Get The App

દૂધપાક ખાવાની મજા .

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
દૂધપાક ખાવાની મજા                                        . 1 - image


- પાર્થ કહે, 'દૂધપાકમાં તો બદામ, કાજુ, દ્રાક્ષ અને મારા મનગમતા લાંબા ચોખાનો ભાત છે. મને તો ખૂબ જ સરસ લાગ્યો દૂધપાક.'  

દાદાજી કહે, 'બેટા, તને જે દૂધ નથી ભાવતું તેમાંથી જ બને છે દૂધપાક.' 

બિરેન પટેલ 

મ મ્મી પાર્થને રોજ કહે, 'ભઈલા, પાર્થ દૂધ પી લે ને!' દૂધ પીવડાવવા પાર્થની મમ્મી પાછળ પાછળ ફરે. દૂધ પીવે એ પાર્થભાઈ થોડા! અને છણકો કરે એ તો જુદો. 

'ના! ના! મારે દૂધ નથી પીવું, નથી પીવું.    

દૂધ કડવું ઝેર જેવું, ઝેર જેવું.' 

પાર્થ તો દૂધનો પ્યાલો એમ જ મૂકીને રમતમાં પરોવાઈ જાય. મમ્મી માટે પાર્થને દૂધ પીવડાવવું મોટા પડકાર સમાન હતુ. મમ્મી પાર્થને સમજાવે અને રમૂજ પણ કરે. દૂધનો પ્યાલો પોતે પી જાય અને પછી કહે, 'જો પાર્થ...

જે પીવે દૂધ એને ધોળી થાય મૂછ!

મળે એને કેટલી બધી શક્તિ મને પૂછ.' 

પાર્થ મમ્મીની ધોળી ધોળી દૂધની મૂછ જોઈ ખડખડાટ હસે! પાછો તાળી પાડવા લાગે અને ગીતડું ગાવા લાગે:

'મમ્મીને ઉગે દાદાજી જેવી મૂછ!

મમ્મીને ઉગે દાદાજી જેવી મૂછ!

લે રૂમાલ મમ્મી થ રૂમાલથી લૂછ...' 

પાર્થભાઈ તો વિમાન, ઘોડો અને બીજા રમકડાં લઈને રમવા લાગી જાય અને દૂધ પીવડાવવાની સમસ્યા તો ઊભીને ઊભી.  ઓસરીમાં ખુરશી પર બેસીને છાપું વાંચતા વાંચતા દાદાજી આ રમૂજ જોઈ ખડખડાટ હસે છે. દાદાજી છાપું મૂકી રસોડામાં જઈને થોડી વારમાં ત્રણ વાટકા મજાની વાનગી બનાવીને આવ્યા.  

પાર્થ અને તેની મમ્મીને કહે, 'ચાલો ચાલો... આવી જાવ બન્ને અને મજાની મારા હાથની આ વાનગી ટેસ્ટ કરો.' પાર્થ અને તેની મમ્મી વાટકીમાં રહેલી વાનગી સહેજ સહેજ ચાખે છે. પાર્થ તરત જ બોલી ઊઠયો, 'દાદાજી... યમ્મી...યમ્મી!'

દાદાજી કહે, 'છે ને બેટા, મજાની અને ટેસ્ટી વાનગી?'  

પાર્થ કહે, 'કહોને દાદાજી, આનું નામ?'

દાદાજી કહે, 'આનું નામ દૂધપાક!'

પાર્થ કહે, 'દૂધપાક આમા તો બદામ, કાજુ, દ્રાક્ષ અને મારા મનગમતા લાંબા ચોખાનો ભાત છે. મને તો ખૂબ જ સરસ લાગ્યો દૂધપાક.'  

દાદાજી કહે, 'બેટા, તને જે દૂધ નથી ભાવતું તેમાંથી જ બને છે દૂધપાક.' 

દૂધપાક ખાતાં ખાતાં દાદાજીએ પાર્થને દૂધમાં રહેલા વિટામિન, દૂધના ફાયદા અને ગુણની સમજ આપી. પાર્થ ખૂબ જ ખુશ થઇને મમ્મી સાથે ગાવા લાગ્યો...

'ખૂબ મજાનો દૂધપાક,

ઘટઘટ પી જઈએ દૂધપાક...' 

દૂધપાક ખાધા પછી પાર્થ કહે, 'મમ્મી... દાદાજી, હવેથી હું દરરોજ દૂધ પી લઈશ પણ મને દર રવિવારે દૂધપાક ખવડાવવો પડશે. પ્રોમીસ?'

દાદાજી અને મમ્મી કહે, 'પ્રોમીસ!' 

બધાએ ભરપેટ દૂધપાક ખાધો ને પછી ગીતડું ગાવા લાગ્યાં... 

'દૂધપાક ખાવાની મજા પડી,

દૂધપાક ખાવાની મજા પડી...'  


Google NewsGoogle News