મોરને મળી કલગી .
- 'દોસ્ત, તારી તકલીફ એ છે કે તું કોઈ કામ કરતો નથી એટલે તને કોઈ પસંદ કરતું નથી. તું કામ કરવા લાગે તો હમણાં જ બધાં તને બોલાવવા લાગે.'
- આ વળી કદરૂપું જાનવર ક્યાંથી લાવ્યા?
- તું જેવો છે તેવો જ સુંદર બની રહેજે
બ હુ ૫હેલાં મોર કંઈ આટલો રૂપાળો ન હતો. બલકે સાવ કદરૂપો હતો. ન તેના પગનાં ઠેકાણાં ન તેના શરીરનાં ઠેકાણાં અને સરસ મજાનાં રંગબેરંગી પીંછાં તો હતાં જ નહીં. જંગલનાં પશુપક્ષીઓની વચમાં તે ભારે શરમ અનુભવતો હતો. કોઈ તેને પસંદ કરતું ન હતું. એક વખત જંગલનાં બધાં જ જીવો ભેગા થયા. મોરની હાંસી ઉડાવવા લાગ્યા.
સિંહ કહે : 'અલ્યા મોર, તારી ચાલ તો સાવ બતક જેવી છે અને તું કાચબા કરતાં પણ વધારે સુસ્ત અને આળસુ છે. '
બતક કહે : 'મારાથી જમીન પર ચલાતું નથી પણ પાણીમાં મારી ચાલ જુઓ. ખુશ થઈ જશો. આ આપણા મોરભાઈ તો તરી પણ શકતા નથી. '
કાચબો કહે : 'અને મહારાજ, જમીન પર હું ધીમેધીમે ચાલું છું પણ પાણીમાં મને ચાલતો જોઈ લ્યો!'
વાંદરો બોલી ઊઠયો : 'આ મોર તો સાવ નકામો છે. મારી જેમ તેને કૂદતાં નથી આવડતું. મારી જેમ એને લટકતાં પણ નથી આવડતું. '
પોતાની ગુચ્છાદાર પૂંછડી ઊંચી કરીને ખિસકોલી કહે : 'બિચારાને પૂંછડી તો છે જ નહીં. '
પોપટ બોલી ઊઠયો : 'અને ખાય છે કીડા. '
શિયાળ કહે : 'અરેરે! કેવું ગંદું પક્ષી છે! મને તો જોતાંની સાથે કંઈ કંઈ થઈ જાય છે.'
રીંછ કહે : 'પક્ષી છે કે પશુ એ જ સમજાતું નથી. નથી એ ઊડતું કે નથી એ દોડતું. '
વાઘ બોલી ઊઠયો : 'અલ્યા ત્યારે બધા જોયા શું કરો છો? કાઢો એને જંગલની બહાર. '
જંગલના જીવોએ ભેગા થઈને મોરનો પીછો કર્યો.
મોરનો ભાગતાં દમ નીકળી ગયો.
મહામુશ્કેલીએ તે ગામ સુધી આવી પહોંચ્યો. કલાકો સુધી તેણે જોર-જોરથી શ્વાસ હેઠા મૂક્યા ત્યારે તેને શાંતિ થઈ.
ગામને નાકે પહેલું ઘર કુંભારનું હતું. કુંભારનો વાડો હતો. વાડામાં એ ચાક ફેરવતો. પોતાનાં બનાવેલાં વાસણો ખડકતો.
કુંભાર પશુપક્ષીઓ પાળવાનો ભારે શોખીન હતો. તેની પાસે એક કૂતરો, એક બિલાડી, એક મેના, એક મરઘો, એક ગધેડો હતો. મોર પણ તેમાં સામેલ ગઈ ગયો. કુંભારની સ્ત્રી કહે : 'તમે શું ઘરને પાંજરાપોળ સમજી બેઠા છો? આ નવા નવા જીવો ક્યાંથી લાવો છો? આ વળી કદરૂપું જાનવર ક્યાંથી લાવ્યા?'
કુંભાર કહે : 'ગાંડી, રૂપ અને કદરૂપાપણું તો ભગવાને આપ્યું છે. એનો હર્ષ શો અને શોક શો? આ બિચારો એક ગરીબ મોર છે. જંગલનાં જીવોએ એને ભગાડી મૂક્યો છે. ભલે આપણે ત્યાં રહેતો!'
મોર તો કુંભારને ત્યાં રહેવા લાગ્યો પણ ગધેડાને એ વાત ન ગમી. ગધેડો કહે : 'આ મોર વળી તમને શુ ંકામ લાગવાનો છે? હું ગમે તેવો ગધેડો છું, છતાં માટી લાવું છું. માટીનાં વાસણો પીઠ પર ઊંચકું છું. અને તમારાં બધાં કામ કરું છું. પણ આ મોર...'
કૂતરો કહે : 'ખરી વાત છે, માલિક! હું પણ આખો દિવસ ચોકી કરું છું. રાતના જાગું છું. આપણા ઘરની આજુબાજુ ચોરને ફરકવા પણ દેતો પણ નથી. આ મોર ખાધા સિવાય બીજું શું કામ કરે છે?'
