Get The App

પરાક્રમની પ્રતિમા .

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
પરાક્રમની પ્રતિમા                                          . 1 - image


- આજે જે દશા આપની છે તે ગઈ કાલે એમની હતી. અને લડાઈમાં હારવું એમાં પરાક્રમ ગુમાવવા જેવું ક્યાં છે? જો અમારો એ રાજા પીઠ બતાવીને ભાગ્યો હોત તો એના પુરુષાતનને લાંછન લાગત. 

- તું છે આ પ્રતિમાનો શિલ્પી?

હું આપની પ્રતિમા નહીં બનાવું!

મહારાજા વિજયસિંહનો વિજય થયો. વિજયના ઉન્માદમાં વાજતે ગાજતે વિજયસિંહ પરાજિત રાજાના પાટનગરમાં દાખલ થયા.

નગર ભવ્ય હતું. મકાનો, મંદિરો, મહેલો પૂરી જાહોજલાલીમાં હતાં. કળાકૌશલ્ય પૂરબહારમાં ખીલ્યાં હતાં.

ત્યાં જ વિજયસિંહની નજર એક પૂતળા પર પડી. પરાક્રમની સાચી પ્રતિમા સમું એ પૂતળું હતું. પત્થરમાં એક પૌરુષયુક્ત માનવી પગે વિંટળાયેલા સર્પોને દૂર કરતો હતો. વિકરાળ સર્પોનાં મોઢાં તેણે દબાવી દીધાં હતાં. જે રીતે ગરુડ નિર્ભય અને દ્રઢ બની રહે છે, તેવી જ રીતે પુરુષની નજર ઊંચી હતી. તે સાવ બેફિકર અને બેપરવાહ હતો. સર્પો તેને મન તુચ્છ હતાં.

વિજેતા વિજયસિંહ તો એ પત્થરની પ્રતિમા જોઈને વાહવાહ પોકારી ગયો. તેણે ગર્જના કરી, 'આ પ્રતિમાનો શિલ્પી કોણ છે? સામે આવે.'

વિજયસિંહના મનમાં હતું કે કળાકાર સામે આવીને વંદન કરશે. ઝૂકીને સલામ કરી કહેશે, 'હેં-હેં હું છું એ મૂર્તિનો શિલ્પી હજૂર.' પણ મહારાજાની કલ્પના જૂઠી પડી. કોઈ આગળ ન આવ્યું.

ત્યારે રાજાએ ચારેબાજુ માણસો મોકલ્યા. લશ્કર અને જાસૂસોની મદદ પણ લીધી. અને શિલ્પીને શોધી કાઢવામાં આવ્યો.

વિજેતા રાજવીએ પૂછ્યું, 'તું છે આ પ્રતિમાનો શિલ્પી?'

'કદાચ હું જ હોઈશ.'

'બતાવ, એ મૂર્તિની રચના તે કેવી રીતે કરી?'

'ફૂલો કેવી રીતે ખીલી ઊઠે છે? સવાર કેવી રીતે થાય છે? ધરતીમાંથી સુગંધ કેવી રીતે મહેંકી ઊઠે છે? વર્ષાઋતુનું આગમન થતાં જ વાદળો કેવી રીતે ઘેરાઈ રહે છે?'

'તું કહેવા શું માગે છે?'

'એ જ શ્રીમાન! કે જેમ એ બધી વાતો સ્વાભાવિક છે, તેમજ આ પ્રતિમાની રચના પણ સ્વયંભૂ રીતે જ થઈ છે. મને લાગ્યું કે આવી રચના થવી જોઈએ અને તે મેં કરી.'

'કોની છે આ પ્રતિમા!' વિજયસિંહે રૂઆબથી પૂછ્યું.

'જે રાજાને આપે હરાવ્યા છે તે અમારા રાજાની.'

એકાએક વિજયસિંહે વિજયના તોરમાં કહ્યું, 'પરાજિત રાજાની જો તું આવી અદ્દભુત પ્રતિમા બનાવી શકે તો હું એક વિજેતા છું...'

