વિશ્વના વિજ્ઞાનીઓ : ઈલેક્ટ્રિક ઘડિયાળનો શોધક એલેક્ઝાન્ડર બેઈન
વિશ્વમાં ઘણા એવા વિજ્ઞાનીઓ થઈ ગયા છે કે જેમણે પધ્ધતિસરનું શિક્ષણ લીધું ન હોવા છતાં અવલોકનો અને કોઠાસુઝથી જાતજાતની ઉપયોગી શોધો કરી છે. એલેક્ઝાન્ડર બેઈન આવો જ શોધક હતો. તે વ્યવસાયે ઘડિયાળી હતો. તેણે ઈલેક્ટ્રિક વડે ચાલતી પ્રથમ ઘડિયાળ બનાવેલી.
એલેક્ઝાન્ડર બેઈનનો જન્મ ઈ.સ. ૧૮૧૧ના ઓક્ટોબરની ૧૨ તારીખે સ્કોટલેન્ડના વોરન ગામે એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલા બેઈનને શાળાકીય શિક્ષણ મળ્યું નહોતું. બાળપણમાં જ તેને ઘડિયાળ બનાવવાની તાલીમ આપવામાં આવેલી. ઘડિયાળ બનાવવામાં તે નિષ્ણાત હતો. ઈ.સ. ૧૮૩૭માં તે લંડન ગયો. લંડનમાં તે વિજ્ઞાનીઓના પ્રવચન સાંભળવા જતો અને જાતજાતના પ્રયોગો કરતો. તેની પાસે પૂરતા નાણાં નહોતા. એક ટેકનિકલ મેગેઝિનના સંપાદકે તેને ચાર્લ્સ વ્હિટસ્ટોન નામના વિજ્ઞાનીની મુલાકાત કરાવી. બેઈને પોતે બનાવેલી ઈલેક્ટ્રીક ઘડિયાળ તેને બતાવી પરંતુ વ્હિટારોને લંડનની રોયલ સોસાયટીમાં પોતાની શોધ તરીકે દર્શાવી. પરંતુ બેઈને પોતાની શોધની પેટન્ટ અગાઉથી મેળવી લીધેલી એટલે કાનુની દાવામાં તેનો વિજય થયો. આ શોધ બદલ તેને ઘણા નાણા અને ઈલેક્ટ્રિક ટેલિગ્રાફ કંપનીમાં મેનેજર તરીકે નોકરી મળી. બેઈનની ઘડિયાળમાં લોલક ઈલેક્ટ્રીક પાવર વડે ચાલતું અને તેના આધારે કાંટા ફરતા. ઈ.સ. ૧૮૪૧માં તેણે પોતાની વર્કશોપ સ્થાપી અને ઘણી ઉપયોગી શોધો કરી. ઈ.સ. ૧૮૭૭ના જાન્યુઆરીની બીજી તારીખે તેનું અવસાન થયેલું.