કૃત્રિમ બરફનો શોધક સર જહોન લેસલી
- વિશ્વના વિજ્ઞાનીઓ
રોજિંદા ઉપયોગ માટે ફ્રિઝ અને કારખાનામાં તૈયાર થતો બરફ આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ બસો ત્રણસો વર્ષ પહેલાં બરફ બનાવવાની રીત કોઈ જાણતું નહોતું. તે ઘરમાં કઈ રીતે બને તેની કોઈને ખબર નહોતી. ઇ.સ.૧૮૧૦માં જહોન લેસલી નામના વિજ્ઞાનીએ પાણીને ઠારીને પહેલીવાર ઘરમાં ઉપયોગી થાય તેવો બરફ બનાવ્યો. લેસલીએ હવાનું દબાણ ઉષ્ણતામાન અને વાતાવરણમાં ઉપયોગી થાય તેવાં અનેક સાધનો બનાવેલા અને હવાનો ઊંડો અભ્યાસ કરેલો. આજે ઉનાળામાં પણ ઘરમાં બરફ બની શકે છે.
જહોન લેસલીનો જન્મ સ્કોટલેન્ડના લાર્ગોમાં ઇ.સ.૧૭૬૬ના એપ્રિલની ૧૦મી તારીખે થયો હતો. બાળપણથી જ તેને વિજ્ઞાન અને ગણિતમાં રસ હતો. સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને તે ખાનગી ટયૂશનો આપવાનો વ્યવસાય શરૂ કરેલો. તેણે પાણીને જુદી જુદી ધાતુના વાસણમાં ગરમ કરી વરાળ, હવા વગેરેનો અભ્યાસ કરતો. ઇ.સ.૧૮૧૦માં તેણે એર પમ્પનો ઉપયોગ કરીને પાણીનો બરફ બનાવ્યો. અભ્યાસ માટે તે વારંવાર લંડન જતો અને રોયલ સોસાયટીનો સભ્ય પણ બનેલો. ઇ.સ. ૧૮૩૨માં તેને વિજ્ઞાનના યોગદાન બદલ નાઈટનો ઇલકાબ અપાયેલો. ઇ.સ.૧૮૩૨ના નવેમ્બરમાં તેનું અવસાન થયુ હતું.