સાવજ રાજ .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સાવજ રાજ                                                    . 1 - image


- 'સાવજ રાજ, યાદ કરો તમારી ત્રાડ, જેનાથી સૌ કોઈ ડરતા... અને આજે આપ સાવ આમ ચૂપચાપ થઈને ફરો છો? ક્યાં ગઈ તમારી ધાક, એ ગર્જના...?'

પારુલ અમિત 'પંખુડી'

ઘ ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક જંગલમાં સૌ પ્રાણીઓ હળીમળીને સુખેથી રહેતા હતા. જોકે એક વખત કોણ જાણે શું થયું કે જંગલનો સાવજ રાજ સાવ આળસુ થઈ ગયો. સૌની ચિંતા વધી ગઇ હતી.

જંગલનો સાવજ રાજ વાઘ સાવ નમાલો થઈ જાય તે કેવું?  

આવતાં જતાં લૈલા શિયાળ, અક્કી ઊંટ, રૂજ્જુ રીંછ એને અડપલાં કરે, પણ સાવજ રાજ 'ઊં' કે 'આ' ના કરે.

હવે તો સતરંગી ખિસકોલી અને ચૂચું ઉંદર પણ સાવજની પૂંછડીએ હીંચકા ખાઈ ધમાલ કરતાં. આ બઘું જોઇ દૂર વસવાટ કરતા વરુ અને એના સાગરીતોએ જંગલ પર હુમલો કરી બધાને ગુલામ બનાવી સાવજની આલિશાન ગુફા પડાવવાની યુકિત ઘડી નાખી હતી. 

બિલ્લુ બાજ એમની ચર્ચા સાંભળી ગયું હતું.

એ ચિંતિત થઈ અક્કી ઊંટ પાસે જઈને બોલ્યો, 'એય સાંભળ! ઊંચી ડોક વાળા અક્કી... તારે આપણા પરિવાર જેવા આ જંગલની રક્ષા કરવા મારી મદદ કરવી પડશે. પેલા વરૂ આપણા સાવજ રાજને મારી નાખીને એમની આલિશાન ગુફાને પચાવી પાડવા માગે છે, આ વિસ્તારમાં ધાક જમાવવા માગે છે. આપણે એક-એક કરીને બધાં પશુઓને વિનંતી કરવાની છે... નહીં તો આપણે બધાં વરૂના ગુલામ બની જઈશું.'

અક્કી ઊંટ બોલ્યું, 'જોતાં નથી શું, બિલ્લુભાઈ, કે સાવજ રાજ નામના જ સાવજ છે હવે. આપણે શા માટે વરૂની સામે થઈને મુશ્કેલીમાં પડવું?' એટલામાં જંગલની સહેલ કરવા નીકળેલા હની હાથી, ઝિલું જિરાફ, કલ્લુ કાચબો, સિલ્કી શિયાળ, બિન્ની બકરી અને ગટ્ટુ ગેંડો બધાં ઊભા રહ્યાં. તેમણે પૂછ્યું, 'શું વાત છે, બિલ્લુ? કેમ ચિંતીત દેખાઓ છો?'

બિલ્લુ બાજ બોલ્યો, 'સારું થયું તમે બધા અહીં જ મળી ગયા. આપણા સાવજ રાજ અને આપણે સૌ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છીએ. સામેના વિસ્તારમાં રહેતો વરુ અને એના સાગરીતો આપણા જંગલ પર હુમલો કરીને સાવજ રાજને મારી નાખવાના છે અને આ વિસ્તાર પર કબ્જો જમાવવાના છે. લગભગ કાલે રાત્રે જ!'

સતરંગી ખિસકોલી ઝાડ ઉપરથી રમતી રમતી આખી વાત સાંભળીને બોલી, 'આપણાં સાવજ રાજ હવે ત્રાડ નાખે એવાં ક્યાં રહ્યા છે?'

એટલાંમાં હની હાથી બોલ્યો, 'એક સમય હતો, જ્યારે સાવજની ત્રાડ માત્રથી ભલભલા ધૂ્રજી જતા.'

ચુચુ ઉંદર બોલ્યો, 'પણ સાવજ રાજ સાવ આમ અચાનક આવા નમાલા થયા એનું કારણ?'

બિલ્લુ બાજ કહે, 'કોણ જાણે કેમ પણ એ વાત પૂછવાની કે જાણવાની હિંંમત આજ સુધી કોઈએ કરી નથી.' 