'નહીં.'

'શું નહીં?'

'હું આપની પ્રતિમા નહીં બનાવું.'

'કેમ નહીં? આવા પરાજિત પુરુષમાં પરાક્રમની રજૂઆત કરવી એ કળાનો દ્રોહ નથી કલાકાર?'

રાજના કળાકારે કહ્યું, 'જ્યારે એ રાજવીએ આ નગર જીતી લીધું હતું ત્યારે તે પરાક્રમી જ હતા. આજે જે દશા આપની છે તે ગઈ કાલે એમની હતી. અને લડાઈમાં હારવું એમાં પરાક્રમ ગુમાવવા જેવું ક્યાં છે? જો અમારો એ રાજા પીઠ બતાવીને ભાગ્યો હોત તો એના પુરુષાતનને લાંછન લાગત. એ તો બહાદુરીથી લડયો છે.'

'તો તું હાથમાં છીણી લેવાનો ઈન્કાર

કરે છે?'

'જી હા શ્રીમાન, કેમકે જેમ આ મૂર્તિને આજે તમે ખંડિત કરવા માગો છે તેમજ કાલે કોઈ બીજો રાજા આપની મૂર્તિને ખંડિત કરશે. ખંડિત થતી મૂર્તિઓનો સર્જક હું નથી.'

શિલ્પીની આવી ચોખ્ખી વાત સાંભળી વિજેતા રાજાનું ગુમાન ખળભળી ઊઠયું. તેણે તલવાર ખેંચીને કહ્યું, 'હું એક જ ઝાટકે તારું માથું ઉડાવી શકું છું કળાકાર! પણ હું એનાથી મોટી સજા તને દઈશ. તું તારા હાથમાં હથોડો લઈ તારી જાતેજ આ પુરુષાતનની પ્રતિમાને તોડી નાખ. જો એમ કરવામાં વિલંબ થશે તો આ તલવાર...'

થોડીવાર શાંતિ રહી. શિલ્પી જરાય ડગ્યો નહીં. ઊંચે માથે, છાતી કાઢીને તે ઊભો રહ્યો. કહેવા લાગ્યો, 'હ્ય્દય ગુમાવવા કરતાં માથું ગુમાવવું વધુ સારું છે શ્રીમાન! ચલાવો તલવાર....'

વિજયસિંહ બાવરો બની ગયો, તેણે ફરી પૂછ્યું, 'શું તેં કદી તારી કોઈ મૂર્તિનો નાશ નથી કર્યો?'

'મેં મારી ઘણી મૂર્તિઓનો નાશ કર્યો છે. મહાનુભાવ! પણ એ બધી મારી કાચી મૂર્તિઓ હતી. દોષવાળી મૂર્તિઓ હતી. શ્રીમાનજી! મારું કામ સૌદર્યનું નિર્માણ કરવાનું છે, તેનો નાશ કરવાનું નહીં. એ કામ તો રાજાઓનું જ છે.'

સહુને લાગ્યું કે વિજયસિંહની તલવાર કળાકારની ગરદન ફરતે ફરી જ સમજો.

પણ તલવાર ફેંકાઈ ગઈ. બધા ચકિત થઈ ગયાં. વિજયસિંહ કહે, 'કલાકાર!  મેં તમારા રાજાને જીત્યો છે, પણ આ પત્થરની પ્રતિમા મને જીતી ગઈ. તું મને જીતી ગયો. શસ્ત્રની જીત છેવટની જીત છે, એ માન્યતા મારે બદલવી પડશે. મારે તમારું, તમારી પ્રજાનું, તમારા રાજાનું સન્માન કરવું પડશે, કેમ કે આજે તો તમે મને સૌંદર્યનું જ્ઞાન આપ્યું છે. સૌંદર્યના રક્ષણનું જ્ઞાન આપ્યું છે.' 


Google NewsGoogle News