ખિસકોલી અને પાન .
- 'તારો એરીયા? આ જંગલ આપણાં સૌનું સહિયારું છે. બધાયનો આ જંગલના પર સરખો જ હક્ક છે.'
- કિરીટ ગોસ્વામી
એ ક હતી ખિસકોલી. સરસ મજાના ચટ્ટાપટ્ટાવાળી અને રૂપાળી! આખો દિવસ ચિક્... ચિક્... ગીતો ગાય અને જંગલમાં ફરતી રહે. એક દિવસ ખિસકોલી તો ખૂબ મજાથી રમતી હતી. ત્યાં તેની સામે એક મોટું બધું,સૂકું પાન આવ્યું.
પાન તો 'હા-હા-હા...' કરીને હસવા લાગ્યું અને પછી બોલ્યું- 'ઓય... ખિસકોલી! રમત રમવાનું બંધ કર! આ એરીયા મારો છે...'
ખિસકોલી બોલી- 'પાન! પાન! આઘું ખસી જા! મને રમવા દે, પ્લીઝ!'
'નહીં ખસું જા...' પાન તો વટ મારીને બોલ્યું.
ખિસકોલીએ ફરીવાર પાનને કહ્યું- 'આઘું ખસી જાયને યાર! મને રમવા દે ને, પ્લીઝ!'
પણ પાન તો વધારે વટે ભરાયું- 'નહીં ખસું હો! મારા એરીયામાં તને નહીં જ રમવા દઉં!'
ખિસકોલીને થયું, હવે આ પાન આમ વિનંતિ કરવાથી તો માનશે નહીં એટલે તે તરત જ ત્યાંથી દોડીને વડદાદાની પાસે ગઇ.
વડદાદાને પગે પડીને કહેવા લાગી- 'દાદા! દાદા! જુઓ ને, હું અહીં રમતી હતી તો આ મોટું પાન મને આડું પડીને રમવાની ના પાડે છે. એ ખસતું જ નથી અને ઉપરથી મને વટ મારીને કહે છે કે આ એરીયા મારો છે એટલે તને અહીં રમવા નહીં દઉં!'
વડદાદાએ ખિસકોલીના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું- 'મારી વ્હાલી પરી! એ પાન એવું કેમ કહી શકે? લાગે છે એ પાન અભિમાને ભરાયું છે! હમણાં જ બોલાવ એને!'
'હા, દાદા...' કહીને ખિસકોલી તો તરત જ જઇને પાનને બોલાવી લાવી.
વડદાદાએ પાનને કહ્યું- 'કેમ ભાઈ! આ નાનકડી ખિસકોલીને આડે કેમ પડે છે?'
'પણ દાદા... એ... એ... ' પાન ગેંગેફેંફે કરવા લાગ્યું.
વડદાદાનો ગુસ્સો વધી ગયો- 'પણ ને બણ! આ મારી લાડકી દીકરી છે. એને રમતાં રોકવાની જ નહીં!'
'દાદા, એ મારા એરીયામાં રમતી હતી...' પાન એટલું બોલ્યું ત્યાં તો વડદાદાએ બમણા ગુસ્સાભેર કહ્યું- 'તારો એરીયા? આ જંગલ આપણાં સૌનું સહિયારું છે. એનાં કોઇ હિસ્સાનાં માલિક કોઈ એક પ્રાણી કે પંખી થઈ જ ના શકે. બધાયનો આ જંગલના પર સરખો જ હક્ક છે.'
પાન વડદાદાની આ વાત નીચું જોઇને સાંભળી રહ્યું હતું. તેને દાદાની વાત સાંભળીને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
દાદાને કહેવા લાગ્યું- 'મારી ભૂલ થઈ ગઈ, દાદા! આ જંગલ આપણાં સૌનું સહિયારું છે!'
'હા, તો આ ખિસકોલીની માફી માગી લે, ચાલ!' વડદાદાએ પાનને આજ્ઞાા કરી.
પાન તરત જ ખિસકોલીની સામે હાથ જોડીને બોલ્યું- 'આઇ એમ સોરી! હવે તને રમત રમતાં ક્યારેય નહીં રોકું!'
'ઇટસ ઓકે!' ખિસકોલીએ રાજી થતાં કહ્યું.
- ને પછી ફરી પાછી એનઘેન દીવાઘેન રમવા લાગી.