ખિસકોલીની શોધયાત્રા .
- માધવી આશરા
એક હતી ખિલ ખિલ ખિસકોલી. આખો દિવસ ખિલ.. ખિલ.. કર્યા કરે. તેને ચણા, વટાણા, કાબુલી, દાળિયા ખૂબ ભાવે, પણ આ ટમેટાં તો બહુ જ ભાવે. ટમેટાં જોયાં નથી ને ઝટ દઈને ત્યાં પહોંચી નથી.
એક દિવસની વાત છે. ખિસકોલીબહેનને એક પણ જગ્યાએથી ટમેટા મળ્યા નહીં. એ તો આમતેમ આંટા મારે. ઘડીક ઝાડની ઉપર જુએ, તો ઘડીક નીચે. ઘડીક બગીચામાં જુએ તો ઘડીક રસ્તા પર. બિચારી જ્યાં-ત્યાં ફાંફાં મારે, પણ તેનું દુઃખ કોણ સમજે? થોડા દિવસો પસાર થયા. ટમેટાં વગર તો ખિસકોલીને ગમતું જ નહોતું. ટમેટાં વગર તેનું પેટ પણ ભરાતું નહોતું. બિચારી થાકી હારીને ટમેટાની શોધમાં જંગલમાં ગઈ. શોધતાં શોધતાં એ લીંબુના ઝાડ પાસે આવી. લીંબુના ઝાડમાંથી તો ખાટી-ખાટી સુગંધ આવતી હતી. લીંબુને જોઈ ખિસકોલી કહે, 'લીંબુભાઈ... ઓ લીંબુભાઈ! તમે મારી મદદ કરશો?'
લીંબુભાઈ તો નાનકડી ખિસકોલીને જોઇને કહે, 'અરે ખિલ ખિલ ખિસકોલી, તું અહીં? બોલ શું મદદ કરું?'
ખિસકોલી કહે, 'મેં તો ઘણા દિવસથી ટમેટાં નથી ખાધાં. તમે જણાવશો આ ટમેટાનું ઝાડ ક્યાં મળશે?'
લીંબુભાઈ કહે, 'તું અહીંથી ઉત્તર દિશામાં જજે, ત્યાં તને મરચાનું ઝાડ મળશે તેને પૂછજે.'
ખિસકોલી તો લીંબુભાઈના કહેવાથી ફટાફટ ઉત્તર દિશામાં દોડવા લાગી. એ તો ખૂબ દોડી, ખૂબ દોડી... પણ મરચાનું ઝાડ દેખાય જ નહીં. થોડો રસ્તો કપાયો ત્યાં મરચાભાઈ તો મસ્ત મજાના હવામાં લહેરાતા દેખાયા. એ આજુબાજુ તીખી-તીખી સુંગધ સૌને આપતા હતા. મરચાના ઝાડને જોઇને તો ખિસકોલી તો રાજીની રેડ થઈ ગઈ. ખિસકોલી કહે, 'મરચાભાઈ, મરચાભાઈ... તમે મારી મદદ કરશો?'
મરચાભાઈ તો રહ્યા થોડા તીખા, એટલે તીખા સ્વરમાં કહે, 'મદદ? કેવી મદદ?' બિચારી ખિસકોલીનો તો પરસેવો છૂટી ગયો. એ તો આવા તીખા સ્વભાવ જોઈને થરથર ધુ્રજવા લાગી. ડરતાં ડરતાં ખિસકોલી કહે, 'તમે જણાવશો કે આ જંગલમાં ટમેટાનું ઝાડ ક્યાં મળશે?'
મરચાભાઈએ તો આંખ કાઢી, આમતેમ જોયું, પછી કહે, 'અહીંથી તું દક્ષિણ દિશામાં જજે, ત્યાં તને કોથમીરનો છોડ મળશે, તેને પૂછજે.'
ખિસકોલી તો દોડમદોડ દક્ષિણ દિશામાં દોડવા લાગી. એ તો દોડતી જાય, દોડતી જાય, પાછું વળીને જુએ કોણ? અંતે થાકીને લોથપોથ થઈ ગઈ. ત્યાં તેને કોથમીરનો છોડ દેખાયો. ખિસકોલી કહે, 'કોથમીરબહેન, ઓ કોથમીરબહેન! તમે મારી મદદ કરશો?'
કોથમીરબહેન તો એયને મસ્ત મજાનાં પોતાની ધૂનમાં ઝૂમી રહ્યાં હતાં. તેના હસતા ચહેરાએ તો આસપાસના બધા છોડને મોજમાં લાવી દીધા હતા. કોથમીરબહેને મોટી સ્માઈલ આપતા કહ્યું, 'બોલોને ખિસકોલીબહેન, હું શું મદદ કરું?' ખિસકોલી કહે, 'મને ટમેટાનું ઝાડ ક્યાં મળશે એ કહોને.' કોથમીરબહેન કહે, 'સારું, અહીંથી તમે પૂર્વ દિશામાં જાવ ત્યાં તમને બીટભાઈ મળશે. તેને પૂછી લેજો.'
ખિસકોલી તો ફટાફટ પૂર્વ દિશામાં દોડવા લાગી. થોડે દૂર જતા તેને બીટભાઈ મળ્યા. ખિસકોલી કહે, 'બીટભાઈ! તમે મારી મદદ કરશો?'
બીટભાઈ કહે, 'બોલોને ખિસકોલીબહેન.'
ખિસકોલી કહે, 'અહીં ટમેટાનું ઝાડ ક્યાં મળશે?'
બીટભાઈ કહે, 'અહીંથી તમે પશ્ચિમ દિશામાં જાવ ત્યાં તમને કોબીબહેન મળશે તેને પૂછી લેજો.'
ખિસકોલી તો પશ્ચિમ દિશામાં દોડવા લાગે છે. આખા દિવસની થાકેલી ખિસકોલીની ઝડપ હવે ઓછી થઈ રહી હતી. છતાં ટમેટાનું ઝાડ શોધવાની તેની ઈચ્છા મજબૂત હતી. દોડતાં દોડતાં ખિસકોલી પહોંચી કોબીબહેન પાસે. ત્યાં જઈને ખિસકોલી કહે, 'કોબીબહેન, ઓ કોબીબહેન, તમે મારી મદદ કરશો?'
કોબીબહેન તો બહુ શરમાઈ. એ તો એક પછી એક એમ પોતાના દરેક પડ પાછળ સંતાતાં જાય. અંતે કોબીબહેને શરમાતાં શરમાતાં કહ્યું, 'જરૂર મદદ કરીશ, બોલો શું કામ છે તમારે?'
ખિસકોલી કહે, 'મને ટમેટાનું ઝાડ ક્યાં મળશે તે કહો.'
કોબીબહેન કહે, 'અરે ખિસકોલીબહેન, બસ આટલું જ કામ હતું. સામે જુઓ, એ રહ્યું ટમેટાનું ઝાડ.'
ખિસકોલી તો ટમેટાના ઝાડને જોઈને રાજી રાજી થઈ ગઈ. એ તો દોડીને ફટાફટ ટમેટાના ઝાડ પર ચડી ગઈ. પોતાના નાના-નાના હાથ વડે ટમેટું પકડી રાખે અને ખાતી જાય. બોલો, મજા આવીને બાળમિત્રા, ટમેટા ખાવાની...!