બરફના પહાડ .
- 'તમે બરફ બહુ ખાધો છે એટલે ગળામાં બરફનો પહાડ જામી ગયો છે. હવે એ બરફનો પહાડ તો દવાથી પીગળે તેમ નથી'
- પીના પટેલ 'પિન્કી'
ટિકુ, મીનુ, ચિનુ ત્રણેયને શાળામાં રજાઓ પડી ગઈ હતી. ત્રણેય મિત્રો સવારે પોતાની શેરીમાં રમે, પણ બપોરે સૂરજ દાદાનો તાપ આકરો હોય એટલે તેમને ઘરમાંથી કોઈ બહાર નીકળવા ન દે. એટલે ત્રણેય મિત્રો ઘરમાં કેરમ રમે, કોઈવાર સાપસીડી રમીને સમય પસાર કરે. કોઈવાર તો ઘરમાં જ સંતાકુકડી રમી લે.
એક દિવસ બપોરે ત્રણેય મિત્રો રમતાં હતાં. ત્યાં તેમના કાને ઘંટડીનો અવાજ સંભળાયો. તેમને કૌતુક થયું. આ બપોરના સમયે કોણ આવ્યું હશે?
ત્રણેય મિત્રો છાનામાના ઘરમાંથી બહાર નીકળીને ઘંટડીનો અવાજ આવતો હતો તે તરફ ગયા. તેમને જઈને જોયું તો એક લારી ઊભી હતી અને તેની પર લખ્યું હતું: 'બરફનો ગોલો'. આ લખાણની આસપાસ બરફના ગોલા રંગબેરંગી કલરથી દોરેલા હતા. આ જોઈને ટીકુ બોલ્યો, 'કાકા આ શું છે?'
'બેટા, આ બરફનો ગોલો છે. તમે દસ રૂપિયો આપો હું તમને એક ગોલો આપીશ. ગરમીમાં એ ખૂબ જ ઠંડક આપે.' તે વાત કરતા હતા ત્યાં એક છોકરી બરફનો ગોલો લેવા આવી. કાકાએ બરફની પાટમાંથી બરફનો ટુકડો તોડયો, પછી એને છીણવા લાગ્યા. બરફ છીણીને તેનો ગોળો વાળ્યો. તેની ઉપર રંગબેરંગી કલર છાંટયો. આ જોઈને ત્રણેય મિત્રોના મોઢામાં પાણી આવી ગયું. ત્યાં તો ટિકુની મમ્મી એમને શોધતી શોધતી આવી પહોંચી. ટિકુની મમ્મીને જોઈએ ત્રણેય ભાઈબંધના માથે પરસેવો વળી ગયો. ટિકુની મમ્મી કહે, 'તમે લોકો અહીં શું કરો છો?'
'આન્ટી, અમારે આ બરફનો ગોલો ખાવો છે. એટલે અહીં આવ્યાં છીએ, પણ અમારી પાસે પૈસા નથી,' રોતલ અવાજે મીનુ બોલી.
ટિકુની મમ્મી ગોલાવાળા કાકાને કહે, 'ભાઈ, આ ત્રણેયને એક-એક બરફનો ગોલો આપી દો.'
ત્રણેય દોસ્તારો તો રાજીના રેડ થઈ ગયાં. તેમને તો બરફનો ગોલો બહુ જ ભાવ્યો. તેમણે નક્કી કર્યું કે આપણે હવે દરરોજ બરફનો ગોલો ખાઈશું. તેઓ પછી દરરોજ બપોરે જીદ કરીને ઘરમાંથી પૈસા લઈને ગોલો ખાઈ આવે. ત્રણેયની મમ્મી સમજાવે કે રોજ-રોજ ગોલો ન ખવાય, તમને ગળામાં તકલીફ થશે, શરદી થઈ જશે... પણ આ ત્રણેય મમ્મીઓની વાત માને તો ને? તેઓ તો એક જ વાત કહે: અમને તો કંઈ ના થાય. આ ગરમીમાં બરફનો ગોલો ખાવાથી કેટલી મસ્ત ઠંડક મળે છે!
...પણ મમ્મીઓની વાત સાચી પડી. રોજ-રોજ ગોલો ખાવાથી ત્રણેય મિત્રોને ગળામાં દુખવા લાગ્યું અને શરદી થઈ ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. ડોક્ટર સાહેબે તેમને તપાસીને કહ્યું, 'તમે બરફ બહુ ખાધો છે એટલે ગળામાં બરફનો પહાડ જામી ગયો છે. હવે એ બરફનો પહાડ તો દવાથી પીગળે તેમ નથી. તેના માટે તો લાંબી ટ્રીટમેન્ટ કરવી પડશેે!'
આ સાંભળતાં મીનુ તો રડવા લાગી. રડતાં રડતાં બોલી, 'મને તો ઈન્જેકશન લેવાની પણ બીક લાગે છે. મારે ઓપરેશન નથી કરાવવું. હું હવે બરફનો ગોલો નહીં ખાઉં.' એની મમ્મીએ કહ્યું, 'મેં તને સમજાવ્યું હતું કે બેટા, બરફ ઠંડો હોય અને આ કલરમાં ખાંડની ચાસણી નાખી હોય. એટલે દસ-પંદર દિવસે એક વાર ગોલો ખવાય, પણ તેં મારી વાત માની જ નહીં. એટલે જ આ ગળામાં બરફના પહાડ થઈ ગયાં છે.'
'પણ હવે હું બરફનો ગોલો ખાવાની જીદ ક્યારેય નહીં કરું, મમ્મી...' મીનુએ ડૂસકું ભર્યું.
મીનુ અને ચિનુના ઘરે પણ આ જ સંવાદ થયો હતો. ડોક્ટર સાહેબે સમજાવતાં કહ્યું, 'જુઓ બેટા, ગરમી પડે એટલે ઠંડી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય, પણ તે માપસર ખાઓ તો કશો વાંધો નથી. હું આ દવા આપું તેનાથી સારું થઈ જશે, પણ હવે સાચવજો નહિતર..'
'ડોક્ટર અંકલ, આ દવાથી બરફનો પહાડ ઓગળી જશે, પછી અમે બીજો પહાડ બનવા નહીં દઈએ,' ત્રણેય એકસાથે બોલી ઉઠયાં અને ગાવા લાગ્યાં:
'બરફના પહાડોમાં ફર્યા અમે,
બરફના ગોલા ખાધા અમે,
શરીરની તંદુરસ્તી જાળવીશું અમે,
દુખી થયાં તો આ વાત સમજાઈ અમને...'
આ સાંભળીને બધા હસી પડયા.