વાર્તા રે વાર્તા .
- 'દાદાજી, દાદાજી, દાદાજી, આટલા બધા દિવસ તમે ક્યાં ગયા હતા? દેખાતા ન હતા. ગામડે ગયા હતા? બીમાર હતા? અમારાથી રિસાઈ ગયા હતા? અમે તમને કોઈ વાતે દુખ પહોંચાડયું હતું? અમારાથી નારાજ થઈ ગયા હતા?'
- ભરત પંચોલી
દા દાને જોઈને બોળકો દોડતાં દોડતાં આવે અને તેમને વળગી પડે. 'ઓ દાદા... ઓ દાદા...' બાળકોને દાદા બહુ ગમે. કોઈ એમનો હાથ પકડે તો કોઈ એમની આંગળીઓ પકડે. કોઈ 'દાદા, વાર્તા કહોને' એમ કરે.
દાદા કહે, 'આજે નહીં. કાલે હું તમને વાર્તા કરીશ.'
'ના દાદા, આજે અને અત્યારે જ વાર્તા કહો...'
...અને છોકરાઓની જીદ આગળ દાદાનું કંઈ ના ચાલે.
દાદા એવી સરસ વાર્તા કહે કે છોકરાઓને સમયનું અને ભૂખ-તરસનું ભાન ના રહે. સૌ બાળકો તલ્લીન થઈને દાદાની વાર્તા સાંભળે. વાર્તા સાંભળી લીધા પછી પણ બાળકો એમને જવા દે નહીં. દાદા પાસે હંમેશા એક બગલથેલો હોય. તેમાં ચોકલેટ હોય, પીપરમીંટ હોય કે પછી બિસ્કીટ હોય. વાર્તા કહ્યા પછી દરેક બાળકને તેઓ કંઈને કંઈ આપતા. આથી તેમનું નામ 'વાર્તાવાળા દાદા' પડી ગયું હતું. તેઓ આ નામે જ ઓળખાય. સાચુ નામ તો કોઈને ખબર ન હતી.
દાદાને વાર્તા લખવાનો અને વાર્તા કહેવાનો બહુ શોખ. તેઓ માનતા હતા કે જો બાળકોને સારી સારી વાર્તાઓ કહેવામાં આવે તો એમનામાં સંસ્કાર સિંચન થાય અન ે સુંદર ટેવો પડે. બાળકમાં નવુ નવું જાણવાની અને સાંભળવાની ઇચ્છા બહુ હોય છે. તેથી દરેક મા-બાપને અને દાદા-દાદીએ રોજ રાત્રે બાળકોને એક વાર્તા કહેવી જોઈએ. બાળકો વાર્તા દ્વારા ઘણું બધું શીખે છે.
દાદાનું વાર્તા કહેવાનું સ્થળ પણ બદલાયા કરે. એક દિવસ બગીચામાં હોય, તો બીજા દિવસે રમતના મેદાન પાસે. બગીચામાં જ્યારે દાદા આવે ત્યારે છોકરાઓના ટોળેટોળાં આવે. ક્યારેય કોઈ સ્કૂલમાં જઈને વાર્તા કહે. દાદાને સ્કૂલમોમાંથી આમંત્રણ પણ ખૂબ મળે.
દાદા એવી સરસ રીતે બહેકાવીને, લહેકાથી અને હાવભાવથી વાર્તા કહે કે નાના-મોટા સૌને તેમની વાર્તામાં રસ પડે.
દાદાની વાર્તા પણ ખરી હોં! રાજા-રાણી-પરીની વાર્તાઓ, સાગરની - પશુની - પંખીની વાર્તાઓ, રામાયણ અને મહાભારતની વાર્તાઓ, મહાપુરુષો અને મહાન સ્ત્રીઓની વાર્તાઓ, સાહસ અને વિજ્ઞાાનની વાર્તાઓ, ઇતિહાસ અને ખગોળની વાર્તાઓ...
દાદાને માત્ર વાર્તા કહેવાનો જ શોખ નહીં, દાદાને વાર્તા લખવાનો પણ એટલો જ શોખ. દાદા એવી સરસ વાર્તાઓ લખે કે વાંચનાર ભૂખ-તરસ ભૂલી જાય, સમય પણ ભૂલી જાય, તન્મય થઈ જાય. તેમના પુસ્તકો બજારમાં આવે કે તરત જ ચપોચપ ઉપડી જતા. એમાં પુસ્તકો ખરીદવા બાળકો અને મા-બાપોની લાઈન લાગે.