બિલાડી કહે : 'હું ઉંદર પકડું છું. ઉંદરને ઘરથી દૂર રાખું છું. પણ આ મોર એવું કંઈ કરી શકવાનો છે?'
મરઘો કહે : ' તમે કહો કુંભારભાઈ, તમને કદી ઘડિયાળની જરૂર પડી? વહેલી સવારે હું તમને ઉઠાડી દઉં છું કે નહીં?'
મેના પાંજરામાં હતી. તે બોલી ઊઠી : 'હું બધાંને મીઠાં ગીત સંભળાવું છું. તમારી સ્ત્રીને તો મારાં ગીત ખૂબ જ ગમે છે, પણ આ મોર શું કરવાનો?'
કુંભારે મોરને પૂછયું : 'બોલ મોર, તું શું કરશે?'
મોર કહે : 'કંઈ નહીં. '
કુંભારની સ્ત્રી બોલી ઊઠી : 'આ ઘરમાં તો જે કામ કરશે એને જ ખાવાનું મળશે. '
મોર કહે : '૫ણ હું કયું કામ કરું? મને તો કોઈ કામ આવડતું નથી. '
'તો પછી ચાલ્યો જા ઘરની બહાર,' કુંભારની સ્ત્રીએ કહી દીધું.
મોરે તો મેના સામે જોયું, ગધેડા સામે જોયું, કૂતરા સામે જોયું, મરઘા સામે જોયું, બિલાડી સામે જોયું પણ કોઈએ તેને સાથ આપ્યો નહીં. તેને લાગ્યું કે બધાં જ તેની પર નારાજ છે.
બિચારો મોર ત્યાંથી પણ જીવ લઈને નાસવા લાગ્યો.
તેને જંગલમાં કોઈએ સંઘર્યો ન હતો. ગામમાં પણ કોઈએ સંઘર્યો નહીં.
હવે ક્યાં જવું? એ પ્રશ્ન હતો. રસ્તામાં એક પીપળાનું ઝાડ આવ્યું. મોર એ પીપળાના ઝાડ પર જ રહેવા લાગ્યો.
અડધી રાત થઈ હશે અને ત્યારે જ મોરને અવાજ સંભળાયો : 'મોર, એ મોર.' મોર ગભરાઈ ગયો અને ભાગવા લાગ્યો.
ત્યારે ફરીથી શબ્દો આવ્યા : 'મોરભાઈ, મારી વાત સાંભળો. મારાથી ડરો નહીં. '
'કોણ છો તમે?'
'હું તો પીપળાનું ઝાડ છું. '
મોર કહે : 'ઓહ! હું તો એકદમ ડરી ગયો હતો. ' પીપળો કહે : 'મારાથી શા માટે ડરવાનું? લોકો તો વારતહેવારે મારી પૂજા કરે છે. તું આવ્યો તે મને ગમ્યું. પણ તું ક્યાંથી આવ્યો? અને શું કામ આવ્યો?'
મોર કહે : 'પીપળાભાઈ, આ મારું ગામ, શહેર કે જંગલમાં કોઈ જ સ્થાન નથી. મને માણસોય મારવા આવે છે અને પશુપક્ષીઓ પણ મારવા આવે છે.'
મોરે પોતાની બધી જ વાત કહી સંભળાવી.
પીપળો કહે : 'દોસ્ત, તારી તકલીફ એ છે કે તું કોઈ કામ કરતો નથી એટલે તને કોઈ પસંદ કરતું નથી. તું કામ કરવા લાગે તો હમણાં જ બધાં તને બોલાવવા લાગે. '
મોર કહે : 'પણ હું શું કામ કરું? મને કોઈ કામ આવડતું નથી. '
પીપળો કહે : 'ન આવડતું હોય તો શીખ. શીખવાથી બધાં કામ આવડી જાય છે.'
મોર ભારે સુસ્ત અને આળસુ હતો. તેનાં હાડકાં હરામનાં થઈ ગયાં હતાં. તે જમીનમાં કીડા ખાઈ લેતો અને પછી ઊંઘ્યા કરતો.
પણ એવું કેટલા દિવસ ચાલે?
એકવાર ગામમાં દુકાળ પડયો. વરસાદ બિલકુલ જ પડયો નહીં. ખેડૂતો આકાશ સામે જોવા લાગ્યા. ઝાડ કરમાવા લાગ્યાં. જંગલ પણ રસકસ વગરનાં બનવા લાગ્યાં. માણસો, પશુઓ, પક્ષીઓ બધાંની નજર આકાશ તરફ હતી.
નદી, તળાવ, બધું જ સુકાઈ ગયું. મોર પોતે પણ ભૂખે મરવા લાગ્યો.
પીપળો કહે : 'હવે ક્યાં સુધી બેસી રહેશે? હવે તો મારો અંત સમય પણ નજીક આવ્યો છે. '
મોરે પણ આકાશ તરફ જોયું. વાદળો આવતાં અને ઝડપથી વિખેરાઈ જતાં.
