તાંડવ નૃત્ય અને પતંગિયું .
- તાંડવ નૃત્ય બરાબર ચગ્યું હતું અને પગ ઉપર એક પતંગિયું આવીને બેસી ગયું.
ઉ દયશંકર એટલે નૃત્યશંકર. નૃત્ય તેમનું જીવન, નૃત્ય તેમનું કવન, નૃત્ય તેમનું ભવન, નૃત્ય તેમનો પવન.
'કલ્પના' નામનું આખું ચિત્રપટ તૈયાર કર્યું. ચિત્રપટ એટલે નૃત્ય જ નૃત્ય. છબીઘર નાચી ઊઠયું, પડદો નાચી ઊઠયો, પ્રેક્ષકો નાચી ઊઠયા.
આકાશી પડદા ઊભા કરી છાયા-રામાયણ રજૂ કર્યું. એક બાજુ નૃત્યમાં રામાયણની કથા ચાલે. વિશાળ પડદા પર તેની છાયા પડે. સાથમાં સંગીત, આકાશ નાચતું લાગે અને ધરતી નાચતી નજરે પડે.
નૃત્યમાં સદા અવનવા પ્રયોગો કરે, સાહસ જ કહોને!
શિવના તેઓ ભક્ત. શિવના તમામ નૃત્ય તેઓ કરે. જ્યારે તાંડવ નાચે ત્યારે સાક્ષાત્ શિવ પ્રગટ થતાં લાગે.
એક વખતની વાત છે.
દિલ્હીમાં તેમનું નૃત્ય. મોટા મોટા કળાકારો, રાજનેતાઓ, વિદ્વાનો, જાણકારો પ્રેક્ષક રૂપે હાજર હતાં અને હાજર હતા રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન.
ઉદયશંકરનું નૃત્ય બરાબર ચગ્યું હતું. વાતાવરણ વીસરાયું હતું. સામે શિવ અને કાનમાં સંગીત. તાલ-ઠેકા-સૂરની ગજબની રિધમ જામી હતી. શિવ હિમાલય પર ઊછળે તેમ ઉદયશંકર ઊછળતા હતા.
એકાએક શું થયું?
નૃત્યની મુદ્રા જેવી ને તેવી જ સ્થિર થઈ ગઈ. હાથ ઊંચા અને એક પગ ઊંચો.
ઊંચો થયેલો પગ નથી હાલતો કે નથી ચાલતો. એકદમ સ્થિર.
આ અગાઉ થોડીવાર પહેલાં જ રમઝટ જામી હતી અને હવે એકદમ શાંતિ.
કેટલી વાર!
સમય થોભી ગયો ઉદયશંકરની સાથે. ભલે થોભ્યો. થોભવા દો.
પ્રકાશ પૂરેપૂરો ફેંકાતો હતો. મહાનુભવ પ્રેક્ષકોએ જોયું. ઉદયશંકર પોતાના ઊંચા અધ્ધર પગ ઉપરથી કંઈક ઉપાડતા હતા. હળવે રહીને ઉપાડતા હતા.
શું હશે એ? ઉપાડયું લીધું. ચાલ્યા. ઉડાડયું. મારી ફૂંક.
પછી વાત કરી :
'માફ કરજો મહાશયો! વંદનીય અતિથિઓ! પણ મારા નૃત્ય સાથે એક પતંગિયું નૃત્ય કરવા લાગ્યું હતું. એય નૃત્યકાર ખરું જ. પછી ડર લાગ્યો કે ક્યાંક ઝાપટ લાગી જશે તો! શિવ તો જીવનના દેવતા છે, આપ જાણો છો. ત્યાં જ એ બેસી ગયું મારા પગ ઉપર. ઊંચા થયેલા પગ ઉપર.
હવે ઠેકો મારવા જાઉં અને એને કંઈ થઈ
જાય તો?
હું થોભી ગયો. હું સ્થિર થઈ ગયો. સ્થિરતા પણ એક મુદ્રા જ છે. મારી સમતુલા મેં જાળવી રાખી.
મારા મનમાં કે પતંગિયું ઊડી જશે, પણ ના ઊડયું. તખ્તો છોડી નૃત્યકાર કંઈ જાય ખરા?
મેં હળવે રહીને ઉપાડયું. સાચવીને એને એની કક્ષામાં મૂકી દીધું...'
નૃત્યને લયનો સંબંધ છે એવો જ પ્રકાશ અને પતંગિયાનો પ્રસંગ છે. જય શિવ! પાછું નૃત્ય ચાલુ થઈ ગયું. એક ઘડીના વિલંબ વગર. તાળીઓ બેસુમાર પડતી હતી. તાળીઓ તાલમાં આવી ગઈ. નૃત્ય સાથે તાળીઓના તાલ એકાકાર થઈ ગયા. એક નૃત્યકારનો કેવો પ્રેમ! કેવી કરુણા!! કેવા સંસ્કાર!!!
એ દિવસનું, એ રાતનું નૃત્ય કોઈ ભૂલી શક્યું નહીં, કોઈ નહીં. કળામાં જ્યારે કળાકાર ઓતપ્રોત થઈ જાય છે, ત્યારે તે શિવ બની જાય છે. નટરાજ, જીવનરાજ.
- હરીશ નાયક