કાંચીપુરમનું પુરાતન એકામ્બરેશ્વર મંદિર
ત મિલનાડુ ભવ્ય મંદિરોનો પ્રદેશ કહેવાય છે. વિશ્વ પ્રસિધ્ધ અને જોવાલાયક સંખ્યાબંધ વિરાટ મંદિરો ત્યાં આવેલા છે. સિલ્ક સાડીઓ માટે વિખ્યાત કાંચીપુરમ તેનાં મંદિરો માટે પણ જાણીતું છે. તેમાં સાતમી સદીમાં બંધાયેલું એકામ્બરેશ્વર મંદિર નોંધપાત્ર છે.
એકામ્બરેશ્વર મંદિરનું સંકુલ ૨૫ એકર જમીન રોકે છે. ભારતનું આ સૌથી મોટું મંદિર છે. તેના ચાર દરવાજા ઉપર ચાર ટાવર છે. સૌથી ઊંચો ટાવર ૧૮૦ ફૂટ ઊંચો છે અને ૧૧ માળનો છે.
ભારતનો આ સૌથી ઉંચો મંદિર મિનારો છે. વિજયનગરના સામ્રાજ્ય વખતે બંધાયેલ આ મંદિરના મુખ્ય હોલમાં ૧૦૦૦ સ્થંભો છે. મંદિરના સંકુલમાં અનેક દેવ દેવીઓની મૂર્તિઓવાળા ખંડો છે. એક ખંડમાં ભૂગર્ભ જળાશય પણ છે. મુખ્ય ખંડમાં ભગવાન શિવની મૂર્તિ અને ૧૦૦૮ શિવલિંગ કોતરેલું શિલ્પ છે. આ મંદિરમાં ૩૫૦૦ વર્ષ જૂનો આંબો આવેલો છે. જેમાં આજે પણ કેરી પાકે છે. સંપૂર્ણ મંદિર અલંકારિક શિલ્પોથી ભરચક છે. આ મંદિરની ભવ્યતા સંખ્યાબંધ યાત્રાળુઓને આકર્ષે છે.