના મનમાં બતકને ફાડી ખાવાનો વિચાર હતો. 

લાલુ એક ઝાડ પાછળ લપાઈને બધી વાત સાંભળતો હતો. તે શિયાળને સારી રીતે ઓળખતો હતો. તે મનમાં વિચારે, 'બતકનું આવી બન્યું છે આજે.' બીજી પળે વિચાર આવ્યો, 'ના, ના, બતકને મરવા તો ન દેવાય! નિર્દોષ બતકને શિયાળ ફોસલાવીને ફાડી ખાય એ મારાથી સહન ન થાય.'

લાલુ લપાતો લપાતો બન્નેની પાછળ ચાલ્યો.

શિયાળ અને બતક થોડે દૂર પહોંચ્યા, ત્યાં તો શિયાળે ચપ કરતીકને બતકની ડોક પકડી, અને તેને જમીન પર પટકી ચત્તું કરી નાખ્યું.

જમીન પર પડયું પડયું બતક તરફડતું હતું, એટલામાં તો લાલુ ઝપાટાભેર ત્યાં જઈ પહોંચ્યો. પહોંચતાંની વાર જ શિયાળ પર તૂટી પડયો. તેની ડોક પોતાના મોંમાં જકડી રાખી. શિયાળ તો બરાડા પાડવા લાગ્યું, પણ લાલુ તેને છોડે શાનો ?

બતક બેઠું થયું. તેને દયા આવી. તે કહે, 'લાલુભાઈ જવા દો, સોનાની પાલખીના મોહમાં હું અંજાઈ ગયો. હવે બહુ થયું. જવા દો. છોડી દો. બિચારું મરી જશે.'

લાલુ કહે, 'તારી વાત સાચી, પણ લુચ્ચાઈ કરે તેને તો સજા થવી જ જોઈએ.'

બતકે બહુ આગ્રહ કર્યો, એટલે લાલુએ શિયાળને છોડી દીધો.

શિયાળ ઊભી પૂંછડીએ જીવ લઈને નાઠું!

બતક કહે, 'લાલુ ભાઈ, તમારું કહેવું ન માન્યું. પાછળથી પસ્તાવો થાય છે. તમે મારી મદદે આવ્યા ના હોત તો મારો જીવ બચ્યો ન હોત! હું તમારો કેટલો આભાર માનું? કયા શબ્દોમાં ઉપકાર માનું?'

લાલુ કહે, 'એમાં ઉપકાર માનવાની કાંઈ જરૂર નથી. મેં તો મારી ફરજ બજાવી છે. પણ જો, એક વાત સાંભળ. તું કોઈ દિવસ કોઈનું કહેવું માનતું નથી. એ વાત ઠીક ન ગણાય. કોઈ કોઈ દિવસ કોઈનું કહેવું માનતું જાય તો દુઃખી નહીં થાય. તું છે જાણે બહુ અભિમાની. પણ અભિમાન કોઈ દિવસ બહુ ભારે પડી જાય. મારી આટલી વાત ધ્યાનમાં રાખે તો બસ છે.'

બતક કહે, 'લાલુ ભાઈ ! તમારી વાત સાચી છે અને તે મને કબૂલ છે.' એ દિવસથી બન્ને વચ્ચે પાક્કી ભાઈબંધી જામી. 


Google NewsGoogle News