Get The App

શ્રી હરિ શ્રી હર્ષ .

Updated: Mar 10th, 2023


Google News
Google News
શ્રી હરિ શ્રી હર્ષ                                            . 1 - image


- પણ આ શું? પુસ્તક સરસ્વતીના હાથમાંથી પડી ગયું.કવિ નારાજ થઈ ગયા. આવું અપમાન? અને તે પણ સરસ્વતી દ્વારા?

વાંચેલું માની લેવું એ શોધકનું કામ નથી.

'હું મરવા માટે પણ તૈયાર છું, પુત્ર! પણ....'

પુત્ર પૂછયું: 'પણ શું પિતાજી?'

પિતા માંદા પડયા.

છેલ્લી ઘડી આવી પહોંચી છતાં પુત્રને પરવા જ નહીં. તે રમ્યા કરે, રખડયા કરે, ભટક્યા કરે.

માતાથી રહેવાયું નહીં, તેણે પુત્રને ધમકાવી નાખતાં કહ્યું : 'તારા પિતા પ્રાણ ત્યાગી રહ્યા છે ત્યારે તો બે ઘડી એમની પાસે બેસ.'

પુત્રને લાગી આવ્યું. પિતાની પાસે જઈને બેસી ગયો. સેવા કરવા લાગ્યો. કહે: 'હવે અહીંથી નહીં ખસું, પિતાજી. તમારે જે કહેવુ હોય તે કહો.'

પિતાજી કહે : 'હવે તું નહીં ખસે પુત્ર પણ મારે તો ખસી જ જવું પડશે. મોત કદી કોઈને છોડતું નથી. મારો પણ અંત સમય આવી પહોંચ્યો છે.' 

પુત્ર પિતાના પગ દાબતો રહ્યો.

પિતા કહે: 'જિંદગી પૂરી કરી છે. જિંદગીનાં બધાં સુખ જોયાં છે. એટલે હું મરવા માટે પણ તૈયાર છું, પુત્ર! પણ....'

પુત્ર પૂછયું: 'પણ શું પિતાજી?'

પિતા કહે: 'એક હાર યાદ આવે છે, પુત્ર! છેલ્લા દિવસોમાં પંડિત બંદિની મને હરાવી ગયા છે. શાસ્ત્રાર્થમાં હું એને જીતી શક્યો નથી. જો બની શકે તો ...'  

તોફાની અને રખડેલ પુત્રે પિતાને સાંત્વન આપતાં કહ્યું :'ચિંતા ન કરો, પિતાજી! હું એ પંડિતને હરાવીશ.' 

આવો રખડેલ પુત્ર! શાસ્ત્રાર્થમાં પંડિતને કેવી રીતે હરાવવાનો છે?

પિતાએ એ બાબતની ચિંતા ન કરી. પુત્ર પાસે પ્રતિજ્ઞા લેવડાવી આંખ મીંચી.

પિતાજી અવસાન પામતાં જ તોફાની પુત્ર ગંભીર બની ગયો. ભટકેલ હતો તે સ્થિર બની ગયો. પુસ્તકોથી દૂર ભાગનાર હતો તે પુસ્તકોની પાસે રહેનાર બની ગયો.

રાત ને દિવસ બસ તેણે તો અભ્યાસ શરૂ કર્યો. કાવ્ય, સંગીત, ધર્મ, પુરાણ, વેદ વગેરે કોઈ વિષય બાકી રાખ્યો નહીં.

'ન આવડે' કે 'ન સમજાય' એ તો વાત જ કાઢી નાખી. 'ન આવડે' તેની તો પાછળ જ પડી જાય.

એ રીતે વર્ષો બાદ તે જાતે જ કાવ્યનો આચાર્ય કે કાવ્યાચાર્ય બની ગયો.

વિદ્યામાં પારંગત અને પરિપક્વ બની પોતાનું પહેલું પુસ્તક તૈયાર કર્યું. એ પહેલું પુસ્તક તૈયાર કરી તેણે દેવી સરસ્વતીના કર-કમળમાં તે મૂકી દીધું.

પણ આ શું?

પુસ્તક સરસ્વતીના હાથમાંથી પડી ગયું.

કવિ નારાજ થઈ ગયા. આવું અપમાન? અને તે પણ સરસ્વતી દ્વારા?

તે કોને કહે? શું કરે? તેના ક્રોધનો પાર નહોતો.

રાતના કવિ રોષમાં સૂતા. ઊંઘમાં પડયા તો સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી સરસ્વતી હાજર થયાં કવિએ સરસ્વતીને સંભળાવી દીધું: 'મારા પુસ્તકનું અપમાન?'

દેવી કહે: 'તમે મારા વિશે ખોટી વાત કરી છે. કવિ તમે મને તમારા કાવ્યમાં વૈષ્ણવી કહી છે. મારે માટે એ કલંક નથી શું?'

કવિ કહે : 'મેં એ શબ્દનો પ્રયોગ અમસ્તો નથી કર્યો. પુરાણોમાં તમને વૈષ્ણવી તરીકે ઓળખાવ્યાં છે, દેવી એટલે જ...'

દેવી હસ્યાં. તેઓ કહે : 'કવિ! વાંચેલું માની લેવું એ શોધકનું કામ નથી. લખાયેલું બધું સાચુ માનીને આગળ વધો તો પછી તમે પંડિત શાના? કોઈ રોષમાં આવીને કાંઈ લખી જાય તો એને શું તમે  પ્રમાણ માનશો? સાધક અને શોધક તથા અભ્યાસીઓએ તો એના સારા-ખોટાનો અને સાચાખોટાનો પણ વિચાર કરવો જોઈએ. શોધ કરવી જોઈએ, કવિ, શોધ!'

કવિનો જુસ્સો ઠંડો પડી ગયો. સવારે જાગ્યા ત્યારે નવી તાજગી હતી. નવું જ્ઞાન હતું. અભ્યાસ, શોધ અને સંશોધનની તેમને નવી દિશા મળી હતી.

ફરીથી તેમણે અભ્યાસ શરૂ કર્યો અને પછી પડકાર્યો પેલા બંદિની કવિને.

આટલી સંપૂર્ણતા બાદ શી મજાલ હતી કવિ બંદિની કે તે જીતે.

પિતાને આપેલી ટેક પળાઈ. પુત્રનું જીવન ધન્ય બન્યું.

આ પુત્ર તે કવિ શ્રી હર્ષ. સંસ્કૃત સાહિત્યમાં તેમનુંય અનોખું સ્થાન છે. તેમનું પુસ્તક 'નૈષધિય ચરિત' ખૂબ જ જાણીતું છે.

શ્રી હર્ષના પિતાનું નામ શ્રી હરિ. તેઓ પણ તે જમાનાના જાણીતા પંડિત હતા.

Tags :