વન આપણું ઘર .
- 'જુઓ, આપણે ડરવાની જરૂર નથી. આપણે બધાએ એક સાથે મળીને એમને અહીંથી ભગાડવાના છે
- ડો. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
એક સુંદર મજાનું વન. એ વનમાં વનરાજી અપાર! વૃક્ષોનાં પાન તો લીલાં છમ. હરિયાળી જ હરિયાળી! સરસ મજાનાં ફૂલો વૃક્ષો ઉપર ઝૂલે ને પવનમાં સર..સર.. પાંદડાંઓ બોલ્યાં કરે. વસંત તુ આવે એટલે તો એની શોભા અનેક ઘણી વધી જાય.આવા સરસ મજાનાં વનમાં અનેક પશુ પંખીઓ રહે. જંગલમાં સૌ કોઈ હળીમળીને રહે. દરેક મોટા પશુઓ નાના પશુઓની સંભાળ રાખે. નાનાં નાનાં જંતુઓ પણ છૂટથી ફર્યા કરે.
એકવાર આ જંગલમાં કેટલાક માણસો આવી ચઢયા.એમણે જોયું તો એતો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, 'આ વન તો ખૂબ સુંદર છે. અહીંનાં વૃક્ષ કાપી આપણે શહેરમાં વેચી ઘણા પૈસા કમાઈ શકીશું.'
'ચાલો, તો આપણે કાલે જ બીજા માણસો અને સાધનોને લઈને પાછા આવીએ,' બીજા માણસે કહ્યું.
માણસો ચાલ્યા ગયા.
આ વાત વનમાં રહેતા વાંદરાભાઈએ સાંભળી લીધી!
વાંદરાભાઈએ તો બધા વનનાં પશુ-પક્ષીઓ, જીવજંતુઓને બોલાવીને બધાને ભેગાં કર્યાં. બધાને માણસો વનનાં ઝાડો કાપવાની તજવીજ કરી રહ્યા છે તે વાત કરી. સૌ ચિંતામાં પડી ગયા.
સિંહ બોલ્યો, 'આપણું વન હરિયાળું અને લીલુંછમ આ વૃક્ષો થકી જ છે. આ વન તો આપણું ઘર છે. એને આ રીતે આપણે માણસોનાં હાથમાં નહીં જવા દઈએ. એને બચાવવા આપણે કંઈક ઉપાય તો કરવો જ પડશે.'
ત્યાં જ બાજ પક્ષીએ આવીને કહ્યું, 'જુઓ, આપણે ડરવાની જરૂર નથી. આપણે બધાએ એક સાથે મળીને એમને અહીંથી ભગાડવાના છે. એ માણસો સાધનો લઈને આવે એટલે વનનાં પ્રવેશદ્વાર પર આપણે બધાએ સમૂહમાં એમનાં ઉપર હુમલો કરવાનો છે. બધા તૈયાર છો...!'
'હા, હા... અમે બધા હુમલો કરવા તૈયાર છીએ...' સૌ બોલી ઉઠયા.
બીજે દિવસે વનનાં તમામ પશુ-પક્ષી, જીવજંતુઓ વનનાં પ્રવેશદ્વાર પાછળ સંતાઈને ઊભા રહ્યાં.
એમણે જોયું કે ખૂબ બધા માણસો ઝાડ કાપવાનાં સાધનો સાથે આવી રહ્યા હતા. જેવા એ વનમાં પ્રવેશવા ગયા કે બધાં જનાવરોએ એક સાથે તેમના પર હુમલો કર્યો.
અચાનક હુમલો થતાં માણસો તો ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યા. એમની પાછળ પાછળ પ્રાણીઓ દોડતાં હતાં.
માણસો માંડ માંડ પોતાની ગાડીમાં બેસીને રમરમાટ કરતાં નાસી ગયા.
તમામ પશુ-પક્ષી, જીવજંતુઓ પાછાં વનમાં આવ્યાં.
પોતાના પ્યારા વનને બચાવી લેવામાં તેઓ સફળ થયાં હતાં!
પશુ-પક્ષીઓએ ખુશખુશાલ થઈને વનમાં નવાં વૃક્ષોની રોપણી કરી.
આ રીતે પહેલાં કરતાં પણ વનરાજિની શોભા વધી ગઈ.
સૌ પશુ-પક્ષી વનમાં શાંતિથી જીવવા લાગ્યાં.