કુહાડીની ધાર .
- 'બાપુ, હવે તો મારે ખૂબ વાંચવું પડશે. આ ફાનસના અજવાળે મારે અડધી રાત સુધી મહેનત કરવી પડશે.'
સરદારખાન મલેક
જં ગલના છેડે રહેતો હેમજી આખો દિવસ બળતણ માટે લાકડાં કાપ્યા કરે. દિવસ આખો મજૂરી કરી બીજા દિવસે એ લાકડાની ભારી કરી બાજુના નાના શહેરમાં વેચવા જાય. ક્યારેક એનો દીકરો બબુ પણ તેની સાથે બજાર જવા તૈયાર થઈ જાય. નાનકડો બબુ તો બજારમાં દફતર સાથે આમથી તેમ દોડતાં બાળકોને જોઈ ખૂબ રાજી થાય. કેટલાય ભણેલાગણેલા ને નોકરી કરતા લોકો તેમની પાસે બળતણ ખરીદવા આવે. ગ્રાહકની સામે બબુ ધારી ધારીને જોયા કરે. એ વખતે હેમજીને એમ થતું કે, પોતે તો જીવનભર બસ લાકડાં ફાડતો રહ્યો, પણ મારા બબુને ભણાવીને મોટો માણસ બનાવું તો મારું જીવન સફળ થાય.
દીકરો બબુ હેમજીને બળતણ વેચવામાં મદદ કરતો. બજારમાં વેચવા લઈ જવાનાં લાકડાનો ભારો બબુ જ બાંધતો. ધીરેધીરે ભારો બાંધવામાં તે બાહોશ બની ગયો. બબુ વાંકાચૂંકા લાકડાના કટકાઓ એવી રીતે ગોઠવતો કે નાના ભારામાં વધારે લાકડાં સમાઈ જાય ને ભારો માથે ઉપાડવો સહેલો પડે. આવી ખૂબીથી ભારો બાંધતાં તો હેમજીને પણ આવડતું નહોતું. બાબુની આવડત જોઈને તેની મા પણ પોરસાતી.
વેચાયેલાં લાકડાં તે ગ્રાહકના ઘેર ઉતારવા જાય ત્યારે બબુ મોટા માણસોની રહેણીકરણીનું ઝીણવટથી નિરીક્ષણ કરતો.
એક દિવસ શહેરના એક વિદ્વાન બબુ પાસે બળતણ માટે લાકડું ખરીદવા આવ્યા ને લાકડાંની બાંધેલી ભારી જોઈ એ ખુશ થઈ ગયા. તેમણે બબુને પૂછયું, 'છોકરા, આ લાકડાની ભારી તેં બાંધી છે?'
'હા, સાહેબ. ભારી મેં જ બાંધી છે. આપ કહો તો તે ખોલીને ફરી બાંધી બતાવું.'
'તો પછી ફરી બાંધ. હું જોઉં તો ખરો તું આવી સરસ ભારી કઈ રીતે બાંધે છે.'
બબુએ તો ભારી ખોલી લાકડાં વેરવિખેર કરી દીધાં ને ફરીથી અગાઉ કરતાં પણ વધુ સારી ભારી પેલા વિદ્વાનને બાંધીને બતાવી. વિદ્વાન તો કઠિયારાના આ છોકરા પર ખુશ થઈ ગયા. તેમણે તે ભારીની સારી કિંમત આપી ખરીદી લીધી ને બબુને ભારી ઉતારવા પોતાને ઘરે લઈ ગયા. થોડા દિવસ પછી તેમણે બળતણનું લાકડું વેચતા પેલા કઠિયારાને કહ્યું, 'ભાઈ, તારો પુત્ર ખૂબ હોંશિયાર ને બુદ્ધિશાળી છે. તેને શહેરની કોઈ નિશાળમાં ભણવા બેસાડ. તેનું ભવિષ્ય ઉજળું છે.'
દીકરા બબુની હોશિયારી જોઈ હેમજીએ એક દિવસ કહ્યું,'બબુ બેટા, તુ જો મારો ધંધો શીખીશ તો તારી આખી જિંદગી બસ લાકડાં ફાડવામાં જ જશે.'
'બાપુ, બાપદાદાના ધંધા સિવાય આ જંગલમાં બીજું શીખવા જેવું છે પણ શું?' બબુએ પ્રશ્ન કર્યો.
બબુના આવા સવાલથી હેમજીને વિચાર આવ્યો કે, ખરેખર દીકરો છે તો સમજદાર, નહીં તો આવો સવાલ એના મનમાં ઊઠે ક્યાંથી?
