માટીનાં માટલાનું વિજ્ઞાન .
મા ટીમાં એવો ક્યો ગુણ છે કે તેમાં માત્ર પાણી ભેળવીને ઘડેલા માટલા, કોડી, કોડિયા, તાવડી અને જાતજાતના રમકડા મજબૂત બને છે ? સામાન્ય માટી અને પાણીનું મિશ્રણ એક અજાયબ ભૌતિક પ્રક્રિયા કરે છે. જો કે તેમાં માટીના વાસણ બનાવનારની આવડત અને સુઝ મોટો ભાર ભજવે છે. માટી એ સૂક્ષ્મ રજકણોની બનેલી છે. તે પાણીમાં પીગળતા નથી. પરંતુ દરેક કણની આસપાસ પાણીનું આવરણ રચાય છે. બે સુક્ષ્મ કણોની વચ્ચે રહેલું પાણી પૃષ્ઠતાણ ઊભું કરે છે અને બંને કણોને એક બીજા સાથે જકડી રાખે છે. આમ માટીના દરેક કણ એકબીજા સાથે જકડાઈ જાય છે. વધુ પાણી ઉમેરીએ તો કાદવ બની તૂટી પડે એટલે કેટલી માટીમાં કેટલું પાણી નાખવું તે અનુભવ અને સૂઝનો વિષય છે.
હવે બે કણો વચ્ચે રહેલું પાણી સુકાય ત્યારે માટીનાં કણોમાં રહેલા ક્ષાર સ્ફટિક એટલે કે સખત કણો બની જાય છે. અને માટીના કણોને એકબીજા સાથે કાયમ જોડી રાખે છે. માટીના વાસણોને ઘડયા પછી ભઠ્ઠીમાં ખૂબ જ ગરમી આપી તપાવીને રીઢા બનાવાય છે. આમ માત્ર માટી, પાણી અને ગરમીથી જાત જાતના વાસણો બને છે.