વિશ્વના વિજ્ઞાનીઓ ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા : મેક્સ બોર્ન
ફિ ઝિક્સમાં અણુ અને તેમાંથી ઉત્સર્જીત થતાં કિરણોનો ઊંડો અભ્યાસ એટલે ક્વોન્ટમ ફિઝિક્સ કે ક્વોન્ટમ થિયરી. મેક્સ પ્લાન્ક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ થિયરીની પૂર્વસમજ આપી હતી. મેક્સ બોર્ન નામના વિજ્ઞાનીએ તેનો ઊંડો અભ્યાસ કરી અણુ ઉર્જાના વિવિધ પ્રમાણનું ગણિત રજૂ કરી ક્વોન્ટમ મિકેનિકસનો પાયો નાખ્યો હતો. ક્વોન્ટમ મિકેનિકસના સિધ્ધાંતો સુપર કન્ડક્ટીવીટી મેગ્નેટ, પ્રકાશિત ડિઓડ, લેસરના સાધનો, સેમીકન્ડક્ટર, માઈક્રોપ્રોસેસર અને મેડિકલ ક્ષેત્રે એમ.આર.આઈ. જેવા સાધનોમાં થાય છે. મેક્સ બોર્નને તેની શોધ બદલ ૧૯૫૪માં વોલ્થર બોથ સાથે નોબેલ ઈનામ એનાયત થયું હતું.
મેક્સ બોર્નનો જન્મ પોલેન્ડના બ્રેસલો ખાતે ઈ.સ. ૧૮૮૨ના ડિસેમ્બરની ૧૧ તારીખે થયો હતો. તેના પિતા બ્રેસલો યુનિવર્સિટીમાં એનેટોમીના પ્રોફેસર હતા. મેક્સ બોર્નની બાળવયમાં જ તેની માતાનું અવસાન થયું હતું. બ્રેસલોમાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી બોર્ને બ્રેસ્લો યુનિવર્સિટી અને ત્યારબાદ ઝૂરિચ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી ગણિત ક્ષેત્રે પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૭માં તે બીમાર પડયો અને ઈંગ્લેન્ડ રહેવા ગયો. કેમ્બ્રિજની ગોનવિલે કોલેજમાં અભ્યાસ ચાલુ રાખ્યો. ત્યારબાદ ગોટેન્જન યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે જોડાયો. ૧૯૨૬માં તેણે ક્વોન્ટમ મિકેનિક્સની નવી થિયરી રજૂ કરી. જર્મનીમાં હિટલરના શાસન દરમિયાન તેને જર્મની છોડવું પડયું. તે ફરી કેમ્બ્રિજમાં આવી એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. જર્મનીમાં અપમાનજનક સ્થિતિને કારણે તે ભાંગી પડયો હતો પરંતુ તેના સંશોધનો ચાલુ રાખ્યા. નિવૃત્ત થયો ત્યાં સુધી કેમ્બ્રિજમાં જ રહ્યો. નિવૃત્તિ બાદ પણ સંશોધનો ચાલુ રાખ્યા. ઈ.સ. ૧૯૭૦ના જાન્યુઆરીની પાંચ તારીખે તેનું અવસાન થયું હતું.