દેશનું સૌ પ્રથમ આઈસક્રીમનું મ્યુઝિયમ
આ વાનગીનું નામ લેતાં જ તમારો રડમસ ચહેરો ખીલી ઉઠે છે. તમે ખુશીથી નાચી ઉઠો છો. આ વાનગી એટલે એવરગ્રીન તમારો ફેવરિટ આઇસક્રીમ, આઇસક્રીમની શોધ થઈ ત્યારથી જ તમે આઈસક્રીમ ખાવા પાછળ ઘેલાં છો. તેથી જ તો તમને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં આઈસક્રીમનું મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે ! તો ચાલો, આપણે સૌ આઈસક્રીમના મ્યુઝિયમની મીઠી- મીઠી વાતોમાં ખોવાઈ જઈએ.
દેશમાં પ્રથમ
દિલ્હીની પ્રખ્યાત નિરુલા રેસ્ટોરાને આઈસક્રીમનું મ્યુઝિયમ બનાવવાનો વિચાર આવ્યો. આ વિચારને અમલમાં મૂકતાં નોઈડા સ્થિત નિરુલા આઈસક્રીમ ફેક્ટરીના પરિસમાં આઈસક્રીમ મ્યુઝિયમ ઉભું કરવામાં આવ્યું છે. આપણા દેશનું આ પ્રથમ મ્યુઝિયમ છે.
ક્યારે ખુલ્લુ મૂકાયું ?
આ મ્યુઝિયમ ૧૪ નવેમ્બર, ૨૦૦૭ ના રોજ બાળદિને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. મ્યુઝિયમ જોવા આવતા બાળકોને રોજના ૧૫ હજાર લિટર આઈસક્રીમનું ઉત્પાનદ અને પેકિંગ પ્રક્રિયા બતાવવામાં આવે છે.
આકર્ષણ
આ વિશિષ્ટ અને અનોખા મ્યુઝિયમમાં આઈસક્રીમ તૈયાર કરવાની સંપૂર્ણ રીતે ઉપરાંત એને લગતા રસપ્રદ તથ્ય રજૂ કરવામાં આવ્યા છે. બાળકો માટે કંઈક ખાસ કરવાના ઉદ્દેશ્યથી આ મ્યુઝિયમ તૈયાર કરાયું છે.
વળી અહીં ફક્ત આઈસક્રીમ મળે એવું નથી હોં મિત્રો, પણ આઈસક્રીમ સાથે સંકળાયેલી મજાની માહિતી, જુદા- જુદા દેશોનો આઈસક્રીમનો ઇતિહાસ પણ જણાવવામાં આવ્યો છે. માહિતી ઉપરાંત સરસ મજાની ગેમ્સ બાળકોનું મનોરંજન કરે છે.