ગટ્ટટુ ગેંડો બોલ્યો, 'સાવજ રાજ બસ ચૂપચાપ બેસી રહે છે, હિર હરણ અને એના બચ્ચાં સાવ પાસે આવે છતાં શિકાર પણ કરે નહિ, બોલો. પહેલાં લાગતું કે સાવજ રાજ ભૂખ્યા નથી, પરતું ધીમે ધીમે ખબર પડી કે એ બસ, પડયા રહે છે. કંઈક તો વાત છે... પણ પૂછે કોણ?' 

સિલ્કી શિયાળ બોલ્યું, 'અરે, શિકાર ના કરે પણ ત્રાડ તો નાખે ને! અને એનો આ ફાયદો પેલા વરુ ઊઠાવી રહ્યાં છે.'

ચુચુ  ઉંદર બોલ્યો, 'સાંભળો બધા... આજે રાત્રે હું સાવજ રાજની ગુફામાં સંતાઈ જઇશ અને આખી ઘટના જાણવાની કોશિશ કરીશ અને કારણ શોધીને આવીશ. સવારે આ સ્થળે સૌ ભેગા થઈશું અને આપણે સૌ આખા જંગલની અને સાવજ રાજની રક્ષા કરીશું.'

સૌ છુટા પડયા.

ચુચુ ઉંદર છાનામાના ગુફામાં જઈ સંતાઈ ગયો.

ચુચુએ જોયું કે આલિશાન હરણનાં શિંગડાં અને હાથીદાંતથી સજેલી ગુફા હતી. ચારે બાજુ મોરપિચ્છ અને અન્ય ચીજવસ્તુઓનું સુશોભન હતું. ચુચુ ઉંદર તો આ જાહોજહાલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો... પણ એને ઉદ્દેશ યાદ હતો.

ગુફામાં અનેક આગિયા હતા જેના કારણે ગુફા ચમકી રહી હતી.

ચુચુને તો મજા પડી ગઈ. 

પેલા આગિયા ધીમે ધીમે એની નજીક આવીને ટિમ ટિમ ચમકવા લાગ્યા. 

ચુચુ બોલ્યો, 'આઘા ખસો. હું છૂપા મિશન પર અહીં સંતાયો છું. મારો સાથ આપો, નહીં તો સાવજ રાજ વરુનો શિકાર બનશો અને અહીંંથી સૌને ભાગવાનો વારો આવશે.

આગિયા તરત ચુચું ઉંદરથી આઘા ખસી ગયાં.

ચુચુ ઉંદર આખી રાત ગુફામાં રહ્યો. સવાર પડતાં જ બધાં પ્રાણીઓ ભેગાં થયાં. સૌ પશુપક્ષીઓએ ચુચુને વિનંતી કરી અને સાવજ રાજ વિશે જણાવવા કહ્યું. 

ચુચુએ શરૂઆત કરી, 'આપણાં સાવજ રાજ...' 

ચુચુ ખડખડાટ હસી પડયો.

એને હસતો જોઈ બધા અચરજ પામ્યા.

સતરંગી ખિસકોલી બોલી, 'એય ચુચુ, આમ એકલો એકલો કેમ હસે છે? અને એવી શું વાત છે કે તને હસવુ આવે છે?'

ચુચુએ ફરી હસતાં હસતાં કહ્યું, 'આપણાં સાવજ રાજ...'

બધાં એકસાથે બોલ્યા, 'પણ શું સાવજ રાજ?'

ચુચુ ઉંદર કહે, 'આપણા સાવજ રાજ તો બોખા છે...' 

આ સાંભળીને બધાં પશુપક્ષીઓ ખડખડાટ હસી પડયાં.

સૌ એ વાતે અજાણ હતાં કે ત્યાં ઝાડ પાસે જ સવાજ બેઠો હતો. એ ઉદાસ થઈ ત્યાં જ આળોટવા લાગ્યો. કોઇને પણ એક શબ્દ પણ ન કહ્યો. 

બિલ્લુ બાજ પક્ષી ઊડતું ઊડતું સાવજ રાજ પાસે આવ્યું. 

બિલ્લુ બોલ્યું, 'સાવજ રાજ, યાદ કરો તમારી ત્રાડ, જેનાથી સૌ કોઈ ડરતા... અને આજે આપ સાવ આમ ચૂપચાપ થઈને ફરો છો? ક્યાં ગઈ તમારી ધાક, એ ગર્જના...?'

