પૃથ્વી પર સૌથી વધુ વિસ્તાર રોકતાં જંગલ : બોરિયલ ફોરેસ્ટ
પૃ થ્વીના ઉત્તર ગોળાર્ધમાં કેનેડા, નોર્વે, ફિનલેન્ડ, સ્વિડન, રશિયા, મોંગોલિયા, ઉત્તર જાપાન અને કઝાકસ્તાને આવરી લેતાં બોરિયલ ફોરેસ્ટ પૃથ્વી પરનો સૌથી મોટો વિસ્તાર રોકે છે. બર્ફીલા પ્રદેશોના આ જંગલોના વૃક્ષો શંકુ આકારના હોય છે. તેને શંકુદ્રુમ જંગલ પણ કહે છે. ઉત્તરીય પવનોના ગ્રીક દેવ બોરિયસના નામ ઉપરથી આ જંગલોનું નામ બોરિયલ પડયું છે. બોરિયલ જંગલો પૃથ્વીના જંગલોનો ૨૯ ટકા ભાગ રોકે છે. કેનેડાના બોરિયલ જંગલોમાં ૫૫ સસ્તન પ્રાણીઓ, ૧૩૦ જાતની માછલી, ૩૨૦૦૦ જેટલી જાતિના જંતુઓ અને ૩૦૦ જાતિના પક્ષીઓ જોવા મળે છે. બોરિયલ જંગલોમાં ઉત્તર ગોળાર્ધનું સૌથી નીચું તાપમાન માઈનસ ૬૫ ફેરનહિટ રહે છે એટલે વૃક્ષો ઉપર બરફ છવાયેલો રહે છે. બોરિયલ જંગલો પૃથ્વીના હવામાન અને તાપમાન ઉપર મોટી અસર કરે છે.
બોરિયલ જંગલના સાઈબિરિયન ટાઈગર અને ગ્રેટ ગ્રે ઓલ નામનું ઘુવડ વિશિષ્ટ જીવ છે. સાઈબર જેવા હરણ ઈલ્ક, કાંટાવાળી શાહુડી યોર્કયૂપાઈન પણ આ જંગલોમાં રહે છે. શરીરનો રંગ બદલતા સસલા સ્નો શૂ હેર પણ અહીંના જ વતની છે. વિશ્વના સૌથી ઊંચા જાયન્ટ સિક્વોયા વૃક્ષો પણ આ જ જંગલની પેદાશ છે. વિશ્વભરના લાકડાની જરૂરિયાતનો મોટો ભાગ બોરિયલ જંગલોમાંથી મળે છે. બોરિયલ જંગલો ભલે બરફાચ્છાદિત હોય પરંતુ ઉનાળાની ઋતુમાં ભીષણ દાવાનળ પણ આ જંગલોને ભરખી જાય છે. એકાએક ઊઠેલી આગમાં હજારો એકર જમીનના વૃક્ષો બળીને ખાખ થઈ જાય છે.