મોર જોર-જોરથી વાદળને કહેતો : 'નીચે આવો વાદળો, નીચે આવો - વાદળો. '
વાદળો કહેતા : 'અમે શું કામ નીચે આવીએ? અમે નીચે આવીએ તો અમને શું મળશે?'
પીપળો કહે : 'વાદળને નીચે ઉતારવાં હોય તો તેમને ખુશ કર.'
મોર વિચારતો રહ્યો. પછી એકાએક તે બોલી ઊઠયો : 'આવી ગયાં આવી ગયાં. '
મોરે હંસ પાસે સફેદ રંગ માગી લીધો, પીપળાનાં પાન પાસે લીલો રંગ મેળવી લીધો, સવારના સૂરજ પાસે તેણે સોનેરી રંગ લઈ લીધો, જાંબુના ઝાડ પાસે તેણે જાંબુડી રંગ મેળવી લીધો, ફૂલો પાસે જઈને બાકીના ઘણા રંગ મેળવી લીધા. બીજા તેને જે રંગ મળ્યા નહીં તે મેળવવા માટે તે રંગારા પાસે ગયો. બાકીના બધા રંગો રંગારાની પાસેથી મેળવી લીધા.
એ બધા રંગ લઈને તે ટોપલા બનાવનાર કારીગર પાસે ગયો. તે કહે : 'ભાઈ, આ પીંછાં લે, આ રંગ લે, મને એક સરસ મજાનો વીંજણો બનાવી દે. જેમ રાજાના સેવકો રાજાને ચામર ઢાળે તેમ હું મેઘરાજાને ચામર ઢાળીશ. '
રંગરેજ પણ વરસાદની રાહ જોતો હતો. તેણે મોરને મોટો પંખો બનાવી આપ્યો. મોર એ વીંઝણો લઈને ખેતર તરફ દોડયો. વાદળો ઉપર ઉપરથી દોડી જતાં હતાં. મોર ચામર ઢાળીને જોરજોરથી બોલીને કહેવા લાગ્યો : 'ઊતરી આવો વાદળો, નીચે ઊતરી આવો વાદળો!'
વાદળ હજી નીચે ઊતરતાં ન હતાં. મોરે ફરી શોર મચાવ્યો. 'આવી જાવ, મેઘરાજા! આવી જાવ. '
છતાં મેઘરાજા ન આવ્યા. આકાશમાર્ગે ઝડપથી દોડી જવા લાગ્યા.
મોરને લાગ્યું : 'મેઘરાજાને હજી વધારે સારી રીતે ખુશ કરવા પડશે. '
તેણે તો એક કલગી માથામાં ખોસી અને વીંઝણો પાછળ ધરી રાખ્યો. કોઈ કાબેલ નર્તકી નૃત્ય કરતી હોય એમ તે ઠુમક ઠુમક નાચવા લાગ્યો. પોકાર કરવા લાગ્યો. નાચી-નાચીને તે કહેતો હતો : 'નીચે આવો મેઘરાજા, નીચે આવો. '
આખો દિવસ નાચી નાચીને તે ગાતો રહ્યો : 'નીચે આવો મેઘરાજા, નીચે આવો!'
અને વાદળો રહી શક્યાં નહીં, તેનું ગાન સાંભળવા એકદમ નીચે આવી પહોંચ્યા. તેનું નૃત્ય જોવા ઠેઠ જમીન સુધી ડોકાવા લાગ્યાં.
જોતજોતામાં પાણીનાં મોટાં-મોટાં ફોરાં પડવા લાગ્યાં. મોરના ટહુકારથી વાદળો એટલાં ખુશ થઈ ગયાં કે તેઓ પણ મોરની જેમ જ દોડાદોડી કરીને નાચવા લાગ્યાં.
પછી તો મોર અને મેઘનું એવું નૃત્યુ જામ્યું કે ચારેબાજુ પાણી જ પાણી. નદીનાળાં ઊભરાઈ-ઊભરાઈને દોડવા લાગ્યાં. બાળકો બહાર નીકળી આવીને સ્નાન કરવા લાગ્યાં. ખેડૂતો 'વરસાદ આવ્યો, વરસાદ આવ્યો...' કરતા ખેતર તરફ દોડવા લાગ્યા.
પશુપક્ષીઓ ખુશખુશાલ બની ગયાં. બધાંને ખુશ જોઈ મોર પણ ખુશ થયો. તેને કામ મળી ગયું.
મેઘરાજા મોરના આ નૃત્યથી ખુશ થઈ ગયા. તેમણે મોરને કહ્યું : 'તું જેવો છે તેવો જ સુંદર બની રહેજે. '
મોર વરસાદને લાવ્યો હતો એટલે બધાં મોરનાં વખાણ કરવા લાગ્યાં. મોરની પાસે ટોળે વળવા લાગ્યાં. પશુપંખી તથા માણસો કહેવા લાગ્યાં : 'સુંદર પંખી તો મોર જ છે. એ દેખાવમાં પણ સુંદર છે. તેનો કંઠ પણ સુંદર છે. તેનું નૃત્ય તો વળી સૌથી સુંદર છે.'