સોબતની અસર .
- સજ્જનોનું જીવન ચંદનના લાકડાં જેવું સુગંધથી ભરેલું હોય છે. તેમનો સાથ છૂટી જાય તો પણ તેમના વિચારોની સુગંધ આપણને સુખ આપે છે.
- ભરત અંજારિયા
એ ક સમયના જાણીતા હકીમ લુકમાનના જીવનની એક વાત છે. લુકમાન પોતાના જીવનના અંતિમ સમયમાં પોતાના પુત્રને જીવનમાં કંઈક ઉપયોગી થાય તેવું શિક્ષણ આપવાની મહેચ્છા ધરાવતા હતા. એક દિવસ તેમણે પોતાના પુત્રને બોલાવ્યો અને કહ્યું કે, 'જા, કોલસા તથા ચંદનનો એક એક ટુકડો લાવી આપ.' પુત્ર બન્ને ટુકડા લાવ્યો અને પિતા પાસે ગયો. પિતાએ પેલા બન્ને ટુકડાઓને જમીન પર ફેંકી દેવાની સુચના આપી. છોકરાએ પિતાની વાત માની બન્ને ટુકડાઓને જમીન પર ફેંકી દીધા. ત્યાર બાદ લુકમાને પુત્રને કહ્યું, 'હવે તારા હાથ બતાવ.'
પુત્રએ જેમાં કોલસો પકડયો હતો તે હાથ પિતાને બતાવ્યો. લુકમાને કહ્યું, 'બેટા, જે હાથમાં તેં કોલસો પકડયો હતો તે કાળો થઈ ગયો છે. તેને ફેંકી દીધા પછી પણ તારા હાથ કાળા જ રહી ગયા છે. ખરાબ સોબતનું પરિણામ હંમેશાં આવું જ આવે છે. તેમને સાથે રાખવામાં પણ દુ:ખ થાય છે અને છોડી દીધા પછી પણ દુ:ખ જ સહન કરવું પડે છે.'
'હવે ચંદનવાળો હાથ જો. એને સુંઘ.'
દીકરાએ બીજો હાથ સુંઘ્યો. એ કહે, 'આ હાથમાંથી તો હજુ પણ સુગંધ આવે છે.'
લુકમાને પુત્રને સમજાવ્યું, 'સજ્જનોનો સંગ હંમેશા સુખ તથા આનંદ આપે છે. સજ્જનોનું જીવન ચંદનના લાકડાં જેવું સુગંધથી ભરેલું હોય છે. તેમનો સાથ છૂટી જાય તો પણ તેમના વિચારોની સુગંધ આપણને સુખ આપે છે. માટે તું હંમેશાં સજ્જનનો જ સંગ કરજે. એનાથી તારૂં જીવન શ્રેષ્ઠ તથા સુખદ બનશે.'
આ વાર્તાનો સાર એ છે કે સજ્જનો સુખ તથા આનંદ આપે છે. દુર્જનો દુ:ખ તથા શોક આપે છે. આવો, આપણે પણ આપણા જીવનને શ્રેયસ્કર તથા શ્રેષ્ઠ બનાવવા માટે સજ્જનોનો સંગ કરીએ.