તાપસી પન્નુઃ પ્રતિભાશાળી કલાકાર નાના રોલમાં પણ ઝળકી શકે છે
- તાપસીની આગામી ફિલ્મ 'ગાંધારી' એક એક્શન-થ્રિલર છે. આ ફિલ્મમાં એ પોતાના અપહ્યત બાળકને બચાવવા આક્રમક માતાની ભૂમિકા નિભાવે છે.
બો લિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મથિયાસ બો સાથે માર્ચ ૨૦૨૪માં ઉદયપુરમાં એક શાંત સમારંભમમાં લગ્ન કરી લીધા હતા, પણ તે વિશે મીડિયામાં ખાસ કંઈ વાતો નહોતી કરી. તાજેતરમાં એણે પોતાનાં લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.
તાપસી કહે છે, 'ખરેખર તો મારાં લગ્ન તો ડિસેમ્બર ૨૦૨૩માં થઈ ચુક્યાં હતા. લગ્ન વિશે ગોપનીયતા જાળવવા માટે અમે કોઈ માધ્યમને જાણ નહોતી કરી એટલે લોકોેને મારા લગ્ન વિશે જાણકારી નથી મળી. ૨૦૨૪માં તો અમે એનિવર્સરી સેલિબ્રેટ કરી. આ જાણકારી આજે હું ન આપત તો લોકોને ક્યારે પણ જાણ ન થાત.'
અંગત અને વ્યાવસાયિક જીવન અલગ રાખવાની તેની ઈચ્છાને કારણે તાપસીએ લગ્ન જેવી બાબત પણ લોકોથી ખાનગી રાખી. તાપસીના મતે મનોરંજન ઉદ્યોગમાં બંને વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે જેના કારણે બિનજરૂરી ગૂંચવણો ઊભી થતી હોય છે. વ્યાવસાયિક જીવનની સફળતા અને નિષ્ફળતા અંગત જીવનને પણ પ્રભાવિત કરતી હોય છે. આથી જ તાપસી અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે ચોક્કસ ભેદરેખા રાખવા ઈચ્છતી હતી.
વ્યાવસાયિક મોરચે તાપસીએ બોલીવૂડની સૌથી વર્સેટાઈલ અભિનેત્રી તરીકે ઝળકવાનું ચાલુ જ રાખ્યું છે. તાપસીએ પોતાની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવનાર ફિલ્મ 'બેબી'માં તેની સાત મિનિટની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કર્યો. આ ટૂંકી પણ મહત્વની ભૂમિકાએ એક શક્તિશાળી પરફોર્મર તરીકે તેની ક્ષમતા સાબિત કરી દીધી.
ફિલ્મ 'બેબી'ની દસમી વર્ષગાંઠના અવસરે પોતાના અનુભવને વાગોળતા તાપસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેમાં તેણે નવા કલાકારોને નસીહત આપી કે રોલ કેટલી મિનિટનો છે તે મહત્વનું નથી, પણ તમે આ સમય દરમ્યાન કેવો પ્રભાવ છોડો છે તે મહત્વનું છે. સાત મિનિટની ભૂમિકાએ મારી કારકિર્દીની દિશા અને દશા બંને બહેતર કરી નાખી.
'બેબી'માં તાપસીએ ભજવેલી ભૂમિકા એટલી તો લોકપ્રિય થઈ કે સર્જકોએ તેનો લાભ ઉઠાવવા આ જ ભૂમિકાનું વિસ્તરણ કરીને 'નામ શબાના' ફિલ્મ બનાવી જેમાં તાપસીના શક્તિશાળી પરફોર્મન્સની વ્યાપક પ્રશંસા થઈ. સહાયક અભિનેત્રીમાંથી મુખ્ય રોલ તરફ તેના પ્રયાણે બોલીવૂડમાં તેને અગ્ર હરોળમાં લાવી દીધી.
છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન તાપસીએ અમિતાભ સાથે 'પિન્ક', અક્ષય સાથે 'મિશન મંગળ'માં નોંધનીય પરફોર્મન્સ આપ્યા. શક્તિશાળી અને સુસંગત પાત્રો ભજવવાની તેની પ્રતિબદ્ધતાને કારણે તાપસીનો એક સમર્પિત ચાહક વર્ગ ઊભો થયો છે.
તાપસીની આગામી ફિલ્મ 'ગાંધારી' પણ તેની કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્ન બની શકે છે. આ એક્શન-થ્રિલરમાં તાપસી પોતાના અપહ્યત બાળકને બચાવવા આક્રમક માતાની ભૂમિકા નિભાવે છે. આ એક્શનપેક રોલ માટે તાપસીએ એરીયલ યોગાની સઘન તાલીમ મેળવી. થોડા સમય પહેલાં તાપસીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું શૂટીંગ શરૂ થયાની લાગણીસભર પોસ્ટ શેર કરી હતી. તાપસીએ લખ્યું હતું કે, 'હે ભગવાન... મારી એવી ઈચ્છા પુરી કરો કે હું કદી પણ સારા કાર્યોથી વિમુખ ન થાઉં. હું જ્યારે પણ સંઘર્ષ કરતી હોઉં ત્યારે મને કોઈ શત્રુનો ભય ન સતાવે અને પ્રતિબદ્ધતા સાથે હું કાયમ વિજેતા બનું...'
ઓલ ધ બેસ્ટ, તાપસી.