વાર્તાઓ જ એમનું જીવન. આ જ એમની કમાણી. દાદાનું જીવન બહુ સાદું. ઓછામાં ઓછો ખર્ચ કરે. લોભ ક્યારેય ન કરે, પણ કરકસર જરુર કરે. મોટે ભાગે તેઓ ચાલતા જાય. ક્યારેક સાયકલ પર પણ જાય. જો ઘણે દૂર જવાનું હોય તો બસમાં જાય.
આ વખતે દાદાજી પકડાઈ ગયા. દાદાજી કોઈ કામથી બહાર જતા હતા ત્યાં માન્યા, હીર, તનુજ, અનુજ, પ્રિયા, તિષા અને ઝીલે દાદાજીને દૂરથી આવતા જોયા. બચ્ચાઓએ દોટ મૂકી. એમણે સવાલોની ઝડી વરસાવી દીધી:
દાદાજી, દાદાજી, દાદાજી, આટલા બધા દિવસ તમે ક્યાં ગયા હતા? દેખાતા ન હતા. ગામડે ગયા હતા? બીમાર હતા? અમારાથી રિસાઈ ગયા હતા? અમે તમને કોઈ વાતે દુખ પહોંચાડયું હતું? અમારાથી નારાજ થઈ ગયા હતા?
છોકરાઓએ એટલા બધા સામટા પ્રશ્ન પૂછ્યા કે દાદાજીને કંઈ કહેવાનો મોકો જ મળ્યો. દાદાજી હસવા લાગ્યા. પછી કહે, 'દીકરાઓ, હું ગામડે ગયો હતો. એટલે પછી તમને મળવા કેવી રીતે આવું?'
માન્યા બોલી, 'તો દાદાજી, અમને કહીને જવું જોઈએને? અમે તો તમારી રાહ જોઈને જ થાકી ગયાં... પણ આજે અમે તમને શોધી કાઢ્યા...' પછી દાદાજીનો હાથ ખેંચીને એ કહેવા લાગી, 'વાર્તા, વાર્તા, વાર્તા...'
તરત બધા બોલ્યા, 'હા દાદાજી, વાર્તા કહો... વાર્તા કહો...'
દાદાજી બોલ્યા,'સારું સારું... પણ પહેલાં તમે શાંતિ તો રાખો! આજે હું તમને રામ ભગવાનની વાર્તા કહીશ... પણ હા, અહીં ઊભા ઊભા કહીશ...!'
તિષા બોલી, 'હા દાદાજી.' દાદા હસવા માંડયા, 'ઊભા ઊભા તો વાર્તા કહેવાતી હશે? તેમાં મઝા પણ ના આવે.'
માન્યાએ કહ્યું, 'દાદાજી, મારું ઘર પાસે છે. ચાલો સૌ મારા ઘરે. મારા દાદા અને દાદી બહુ સરસ છે. તમને મળીને એમને બહુ આનંદ થશે. તમને ચા-નાસ્તો કરાવશે.'
બધાએ કહ્યું: ચાલો સૌ માન્યના ઘરે...
સૌ માન્યાના ઘરે પહોંચી ગયાં. માન્યાનાં દાદા-દાદીએ દાદાજીનું સ્વાગત કર્યું. દાદીએ કહ્યું, 'માન્યા કહેતી હતી કે એક દાદા અમને રોજ સરસ સરસ વાર્તા કહે છે અને મસ્ત મસ્ત વાર્તાઓ લખે પણ છે.'
બધાં બાળકો બોલ્યાં, 'હા દાદી. માન્યાની વાત સાવ સાચી છે.'
પછી દાદાજીએ રામ ભગવાનની વાર્તા સંભળાવી. સૌને રામ ભગવાનની વાર્તા સાંભળવાની બહુ મઝા આવી. વાર્તા તો જોકે અધૂરી રહી ગઈ. છોકરાઓએ કહ્યું, 'દાદા, પછી? આગળની વાત તો બાકી છેને! વાર્તા પૂરી કરોેને!'
