તમિલનાડુનો તાંજાવૂર મરાઠા પેલેસ
દક્ષિણ ભારત તેના ભવ્ય મંદિરો અને મહેલો માટે વિશ્વ પ્રસિધ્ધ છે. અનેક પ્રાચીન અને ભવ્ય પહેલો પૈકી તમિલનાડુમાં આવેલો તાંજાવૂર પેલેસ મરાઠા અને ચૌલ શૈલીનું મિશ્રણ હોવાથી વિશિષ્ટ બન્યો છે. તાંજાવૂર સાતમી સદીનું પ્રાચીન રાજય હતું. મરાઠા શાસકોએ ઇ.સ.૧૫૫૦માં તાંજાવૂર પેલેસ બંધાયેલો તેનો છ માળનો ટાવર અને દરબાર હોલ જોવા લાયક છે. દરબાર હોલની દિવાલો પર રામાયણના પ્રસંગ ચિત્રો અને ભવ્ય કોરિડોર માટે જાણીતો છે. માપના ટાવરની ટોચેથી દૂર સુધી નજર નાખી શકાય છે. આ મહેલમાં આજે લાયબ્રેરી, મ્યુઝિયમ અને આર્ટગેલેરી છે. મ્યુઝિયમમાં પૂર્વ રાજવીઓનાં પોષાક, હથિયારો અને મુગુટ જોવા મળે છે. તેમાં તાડપત્ર પર લખાયેલી સંપૂર્ણ રામાયણ જોવા લાયક છે. લાયબ્રેરીમાં તાડપત્ર પર લખાયેલા હસ્તલિખિત ગ્રંથો માત્ર અહીં જ જોવા મળે છે. દરબાર હોલમાં ષટકોણ આકારના સ્તંભો છે. દીવાલો અને છત પર વિવિધ દેવી દેવતાના શિલ્પો અને ચિત્રો છે. દરબાર હોલની સજાવટમાં રંગોનો ભરપૂર ઉપયોગ થયેલો છે. તમિલનાડુ જતાં પ્રવાસીઓ માટે આ મહેલ આકર્ષણનું કેન્દ્ર છે.