સબસે ઊંચી પ્રેમ સગાઈ .
- 'આજે આખું વિશ્વ હિંસાની કટાર ઉપર ઊભું છે. ચારે બાજુથી યુદ્ધ, મારામારી, રમખાણોના સમાચાર આવે છે ત્યારે વિશ્વને 'પ્રેમ'ની તાતી જરૂર છે.'
- ભારતી પી. શાહ
ગગન સાથે વાત કરતાં ઊંચા ઊંચા પર્વતનાં શિખરો અને એ પર્વતની તળેટીમાં આવેલું જંબુવન નામનું જંગલ. વિશાળ જાંબુવનમાં જાતજાતનાં પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુ હળીમળીને રહે. જંબુવનના રાજા શેરસિંહ અનુશાસનના ખૂબ આગ્રહી, એટલે અહીં ઝઘડાનું નામનિશાન નહીં. સૌ પોતપોતાની જવાબદારી ન્યાયપૂર્વક નિભાવે.
વન્ય પશુનાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે વનમાં એક સુંદર 'આદર્શ વિદ્યાલય' નામની શાળા પણ હતી. શાળાના મુખ્ય આચાર્ય શાણાશિયાળે વન્ય પશુનાં બાળકો માટે કડક નિયમો બનાવ્યા હતા, જેથી શાળામાં વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે.
શાળાના શિક્ષકો ડાહ્યો ડુક્કર, ઘોરી ઘુવડ, વાલમ વરૂ, રાવણ રીંછ વગેરે બાળકોને પ્રેમથી જુદા જુદા વિષયો ભણાવે. શાળામાં અભ્યાસ ઉપરાંત ઘણીબધી ઈત્તર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. શાળામાં લાયબ્રેરી, પ્રયોગશાળા, જીમ વગેરેની વ્યવસ્થા પણ હતી.
જંબુવનની 'આદર્શ વિદ્યાલયે' બોર્ડમાં પોતાનું નામ બનાવ્યું હતું. શારીરિક શિક્ષણ યોગ્ય રીતે મળે તે માટે અહીં રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. અવારનવાર આસપાસના વનની પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે મેચનું આયોજન થતું હતું. અવારનવાર વનની પ્રજા ભેગી મળીને ઉત્સવો ઉજવતી અને સ્નેહસંમેલનનું આયોજન પણ કરતી.
આ વખતે પણ દર વર્ષની જેમ 'આંતરશાળા રમતોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું. આજુબાજુનાં વનની બધી શાળાઓ રમતમાં ભાગ લેવાની હતી. આયોજન સમિતિ પાસે જુદી જુદી શાળાના સમંતિફોર્મ આવવા લાગ્યાં.
કાર્યક્રમની રૂપરેખા તૈયાર થવા લાગી. આવનારા ખેલાડીઓ, કોચ, સહાયકો બધાના રહેવા માટેની સગવડ કરવાની હતી. બધાને સાત્વિક, સ્વાદિષ્ટ અને યોગ્ય આહાર મળી રહે તે માટે વિશાળ ભોજનખંડ તૈયાર કરવાનો હતો. વનરાજ શેરસિંહના નેતૃત્વ હેઠળ લાંબી ચર્ચાવિચારણા બાદ વનના બધા વન્ય પશુઓ કામમાં લાગી ગયાં.
એકતાથી કરેલી મહેનત રંગ લાવી. પરસ્પરના સહકારથી રહેવા માટેના તંબુઓ, ભોજનાલય, આરામખંડ, પ્રેક્ટીસખંડ વગેરે ખડા કરી દેવામાં આવ્યા. જુદી જુદી રમતોનાં નાનાં-મોટાં મેદાન પણ તૈયાર થઈ ગયાં.
રાજા શેરસિંહ, રાજદરબારીઓ, મંત્રીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો બધાએ ભેગા મળીને તૈયારીનું નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો.
આખરે 'રમતગમત ખેલદિન' આવી ગયો. જુદાં જુદાં મેદાનોમાં જુદી જુદી રમતોનો આરંભ થયો. આ બધી રમતગમતોનો આંખે દેખ્યો અહેવાલ રજુ કરવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગમાંથી વિજુ વાઘ અને જગ્ગુ જિરાફ કોમેન્ટ્રી આપવા લાગ્યા.