દાદાજીએ પોતાના બગલ થેલામાંથી ખજાનો કાઢ્યો. આ ખજાનો એટલે રામાયણ અને મહાભારતની બાળવાર્તાઓનાં પુસ્તકો. પછી માન્યાના દાદીને કહે, 'હવે છેને તમે બાળકોને આમાંથી વાર્તા કહેજો. બાળકોને વાર્તા સાંભળી ખરેખર બહુ ગમે છે. આમેય તમે તો શિક્ષિકા તો છો. તમને પણ વાર્તા કહેતાં સારી આવડે છે.'
દાદીએ સૌના માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. માન્યા નાસ્તાની પ્લેટ્સ લાવી. દાદી ચા લાવ્યા.
માન્યાએ દાદાને પૂછ્યું, 'તે હેં ભાઈ, તમે આ બધી વાર્તાઓ કઈ રીતે લખો છે? આટલી બધી વાર્તાઓ તમને મોઢે હોય?'
દાદાએ કહ્યંુ, 'હું પહેલાં વાર્તા વિશે વિચારું, પછી લખું. ક્યારેક બાળકોને વાર્તા કહી સંભળાવું. જો આ બાળકોને મારી વાર્તા ગમે તો હું સમજુ કે મારી વાર્તા બધાને ગમશે.'
'અચ્છા... એમ વાત છે, દાદાજી!' ઝીલે કહ્યું.
હેતષા બોલી, 'હેં દાદાજી, સાંભળ્યું છે કે તમે છેક અમેરિકા જાવ છો? તમે ત્યાં જઈને બાળકોને વાર્તા કહેશો? હે દાદાજી, તમે અમેરિકા વાર્તા કહેવા કેમ જાવ છો?'
દાદાજી કહે, 'અમેરિકામાં મારા ઘણા સંબંધી છે. તેઓ મને બોલાવે છે એટલે હું ત્યાં જવાનો છું અને ત્યાંનાં બાળકોને વાર્તા કહેવાનો છું. ત્યાંનાં બાળકોને મારી વાર્તા વાંચવી અને સાંભળવી બહુ ગમે છે.
માન્યા બોલી, 'દાદાજી, અમેરિકા જવાને બદલે મોબાઈલથી એમને વાર્તા કહી દોને. આટલે બધે દૂર જવાની જરૂર શી? અમેરિકા જવા માટે તો ખૂબ પૈસા જોઈએ એવું મારા પપ્પા કહેતા હતા. વિમાનમાં બેસીને અમેરિકા જવાય ખરુંને?'
દાદાજી હસતા હસતા બોલ્યા, 'હા, મારી મિઠ્ઠડી દીકરી. તારી વાત તો સાચી... પણ ત્યાં ય તમારાં જેવા બાળકો છે ને મારી રાહ જુએ છે. હું બે અઠવાડિયા પછી પાછો ભારત આવીશ. હું જાઉંને અમેરિકા, બચ્ચાઓ?'
બધા બોલ્યા, 'ના જાવ દાદા અમેરિકા....'
બધાં બાળકોનાં મોં પડી ગયાં હતાં.
દાદા કહે, 'આમ ઉદાસ ન થઈ જાઓ. જુઓ, હું ત્યાં જઈને નવી નવી વાર્તાઓનો ખજાનો તમારા માટે લાવીશ. હું તમને અમેરિકાની વાર્તાઓ કહીશ.'
બધાં બચ્ચાં બોલ્યાં, 'એમ! તો તમે જરૂરથી અમેરિકા જાવ અને પાછા આવો ત્યારે વાર્તાનો ખજાનો લેતા આવજો. અમે તમારી રાહ જોઈશું.'
દાદાજીનું એરોપ્લેન અઠવાડિયા પછી અમેરિકા જવા ઉપડયું. સૌ છોકરાઓ આકાશ તરફ મોં કરીને એરોપ્લેન જોઈને કહેવા લાગ્યાં: 'જો આપણા દાદાજીનું એરોપ્લેન.... ગુડબાય, દાદાજી... હેમખેમ અમેરિકા પહોંચો અને હેમખેમ પાછા આવજો... ટા-ટા!'