Get The App

જીદ્દી કાબર .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જીદ્દી કાબર                                                       . 1 - image


- 'આ વૃક્ષે મારા દરેક ટહુકાને સાચવ્યો છે. મારી ઉદાસી સાચવી છે. તો મને સાચવનારને મુશ્કેલીના સમયમાં મૂકીને ભાગી જાઉં? ના, એવું મારાથી નહીં થાય, મહાત્મા'

- નિધિ મહેતા

એ ક ઘટાદાર વૃક્ષ હતું.તેના પર  ઘણાં બધાં પક્ષીઓ રહે. સૌનું જાણે એ ઘર હતું, રહેઠાણ હતું. એ વૃક્ષ ઘણાં વરસો જૂનું હતું. ત્યાં આવેલી ઈમારત પણ એ વૃક્ષની જેમ જૂની થઈ ગયેલી હતી. ખખડઘજ થઈ ગઈ હતી.

આ ઇમારતને રીડેવલપ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. સોસાયટીના આ બિલ્ડિંગને પાડી, નવેસરથી નવા સ્વરૂપે ઊભું કરવાનું આયોજન થયું, કે જેથી તેમાં વધારે સુવિધાઓ હોય. 

તકલીફ એ હતી કે આ વૃક્ષ અડચણરૂપ બનતું હતું. વૃક્ષને ત્યાંથી હટાવી દેવાનું નક્કી કરાયું. તે વિશે  ચર્ચાઓ શરૂ થવા લાગી.

રજાના દિવસે વૃક્ષ કાપનારને બોલાવવાની પણ વાત થઈ. આ વાત વૃક્ષ પર બેઠેલાં બધાં પક્ષીઓ સાંભળતાં હતાં. બધા મૂંઝાયાં. 

પક્ષીઓએ આપસમાં ચર્ચા શરૂ કરી. બસ, હવે આપણી પાસે એક-બે દિવસ ૅૅૅજ છે... રજાના દિવસે તો આ વૃક્ષ કપાઈ જશે... આપનું ઘર જશે ! આપણે ક્યાં જઈશું...? આપણે બીજું કોઈ રહેઠાણ શોધી લેવું પડશે.... 

બધાં જ પક્ષીઓ બીજા કોઈ સારા ઘટાદાર વૃક્ષની સારી જગ્યાની શોધમાં નીકળી પડયાં.

સૌએ બીજા કોઈ વૃક્ષ પર આશરો શોધી લીધો. 

...પરંતુ એક કાબર ત્યાંથી ખસવાનું નામ જ નહોતી લેતી. 

એની સાથે રહેતા વૃક્ષ પર રહેતા  મિત્રો - કાગડો, પોપટ, ચકલી, કબૂતર - બધાએ તેને સમજાવી.

કબુતર કહે, 'જો, આ વૃક્ષ પડી જવાનું છે. એટલે આપણું ઘર જ ગયું. એનું મૃત્યુ નકકી છે. તું આના પર રહીશ તો તું પણ મરી જઈશ.' 

પોપટે કહ્યું, 'શા માટે તું આવું જોખમ લે છે?'

કાગડો કહે, 'ચાલ અમારી સાથે. આપણે બીજા વૃક્ષ પર રહીશું સાથે મળીને.' 

ચકલી કહે, 'કેમ આવી મૂર્ખામી કરે છે?' 

બધાએ પ્રયાસ કર્યા, પણ કાબર કોઈની વાત માનતી નહોતી. આખરે બધાં પક્ષીઓએ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરી, 'હે ઈશ્વર... આ કાબર તો હજુ કેટલી નાની છે. નિર્દોષ છે. વૃક્ષની સાથે સાથે એ વગર ભૂલે દંડાઈ જશે. એને બચાવો. એ અમારું કોઈનું સાંભળતી નથી અને વૃક્ષ પરથી ખસતી જ નથી.' 

