મહાકવિ નિરાલા .
- હસીને નિરાલાજી કહે,'અરે, એમ કહો કે તમે જાતે વસ્ત્રોમાં ન હતાં. નહીં તો તમનેય એવા ધોઈ નાખત કે...'
મહાકવિ નિરાલાનો પરિચત તમને પહેલા પાને કરાવ્યો. હવે એમના જીવનની એક કથા સાંભળો...
નિરાલાજીને ત્યાં બીજા એવા જ જાણીતા કવિ મૈથિલી શરણ મહેમાન હતા.
મૈથિલીશરણ જરા ભપકામાં રહેવા ટેવાયેલા હતા. તેમનો એ ભપકો પોષાતો પણ હતો.
નિરાલાજીને ત્યાં પહેલે દિવસે ધોયેલાં વસ્ત્રો જોયા ત્યારે તેઓ છક થઈ ગયા.
બીજે દિવસે તેઓ એ વાત જાહેર કર્યા વગર રહી શક્યા નહીં. તેમણે નિરાલાને કહ્યું : 'આપનો નોકર વસ્ત્રો ગજબના ધુએ છે. જરૂર આપે કોઈક વસ્ત્રવિહારીને નોકર તરીકે રાખ્યો છે. મને એમ થાય છે કે હું મારાં વધારાનાં વસ્ત્રો પણ ધોવડાવી લઉં.'
નિરાલા કહે : 'જરૂર ધોવડાવી લો! એમાં શું?'
મૈથિલીશરણ પ્રવાસ પરથી આવ્યા હતા. તેમનાં ઘણાં વસ્ત્રો મેલાં થયાં હતાં. તેમણે તો પોતાના એ મેલાંં વસ્ત્રોનો ગાંસડો નાંખ્યો ધોવા.
સવારમાં તેઓ ઊઠે તે પહેલાં બધાં જ વસ્ત્રો ધોવાઈને દોરી પર સુકવાયેલા હતા. વાહ! શું ચમક આવી હતી વસ્ત્રોમાં. પેલો ઘરડો નોકર ત્યાં બીજું કામ કરતો હતો. મૈથિલીશરણે તેની પાસે જઈને ધન્યવાદ આપ્યા વગર રહી શક્યા નહીં. તેમણે નોકરને કહ્યું : 'ભાઈ! તું ખરેખર વસ્ત્રો બહુ સુંદર ધુએ છે.'
'વસ્ત્રો...?' ઘરડાં નોકરે કહ્યું : 'ના બાબુજી, વસ્ત્રો હું નથી ધોતો!'
'તું નથી ધોતો?' કવિએ પૂછ્યું : 'ત્યારે?'
નોકર કહે : 'મારા ધોયેલાં વસ્ત્રો કદી બાબુજીને ગમતાં જ નથી. એટલે વર્ષોથી લુગડાં તો તેઓ જાતે જ ધુએ છે. રોજ વહેલા ઊઠે છે અને આપણે સહુ ઊઠીએ તે પહેલાં કપડાં ધોઈને સૂકવી નાખે છે.'
'તો...શું...?' મૈથિલીશરણ પૂછવા લાગ્યા : 'મારાં વસ્ત્રો પણ નિરાલાજીએ જ ધોયાં?'
તેઓ દોડીને નિરાલાજીની માફી માગવા દોડયા : 'મને ખબર નહીં કે વસ્ત્રો આપ ધોતા હશો. નહીં તો હું મારા વસ્ત્રો...'
હસીને નિરાલાજી કહે,'અરે, એમ કહો કે તમે જાતે વસ્ત્રોમાં ન હતાં. નહીં તો તમનેય એવા ધોઈ નાખત કે...'
મજાકમાં વાત નીકળી ગઈ, પણ નિરાલાજીની કવિતા એટલી સ્વચ્છ કેમ હોય છે તેનું કારણ જાણવા મળી
ગયું ને?