ચપળ ચંદ્રિકા .
- 'મમ્મી જે નાસ્તો તૈયાર કરી આપે તે સ્કૂલે લઈ જાઉં છું, જેથી બહારનું વાસી, ગંધાતું ખાવું ન પડે. '
- નટવર આહલપરા
વ ર્ગમાં ઉમાબહેન મીઠા અવાજે નિષ્ઠા અને પ્રેમથી વિદ્યાર્થીઓને ભણાવતાં હતાં. પાંચમાં ધોરણમાં 'વૈષ્ણવજન' પદ ગવડાવ્યું. પછી નરસિંહ મહેતાની ભક્તિભાવના સમજાવી. તાસની છેલ્લી દસ મિનિટ બાકી હતી. રોજનો નિયમ હતો કે વિદ્યાર્થિનીઓએ રોલ નંબર પ્રમાણે પોતાની દિનચર્યાની એક સરસ વાત કરવાની. આજે ચંદ્રિકાને બોલવાનું હતું.
ચંદ્રિકાએ વાતનો પ્રારંભ કર્યો : 'હું રોજ સવારે વહેલા ઉઠી શૌચ-સ્નાન કરી શાળાનો ગણવેશ પહેરી ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, પ્રભુ, આજનો મારો દિવસ આનંદથી પસાર થાય. મારા હાથે હું કોઈ સારું કામ કરું. ઘરે પ્રાથના કર્યા પછી હું સમયપત્રક જોઈ પુસ્તકો, નોટબુક દફતરમાં ગોઠવું છું. કંપાસમાં પેન-પેન્સિલ, રબ્બર, સંચો, ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર બરાબર છે, તે તપાસી લઉં છું.
'હસતાં હસતાં મમ્મી જે નાસ્તો તૈયાર કરી આપે તે લઈ જાઉં છું, જેથી અપચો, અજીર્ણ કે એસિડીટી ન થાય. બહારનું વાસી, ગંધાતું ખાવું ન પડે. પાણીની બોટલ ભરી લઉં છું. વાંચવાની જગ્યા સ્વચ્છ રાખું છું. સરસ્વતી માતાને અગરબત્તી કરી અભ્યાસ કરવા બેસું છું. શાળાએ જતાં પહેલા દાદા, દાદી અને મમ્મી પપ્પાને, સૂર્યનારાયણને અને તુલસીને વંદન કરી તુલસીપત્ર ખાઉં છું.'
ચપળ ચંદ્રિકાની વાત સાંભળી શિક્ષિકા ઉમા બહેનના ચહેરા ઉપર સ્મિત લહેરાઈ રહ્યું.