ટપુ હનુમાન .
- 'બસ તો મમ્મી, મારે પણ હનુમાનજીની જેમ બહાદુર બનવું છે, હું હવે કદી રડીશ નહીં. મારે વેશભૂષામાં હનુમાનજી બનીને જ જવું છે...'
ડા .ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
એ ક ટપુ નામનો છોકરો. ટપુ દેખાવે એકદમ ગોળમટોળ. શાળામાં સૌ ટપુને ગોલુ કહીને ચીડવતા. આથી ટાપુને ખૂબ રડવું આવતું. એક દિવસ શાળામાં વાષકોત્સવની ઉજવણીની ઘોષણા થઈ. ટપુના વર્ગનાં વિદ્યાર્થીઓને વેશભૂષામાં ભાગ લેવાનો હતો. બધા વિધાર્થીઓએ ફટાફટ નામ લખાવી દીધાં. ટપુને પણ ભાગ લેવો હતો એટલે એણે પણ પોતાનું નામ લખાવ્યું. બધા એના ઉપર હસવા લાગ્યા.
ટપુ તો રડતો રડતો ઘરે ગયો. મમ્મીને વાત કરી. મમ્મીએ કહ્યું, 'ટપુ બેટા, કોઈ તમને ચીડવે તો રડવાનું નહીં, પણ હિંમતથી સામનો કરવો. એમને કરીને બતાવવું. તારે વેશભૂષામાં ભાગ લેવો છે તો તું શ્રી રામના ભક્ત હનુમાનજીનો વેશ ધારણ કર. બાલ હનુમાન પણ તારા જેવા જ ગોળમટોળ હતા, ને મોટા થઈને તેઓ ખૂબ બહાદૂર શ્રી રામના પરમ ભક્ત બન્યા. એમણે સારાં કામ કર્યા એટલે જ તો આજે લોકો હનુમાનજીની પૂજા કરે છે.'
'બસ તો મમ્મી, મારે પણ હનુમાનજીની જેમ બહાદુર બનવું છે, હું હવે કદી રડીશ નહીં. મારે વેશભૂષામાં હનુમાનજી બનીને જ જવું છે,' ટપુ બોલ્યો.
વાષકોત્સવના દિવસે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. કોઈ સ્પાઇડરમેન, તો કોઈ સુપર મેન. કોઈ ડોરીમોન તો કોઈ શિનચેન. હનુમાન બનીને જોકે ટપુ સિવાય બીજું કોઈ આવ્યું ન હતું. પોતાનો વારો આવ્યો ત્યારે ટપુએ તો હનુમાનજીની ગંદા હાથમાં લઈને સુંદર સ્પીચ આપી. શાળામાં પધારેલા સૌએ એને તાળીઓથી વધાવી લીધો. અંતે રિઝલ્ટ જાહેર થયું. ટપુને પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવ્યો. ટપુને ચીડવતા એના વર્ગનાં વિદ્યાર્થીઓની બોલતી બંધ થઈ ગઈ.
ટપુભાઈ સ્ટેજ પર આવ્યો. એણે ટ્રોફી હાથમાં લીધી. આભાર માન્યો અને બુલંદ અવાજે 'જય શ્રી રામ'નો બુલંદ નારો લગાવ્યો. પછી સ્ટેજ પરથી ઉતરીને મમ્મીને ભેટી પડયા. એ કહે, 'મમ્મી, હવેથી હું હનુમાનજીની જેમ જ હિંમતવાન અને બહાદૂર બનીશ. કોઈથી ના ડરીશ.'
મમ્મીએ વ્હાલ કરતાં કહ્યું, 'શાબાશ... મારા ટપુ હનુમાન...!'