ભગવાનને દયા આવી. તેઓ મહાત્માનું રૂપ ધારણ કરીેને કાબરને સમજાવવા આવ્યા. તેઓ કાબરને પૂછવા લાગ્યા, 'આ વૃક્ષનું મૃત્યુ તો નિશ્ચિત છે. તો તું શા માટે જાણી જોઈને તારો જીવ જોખમમાં મૂકે છે? ઉડી જા. તારા બીજા મિત્રો સાથે બીજા કોઈ વૃક્ષ પર અને ત્યાં વસવાટ કર.'

કાબરે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, 'હે મહાત્મા, હું જાણું છું કે આ વૃક્ષનું મૃત્યુ નિશ્ચિત છે. હવે થોડા સમયનું જ મહેમાન છે. તો પણ હું અહીંથી નહીં ખસું.' 

મહાત્માએ પૂછયું, 'પણ એનું કારણ શું ? એવું શું છે અહીંયા?'

કાબર કહે, 'મહાત્મા, મારો જન્મ આ ઝાડ પર થયો છે. હું અહીં જ મોટી થઈ. અહીંથી જ ઊડીને હું મારો ખોરાક શોધવા જતી. અને આવીને પાછી અહીં જ મારો ખોરાક ખાતી. અહીંયા જ સૂતી, દુ:ખમાં એની છાયામાં હું રડતી અને ખુશ થતી તો કલબલ કરતી. આ બધું એના છાયામાં મેં કર્યું છે. આજે જ્યારે એનો સંકટ સમયે આવ્યો ત્યારે હું એને છોડીને જતી રહું? તો તો મારા જેવું સ્વાર્થી કોણ હોય? આ વૃક્ષે મારા દરેક ટહુકાને સાચવ્યો છે. મારી ઉદાસી સાચવી છે. તો મને સાચવનારને મુશ્કેલીના સમયમાં મૂકીને ભાગી જાઉં? ના, એવું મારાથી નહીં થાય, મહાત્મા. પછી ભલે મને મૃત્યુ પણ આવી જાય...'

કાબરના ઉત્તરથી મહાત્મા ખૂબ ખુશ થયા. તેઓ ઈશ્વર રૂપે પ્રગટ થયા.  કાબરને કહે, 'વાહ! તારો આ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈએ ખૂબ ખુશ થયો છું. બોલ શું માંગવું છે તારે?'

કાબર કહે, 'હે ઈશ્વર... જો મારા શ્વાસ બાકી હોય તો આ વૃક્ષના શ્વાસ આપો... અને જો વૃક્ષના શ્વાસ નથી, તો મારા શ્વાસ પણ લઈ લો, કારણ કે આ વૃક્ષ નહિ રહે તો હું નહીં જીવી શકું. એટલે ઈશ્વર આ વૃક્ષને જીવતદાન આપો...'

ભગવાને કાબરની માગણીથી રાજી થયા. તેમણે ફક્ત સ્મિત કર્યું અને અંતર્ધ્યાન થઈ ગયા. 

બીજી સવારે સોસાયટીના સભ્યોની મિટીંગ હતી. એક નાનકડું બાળકને એ વૃક્ષની છાયામાં રમતું હતું. એને  જોઈને બધાને પોતાનું પોતાનું બાળપણ અને આ વૃક્ષની આસપાસ બનેલી ઘટનાઓ યાદ આવી. વૃક્ષ સાથેનો આત્મીયતાનો નાતો યાદ આવ્યો. 

...અને પછી મિટિંગમાં નિર્ણય થયો: ના, આ વૃક્ષ નહીં કપાય! વૃક્ષ ફરતી ઓટલો બાંધશું. અને રસ્તાને વળાંક આપીશું. એનાથી વધુ સારો દેખાવ આવશે!

...અને તે સાથે જ વૃક્ષ પર  પક્ષીઓનું સંગીત ગૂંજી ઉઠયું:

સારંુ કરીએ સારું થાય,

કાબર જોને જીતી જાય,

ભાવના જેની હોય ભલી,

ભલું કાયમ એનું થાય...!  


Google NewsGoogle News