બધી રમતો શાંતિથી રમાતી હતી અને પ્રેક્ષકગણ પણ રમતોનો આનંદ લૂંટી રહ્યો હતો. જેઓ જીત્યા તેમણે જશ્ન મનાવ્યો. જે હાર્યા તેમના મુખ પર ઉદાસી છવાઈ ગઈ.
આ તો રમત છે. હારજીત તો ચાલ્યા કરે. હારને ખેલદિલીપૂર્વક સ્વીકારી રહી.
છેલ્લે ક્રિકેટની મેચો ગોઠવાઈ રહતી. જાંબુવનની જશટીમ, પાલીવનની પરબ ટીમ, અલકનંદા વનની આલોક ટીમ અને તપોવનની તલક ટીમ સેમિફાઈનલમાં આવી. સેમિફાઈનલ મેચ રમાઈ.
આખરે જશટીમ અને પરબટીમ ફાઈનલમાં પ્રવેશી. ફાઈનલ મેચ જોવા પ્રાણીઓની ભીડ જામી. સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું. ફાઈનલ મેચ ખૂબ ઉત્તેજનાપૂર્વક રમાઈ અને વિજયનો તાજ જશ ટીમના માથે ગયો.
ચારેબાજુ ખુશીઓની કિકિયારી ગુંજી ઊઠી, પરંતુ પરબ ટીમે ખેલદિલીપૂર્વક હાર સ્વીકારી નહીં. ખેલાડીઓ પોતાના ડ્રેસિંગરૂમ તરફ પરત ફર્યા. પરબ ટીમના કેટલાક ખેલાડીઓએ બડબડાટ શરૂ કર્યો.
એક ખેલાડી બબડયો, 'મેચમાં ભેદભાવ રાખી પરિણામ આપ્યું, હું આઉટ નહતો તો પણ આઉટ... છક્કી માર્યો તો કહે કે છક્કો નથી... એમ્પાયર પણ... મેદાન તેમનું... અહીં બધું તેમનું જ ચાલે...'
આ બડબડાટ સાંભળી આલોક ટીમના કેપ્ટને તેને વાર્યો અને ગમે તેમ ટિપ્પણી કરવાની મનાઈ કરી. તલક ટીમના ખેલાડીઓ પણ એકબીજાના ખેલાડીઓને ટેકો આપતા હોય તેમ વર્તન કરવા લાગ્યા. રમાઈ ગયેલી અમુક મેચોમાં પક્ષપાત થયો છે તેમ રજુઆત કરવા લાગ્યા. વાતાવરણ થોડું ગરમાયું. છેવટે મધુ મયુરે વચ્ચે પડીને બધાને વાર્યા અને છૂટા પાડયા, પરંતુ દ્વેષભાવના બીજ બધે વિખરાઈ ચુક્યા હતા. બધી ટીમના ખેલાડીઓ પોતપોતાના રૂમમાં જવા લાગ્યા, પણ પરસ્પર મિત્રતાને બદલે દ્વેષભાવની આપલે કરતા રહ્યા.
બીજા દિવસે વિદાય સમારંભ પૂરો થયો, અને જુદી જુદી ટીમો બસમાં ગોઠવાઈ પોતપોતાના વન તરફ પરત ફરવા લાગી. જંબુવનના મહારાજા શેરસિંહે હાશકારો અનુભવ્યો. બધું હેમખેમ પાર પડી ગયું એ વિચારે તેઓ ખુશ હતા.
થોડીવાર પછી ચિત્તો ચોકીદાર દોડતો દોડતો શેરસિંહ પાસે આવ્યો અને બોલ્યો, 'મહારાજ, ચિંતાજનક સમાચાર છે. પાછી વળી રહેલી બસોમાંથી બે બસોને અકસ્માત નડયો છે, અનેક ખેલાડીઓ ઘાયલ થયા છે.'
સમાચાર સાંભળતાં જ શેરસિંહ પોતાના સાથીદાર સાથે અકસ્માત સ્થાને જવા તૈયાર થયા. આ સમાચાર જંબુવનની જશ ટીમના ખેલાડીઓ પાસે પણ પહોંચી ગયા. બધા ખેલાડીઓ સઘળાં કામ પડતાં મુકી વાહનોની સગવડ કરી અકસ્માત સ્થાને જવા નીકળી પડયા.
