પાણીમાં ઉછરતો પાક શિંગોડા
ફળ-ફળાદિની દુકાનમાં કાળા રંગના ત્રિકોણાકાર શિંગોડા પણ જોવા મળે. શિંગોડા એક વિશિષ્ટ ફળ છે. સખત છાલ અને કાંટા ધરાવતું આ ફળ વેલા પર થાય છે તેના વેલા જમીન પર નહિ પરંતુ જળાશયના પાણી પર તરતા હોય છે. શિંગોડા લીલા રંગના હોય છે તેને બાફી નાખતા તે કાળા થઈ જાય છે અને બંને તરફના કાંટા કાપીને બજારમાં આવે છે.
ખેડૂતો તળાવમાં ડૂબકી મારીને શિંગોડાના બીજ તળિયાની જમીનમાં વાવે છે. તેમાં વેલા ઊગી તળાવની સપાટી પર તરે છે. આખું તળાવ ક્યારેક એક જ વેલાથી ભરચક થઈ લીલું દેખાય છે સતત પાણીમાં રહેતા શિંગોડાને જીવજંતુ અને જળચરો સામે કુદરતી રક્ષણ મળી રહે તેવા હેતુથી તેની છાલ અત્યંત સખત બને છે ઉપરાંત તેની બંને તરફ તિક્ષ્ણ કાંટા પણ હોય છે. કેટલાક વિસ્તારોમાં લીલા શિંગોડાની શાક જેવી વાનગી બને છે. સૂકવેલા શિંગોડા દળીને લોટ પણ બને છે તેને તપકીર કહે છે, તે ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગી છે.