સાવજ બોલ્યો, 'તમે સૌ જાણી જ ગયા છો તો સાંભળો. એક દિવસ હું શિકારે નિકળ્યો હતો. ત્યાં અમુક વરુ દુશ્મનોએ મને કાવતરાપૂર્વક નજીક બોલાવ્યો અને લોખંડની જાળીમાં પૂરી દીધો. દુશ્મન બોલતા હતા કે તેઓ જંગલમાં આતંક ફેલાવશે અને બધાંને ગુલામ બનાવશે. આ સાંભળી મેં જોરથી ત્રાડ નાખી અને મારાં દાંત વડે લોખંડની જાળી કાપી દુશ્મનોનો પીછો કર્યો. મને પીછો કરતો જોઈ તેઓ ભાગી ગયાં. હું જોરથી ત્રાડ પાડી એમને સબક શીખવાડવા માટે મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો. ત્યાં જ મીઠુ મધમાખી એની સેના સાથે આવી અને બોલી: અરે સાવજ રાજ બોખા છે, જુઓ જુઓ. ત્યારે મને ભાન થયું કે લોખંડની જાળી કાપવા માટે મેં એટલું બધું જોર લગાવ્યું હતું કે મારા બધા દાંત પડી ગયા હતા...'

આ સાંભળીને પ્રાણીઓને બહુ દુખ થયું. સાવજ રાજે વાત આગળ વધારી:  

'બીજા દિવસે ભૂખનો માર્યો હું શિકારે ગયો. મેં સાબરને ગળેથી  પકડવાની કોશિશ કરી, પણ જેવું મોં ખોલ્યું કે  સાબર છટકી ગયું અને હસીને બોલવા લાગ્યું: એ બોખા સાવજ... મને ખાવા માટે દાંત જોઇએ, જે તારી પાસે છે જ નહીં... અને ધીરે ધીરે મે  આત્મવિશ્વાસ ગુમાવ્યો. શિકાર તો દૂરની વાત હું બગાસું પણ ખાઈ શકતો નથી, કોઈ મારો મજાક ઉડાવશે એ બીકે...'

બધાં પ્રાણીઓ ધ્યાનપૂર્વક સાવજ રાજની વાત સાંભળી રહ્યાં હતાં. અક્કી ઊંટ બોલ્યું, 'સાવજ રાજ, અમને તમારાં પર ગર્વ છે કે તમે અમારી રક્ષા માટે તમારા દાંત ગુમાવ્યા... સાંભળો, વરું અને એમના સાગરીતો તમારા પર આજે હુમલો કરશે અને અમને બધાને ગુલામ બનાવશે. તો તમારે તમારી ધાક પાછી લાવવી પડશે. તમારે  ત્રાડ પાડીને એમને ભગાવવા પડશે.'

સાવજ બોલ્યો, 'માફ કરજો, હું એ કરી શકું એમ નથી. વરુ અને એની સાગરીતોને કારણે જ મારી આ હાલત છે. તેઓ જાણે છે કે મારેં દાંત નથી, હું શિકાર કરી શકવાની હાલતમાં નથી...'

સૌ ચિંતિત હતાં.  ત્યાં ચુચુ ઉંદર બોલ્યો, 'મારી પાસે એક યુકિત છે...' 

એણે ધીમા અવાજે બધાને વાત કરી અને બધાં સંતાઈ ગયાં.

ચુચુ ઉંદરની યુકિત પ્રમાણે સાવજ રાજે વરું અને એની ટોળકી જોઈને ત્રાડ નાખી. જેવી ત્રાડ નાખી કે બધા આગિયા એના જડબામાં પેસી ચમકવા લાગ્યા અને દાંત જેમ ગોઠવાઈ ગયા!

આ જોઈ વરુ અને એની ટોળકી ઊભી પૂંછડીએ ભાગી ગયા. એમને ડર લાગ્યો કે પોતાનો શિકાર થઈ જશે તો? 

સૌ રાજી રાજી થઈ ગયા. આમ, બધાએ એકમત થઈને જંગલની અને સાવજ રાજની રક્ષા કરી.  

...અને સાવજ રાજને પોતાની ત્રાડ પણ પાછી મળી. 


Google NewsGoogle News