થોડીવારમાં બધા અકસ્માતના સ્થળે પહોંચી ગયા. ઘાયલ થયેલા ખેલાડીઓની વેદનાભરી ચિચિયારી સંભળાતી હતી. જે બસો આગળ નીકળી ગઈ હતી તે બધા પરત ફરીને અકસ્માત સ્થાને આવી ગઈ. બધાએ ભેગા થઈને ઘાયલ ખેલાડીઓ અને ડ્રાયવરને બસમાંથી બહાર કાઢ્યા અને પોતપોતાની ચાદરો, શાલ પાથરીને તેમાં સુવાડયા. જે ખેલાડીને સાધારણ ઈજા થઈ હતી તેમને ફર્સ્ટએઈડ બોક્સની મદદથી સારવાર આપી. જેઓ વધારે ઘાયલ હતાં તેમને વાહનોમાં સુવડાવી જંબુવનની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હારેલા કે જીતેલા, એકબીજાને દ્વેષથી જોનારા, એકબીજા માટે બડબડાટ કરનારા બધા ખેલાડીઓ બધું ભૂલી ગયા અને સેવાકાર્યમાં લાગી ગયા.
બસો, વાહનો બધા ઘાયલ ખેલાડીઓને લઈને જંબુવનની હોસ્પિટલ પહોંચ્યાં અને ત્યાંના સર્જન હંસરાજ હાથીના નેતૃત્વ હેઠળ હસુહરણ, પિટ્ટુ પોપટ બધા ડૉકટરો સારવારમાં લાગી ગયાં. શાણો શિયાળ, ડાહ્યો ડુક્કર, વાલમ વરૂ બધાએ ખેલાડીઓને રહેવા માટેના તંબુઓ ખોલાવ્યા અને ભોજનશાળામાં ભોજન રંધાવાની શરૂઆત કરાવી દીધી. હોસ્પિટલના દર્દી ખેલાડીઓની બધા ઊભાપગે ચાકરી કરવા લાગ્યા. બધાની સેવા, મદદ, પ્રભુપ્રાર્થનાથી દશેક દિવસમાં બધા ખેલાડીઓ સારા થઈ ગયા. નસીબજોગે કોઈનું પણ મૃત્યુ થયું ન હતું.
શેરસિંહે છેલ્લે ખેલાડીઓને વિદાય આપતા કહ્યું, 'હું ઈશ્વરનો આભારી છું કે તેણે બધા ખેલાડીઓને સાજા સારા કરી દીધા. હું અમારા સહાયક સાથીદારો, અમારા બધા ખેલાડીઓ અને અહીં આવેલાં બધા જ મહેમાન ખેલાડીઓનો પણ આભાર માનું છું, તેમણે હૃદયપૂર્વક રાતદિન જોયા વગર બધા દર્દી ખેલાડીઓની સારસંભાળ લીધી. આ બધામાં મેં એક જ વસ્તુ નોંધી અને તે છે - પ્રેમ.'
શેરસિંહે પોતાની વાત આગળ વધારીં, 'પ્રેમ એક એવી અલૌકિક, અદભુત તાકાત છે જેનાથી માનસિક વિકારો દુર થાય છે, મનમાં સદ્ગુણોનું સર્જન થાય છે. પ્રેમ માણસને સાહસિક, ધીરજવાન, ગંભીર અને સહનશીલ બનાવે છે. બધા ખેલાડીઓએ પરસ્પર ભેદભાવ ભૂલીને સાચા દિલથી ફરજ અદા કરી છે. આપણને જીવનની સુંદરતા પ્રેમભાવથી જ સમજાય છે. જીવનમાં અનેક નાનામોટા પ્રસંગો, ઘટનાઓ ભૂલાશે પણ પ્રેમભાવના ક્યારેય ભૂલાતી નથી... અને તેથી જ પ્રેમના પ્રતિક સમાન શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત અને પ્રેમદિવાની મીરાને આપણે ભૂલ્યા નથી.
'આજે આખું વિશ્વ હિંસાની કટાર ઉપર ઊભું છે. ચારે બાજુથી યુદ્ધ, મારામારી, રમખાણોના સમાચાર આવે છે ત્યારે વિશ્વને 'પ્રેમ'ની તાતી જરૂર છે. મારી તમને બધાને વિનંતી છે કે ચારેબાજુ પ્રેમના બીજ વેરો, સુખશાંતિ આપોઆપ આવશે.'
બધાએ શેરસિંહની વાતને તાળીઓના ગડગડાથી વધાવી લીધી. ચારેકોર મંગલમય વાતાવરણ ઉભું થઈ ગયું.