દીકરાની નવું શીખવાની ઉત્કંઠા જાણી હેમજીએ શહેરના પેલા વિદ્વાનની મદદથી બબુને શહેરની નિશાળમાં ભણવા બેસાડયો. પછી તો એ રોજ સવારે વહેલો ઊઠી નિશાળનું લેશન કરે. ચોપડી વાંચે ને વળી પાછો એના બાપુને લાકડાની ભારી બાંધી આપે. રાતે તાપણું થાય ત્યારે તાપણાને અજવાળે મોટેથી ચોપડી વાંચી. આડોશીપાડોશીઓ, બાપુ ને માને કવિતાઓ અને વાર્તાઓ સંભળાવે.
બબુનું ભણવાનું બરોબર ચાલી રહ્યું હતું. શહેરના બાળકોને ભણવાની પૂરતી સગવડો હોવા છતાં અધૂરી સગવડો વચ્ચે બબુ ભણવામાં ને શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં તેના વર્ગમાં હમેશાં પ્રથમ આવતો. હેમજી એને ક્યારેક નિશાળે લેવા મૂકવા જતો એ વખતે બબુની પ્રગતિ જાણી હેમજી ને તેની પત્ની દીકરાથી ખૂબ ખુશ રહેતાં.
બબુ હવે મોટી પરીક્ષા આપવાનો હતો. તે કહેતો, 'બાપુ, હવે તો મારે ખૂબ વાંચવું પડશે. આ ફાનસના અજવાળે મારે અડધી રાત સુધી મહેનત કરવી પડશે. સવારે વહેલા ઊઠી ફરી ફાનસ પેટાવવું પડશે.'
'ભલે દીકરા, તું બેધડક રહેજે. અમે થોડી વધુ મહેનત કરી થોડા પૈસા કમાઈશું, પણ તારા આ ફાનસમાં વાપરવાનું તેલ ખૂટવા નહીં દઈએ,' બબુની મા આવું બોલીને તેને ચાનક ચડાવતી.
પરીક્ષા નજીક આવી ગઈ હતી. બબુ વાંચવા લખવામાં બરોબર લાગી ગયો હતો. છતાં એ રોજ સાંજે તેના બાપુને મદદ કરતો. એક સાંજે તેના બાપુએ પૂછયું,'બેટા બબુ. તું રોજ આમ લાકડાનો ભારો બાંધવા બેસી જાય છે તો તારો સમય નહીં બગડે? હવે તો તારી પરીક્ષા ઢૂંકડી આવી.'
બબુ બોલ્યો. 'બાપુ, તમે આખો દિવસ લાકડાં કાપો છો ને થાકો ત્યારે કુહાડીને ધાર કાઢવા બેસો છો કે નંઇ?'
'હા બેટા. એ બહાને મારા શરીરને થોડો થાક મળે ને કુહાડીની ધાર તેજ બને તેથી લાકડું પણ ઝડપથી કપાય.'
'બસ તો બાપુ. ઘણો સમય વાંચ્યા પછી હું પણ આ ભારો બાંધતાં બાંધતાં મારા મગજની ધાર કાઢું છું એમ સમજોને.'
ઈસવી સનના પાંચસો વર્ષ પહેલાં ગ્રીસ દેશમાં જન્મેલ ને ઈટાલીમાં ઉછરેલા આ હોનહાર બાળકનું બબુ નામ તો હુલામણું હતું. તેનું સાચું નામ તો પાયથાગોરસ હતું. પાયથાગોરસની હોંશિયારીની વાત ધીમેધીમે ચોમેર ફેલાતી ગઈ. વાત દેશના રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજાએ પાયથાગોરસને પોતાના દરબારમાં બોલાવી તેમનું સન્માન કર્યું. આગળ જતાં આ પાયથાગોરસ મોટા ગણિતજ્ઞા તરીકે દુનિયાભરમાં જાણીતા થયા.
પોતાના જીવન નિર્વાહ માટે બળતણનાં લાકડાં કાપતા કઠિયારાના હોનહાર બાળકના મગજમાં જે વિચારોએ આકાર ધારણ કર્યો તેને લોકો આજે પણ યાદ કરે છે. તેણે સ્થાપિત કરેલા ગણિત અને ભૂમિતિના સિદ્ધાંતો દુનિયાભરની શાળાઓ ને મહાશાળાઓના વિદ્યાર્થીઓને આજે પણ ભણાવવામાં આવે છે.