Get The App

પહોંચી પ્રાર્થના સાધુની .

Updated: Jul 29th, 2023


Google NewsGoogle News
પહોંચી પ્રાર્થના સાધુની                                      . 1 - image


- જે કામ કરવા માટે શેતાન છે એ કામ તમારે કરવાની શી જરૂર છે?

એ ક સાધુ. ભારે ચમત્કારવાળા. લોકો કહેતા કે તેમના આશીર્વાદ ફળે છે. શેઠને ખબર પડી તો શેઠ સાધુ પાસે ઉપડયા. કહે : 'સાધુ મહારાજ! ભગવાનને આપણા માટેય એકાદ વાત કહી દો તો કાયાનું કલ્યાણ થઈ જાય.'

'હે ભગવાન!' સાધુએ કહ્યું : 'આ શેઠને અત્યારે ને અત્યારે જ ઉપાડી લો.'

આવી પ્રાર્થના સાંભળી શેઠ તો અરેરાટી પામી ગયા.

'અરે! અરે!' તેમણે કહ્યું : 'આ તે કેવી પ્રાર્થના? આ તો તમે મારું કલ્યાણ નહીં પણ બૂરું જ કરી રહ્યા છો!'

સાધુ મહારાજ કહે : 'શેઠ! તમારા સ્વાર્થી હોવાની વાત બધે જાણીતી છે. તમે કંજૂસ અને કપટીથી પણ ભારે છો. તમે તો મજૂરોને નિયમિત મજૂરી આપો છો કે ન તો તેમની મહેનત મુજબ ન્યાય કરો છો! કારીગરોના કલ્યાણની વાત તો વિચારતા જ નથી. ઉપરથી તમારી લોભવૃત્તિ ખાતર તેમને રઝળતા પણ કરી મૂકો છો. શેઠ, તમે લહેર કરો છો પણ એ લહેર ફરતે હાય હાય વિંટળાયેલી છે. ચારેબાજુ પરસેવા, પરિશ્રમ અને પ્રમાણિક્તાની હાય સંભળાય છે. હવે જે સત્યને અન્યાય કરે છે તથા નિર્બળોનું અકલ્યાણ કરે છે તેને માટે કલ્યાણ એ જ છે કે તે જાતે જ મટી જાય.'

શેઠ સત્ય વચનો સાંભળીને બાવરા 

બની ગયા.

સાધુ કહે : 'જે કામ કરવા માટે શેતાન છે એ કામ તમારે કરવાની શી જરૂર છે?  શેતાનના અનુયાયીઓની પ્રાર્થના શેતાનને જ હોય! તે છતાં વધુ લાભ ખાટવા જો તેને માટે ભગવાનને પ્રાર્થના કરવાની હોય તો એ પ્રાર્થના એક જ હોય : હે, ભગવાન! આ શેઠને અત્યારે ને અત્યારે જ ઉપાડી લો.'

શેઠ સાધુના ચરણકમળમાં હતા. ઉપાડવાની જરૂર જ નહોતી. તેમનાં કર્યાનો પસ્તાવો તેમને થઈ જ રહ્યો. સાધુની પ્રાર્થના ભગવાનશ્રી સુધી નહિ તો શેઠના અંતર સુધી તો પહોંચી જ હતી! 

- હરીશ નાયક


Google NewsGoogle News