ધ્રુવ પ્રદેશનું સફેદ રીંછ
માં સાહારી પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી ધ્રુવ પ્રદેશનું સફેદ રીંછ છે. ધ્રુવ પ્રદેશના ઠંડા વાતાવરણમાં જીવતા રહેવા માટે કુંદરતે તેના શરીર પર ૧૦ સેન્ટિમીટર જાડું ચરબીનું પડ આપ્યું છે. આ રીંછ ૬૫૦ કિલોગ્રામ વજનનું હોય છે. ઊભુ થાય ત્યારે તે ૧૧ ફૂટ ઊંચુ હોય છે. ધ્રુવ પ્રદેશના ઠંડા દરિયાના પાણીમાં તરતી હિમશિલાઓ પર તે રહે છે. સફેદ રીંછ તરવામાં કુશળ હોય છે. ઘટ્ટ વાળ હોય છે એટલે બરફ પર સહેલાઈથી દોડી શકે છે. જરૂર પડે ત્યારે તે ૨૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. આ રીંછ મોટી માછલીઓનો શિકાર કરે છે. ઠંડા પ્રદેશમાં જીવતા રહેવા કુદરતે સફેદ રીંછમાં ઘણી કરામતો ગોઠવી છે. શરીરની ગરમી બહાર નીકળી ન જાય તે માટે તેના કાન સાવ નાના રાખ્યા છે. એટલે તે ઓછું સાંભળી શકે છે. બદલામાં તેનું નાક વધુ શક્તિશાળી બનાવ્યું છે. ઘણે દૂરથી તે માંસની ગંધ મેળવી લે છે. તેની રૂંવાટી સફેદ હોય છે. પરંતુ ચામડી કાળી હોય છે એટલે તે ગરમીનું શોષણ કરે છે. નવાઇની વાત એ છે કે તેના પાતળા સફેદ વાળ પોલા હોય છે અને તે દ્વારા સૂર્ય પ્રકાશની ગરમી તેના શરીરમાં પહોંચે છે. સફેદ રીંછની રૂવાંટી મુલાયમ અને સુંદર હોય છે. શિકારીઓ તેની ચામડી માટે તેનો શિકાર કરે છે.