ઉત્તરાયણની મોજ .
- બધા પતંગ ઉડાવવાનું છોડીને કબૂતર તરફ દોડયા. પપ્પાએ કબૂતરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. 'આની પાંખમાં ઘા થયો છે,' પપ્પાએ કહ્યું.
- કિરણબેન પુરોહિત
જા ન્યુઆરી મહિનો આવતા જ ટપુ અને તેના મિત્રો ઉત્તરાયણની તૈયારી કરવા લાગ્યા. ટપુની બહેન પરી તેને મદદ કરવા લાગી. ટપુ રંગબેરંગી પતંગ લઇ આવ્યો. પરીએ બધા પતંગો ઉપર સુવાક્યો લખી નાખ્યા.
ઉત્તરાયણના દિવસે ટપુ અને પરી સવારે વહેલા ઉઠી ગયાં. બંને સરસ તૈયાર થઇ અને અગાશીમાં પતંગ ઉડાડવા ગયાં. ટપુના બે-ત્રણ મિત્રો પણ પતંગ અને દોરી લઈને આવી ગયા. સંગીતના સથવારે પતંગ ઉડાડવાની બધાને બહુ મજા આવી. ટપુએ ઘણા પતંગો ઉડાડયા અને ઘણાનો પતંગો કાપ્યા. 'કાય...પો છે!'નુ બૂમરાણ ટપુ,પરી અને મિત્રોને પતંગ ઉડાડવાનો ઉત્સાહ વધારતો હતો.
ટપુનાં મમ્મી બધા માટે ઉંધિયું, પુરી અને ગુલાબજાંબુ લઇ આવ્યાં. અગાશીમાં જ બધાએ સાથે બપોરનું ભોજન કર્યું. .
બપોરના ભોજન પછી પણ ટપુનાં મમ્મી-પપ્પા અગાશીમાં રહ્યાં. પપ્પાએ બધાને ઉત્તરાયણના તહેવારનંભ મહત્વ સમજાવ્યું. ટપુના મમ્મી તલ, સિંગની ચીક્કી અને બોર લઇ આવ્યાં.
બધા પતંગ ઉડાડવામાં મશગુલ હતા ત્યાં કંઈક અજબ થયું. ટપુના પતંગની દોરીમાં એક કબૂતર ફસાઈ ગયું. તે ખૂબ ગભરાઈ ગયું હતું ને પાંખો ફફડાવીને ઉડવાનો પ્રયાસ કરતું હતું. તે સંતુલન ગુમાવીને અગાસી પર પછડાયું. કબૂતર ખૂબ ઘાયલ થઇ ચૂક્યું હતું.
બધાં પતંગ ઉડાવવાનું છોડીને કબૂતર તરફ દોડયા. પપ્પાએ કબૂતરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. 'આની પાંખમાં ઘા થયો છે,' પપ્પાએ કહ્યું.
પરી અને ટપુએ કબૂતરને નીચે પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. મમ્મીએ કબૂતરને દવા લગાવી. તેને ચણ આપ્યું, પાણી પાયું. થોડાં જ દિવસોમાં કબૂતર સારું થઈ ગયું. સ્વસ્થ થતાં જ એ પાંખો ફફડાવીને ફરીથી ઊડી ગયું.
પપ્પાએ કહ્યું, 'ટપુ, તારે પતંગની દોરી ખરીદતી વખતે અને પતંગ ઉડાડતી વખતે પંખીઓનું ધ્યાન રાખવું જોઈએ.'
ટપુએ વચન આપ્યું, 'પપ્પા, હવે હું હંમેશા પક્ષીઓનું ધ્યાન રાખીને જ ઉત્તરાયણ સેલિબ્રેટ કરીશ...'
બાળમિત્રો, પતંગ ઉડાવવા તે મજાની વાત છે, પરંતુ પંખીઓની સલામતીનું ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હંમેશા મૂંગા જીવોને પ્રેમ કરવો. પક્ષીઓની સુરક્ષા માટે જાગૃત રહેવું. નાઇલોન દોરીના બદલે પરંપરાગત કાપડના માંજાનો ઉપયોગ કરવો જોઈએ.