શનિ-રવિનો ઝગડો .
- 'એમાં મારો શું વાંક? તમે નથી આવતા એટલે મારે આ ઠંડીમાં આટલું બધું પહેરવું પડે છે. મમ્મી મને જોકર બનાવી દે છે, ને કહે છે કે આપણે ત્યાં સૂરજનો તાપ નથી આવતો એટલે પહેરવું પડે.'
નિધિ મહેતા
શનિ આજે મમ્મીથી રિસાઈને એના રૂમની બારી પાસે બેઠો હતો. તેને મો ચડાવી બેઠેલો જોઈ મમ્મી વધુ ચિડાઈને ગુસ્સામાં બોલી, 'ઊભો થા શનિ, સ્વેટર, ટોપી ને મોજાં પહેરી લે. આપણા ઘરમાં કેટલી ઠંડી લાગે છે, જો તો... સૂરજદાદા જરા પણ ડોકિયું કરતા નથી...'
'તો મમ્મી તું એમને બોલ, મને કેમ બોલે છે? મને નથી ગમતું આમ આખુ પેક થઈ જવાનું.'
'ના ગમે તોય પહેરવું જ પડશે.'
'મમ્મી, મારો ભાઈબંધ હેત તો જો એની બાલકનીમાં આખો દિવસ ખાલી પેન્ટ ટીશર્ટ પહેરીને કેવો મજાથી રમે છે. ને તું મને આખો પેક કરી દે છે! મારાં નવાં કપડાં તો દેખાતા જ નથી.'
'પણ બેટા, એ હેતના ઘરમાં તો મસ્ત મજાનો તડકો આવે છે. સૂરજદાદા તાપ વરસાવે છે એટલે એને ઠંડી ન લાગે, સમજ તો ખરા.'
'તો મમ્મી, સૂરજદાદા આવું કેમ કરે છે? એને તડકો આપે ને આપણને નહીં?'
'એ તો હવે તું જ પૂછ સૂરજદાદાને...'એમ કહી મમ્મી તો
ચાલી ગઈ.
શનિ સૂરજદાદાને યાદ કરી બેસી રહ્યો. તેની સામે જાણે જિદ્દ કરતો હોય એમ બોલ્યો, 'જુઓ, મારા સવાલના જવાબ તમારે આપવા પડશે...' તે આંખ બંધ કરીને સૂરજ સાથે વાત કરતો હતો.
ત્યાં તો એના માથે કોઈએ હાથ મૂક્યો. તેણે આંખ ખોલી જોયું તો સામે પીળો પ્રકાશ પથરાયેલો હતો. એક વૃદ્ધ દાદા ઊભા હતા. તે બોલ્યા, 'બોલ બેટા, તેં મને બોલાવ્યો? શું સવાલ છે તારો?'
'એટલે તમે કોણ?'
'હું સૂરજ અને મારું બીજું નામ રવિ. તુ શનિ ને હું રવિ.'
'સાચ્ચે?'
'હા, બેટા.'
'તમે સાચું બોલો છો કે મને મૂર્ખ બનાવો છો? સૂરજદાદા તે કોઈ દિવસ આવતા હશે?'
'હા બેટા, તારા જેવો દીકરો બોલાવે તો આવવું તો પડે ને? બોલ શું હતું?'
'અરે વાહ! તો તમે સાચે જ આવ્યા છો, એમને?'
'હા, તને જવાબ આપવા. બોલ હવે, શું થયું છે?'
'હું હમણાં આવું...' એમ કહી શનિ તો દોડીને રૂમની બહાર ગયો. થોડીવાર પછી કિસ્સામાં કંઈક લઈને પાછો આવ્યો. 'જો દાદા, તમે બધાના દાદા છો તો પછી તમે બધાને વહાલ નથી કરતા?'
'કરું છુંને! કેમ?'
'તો પછી તમે હેતના ઘરમાં કેવો સરસ તાપ આપો ને મારા ઘરે જરાય નહીં?'
'અરે! પણ એ તો એનું ઘર ઊંચું છે એટલે વધુ તાપ આવે ને તારું ઘર ખૂબ નીચે છે એટલે...'
'એમાં મારો શું વાંક? તમે નથી આવતા એટલે મારે આ ઠંડીમાં આટલું બધું પહેરવું પડે છે. મમ્મી મને જોકર બનાવી દે છે. ને કહે છે કે આપણે ત્યાં સૂરજનો તાપ નથી આવતો એટલે પહેરવું પડે.'
'પણ બેટા, એ તો તું ઠંડીમાં બીમાર ન પડે એટલે કહેને!'
'એ તો તમે દર્શન આપો તોય બીમાર ના પાડું. આ વાંક તમારો અને સજા મારે ભોગવવાની?'
સૂરજદાદા બાળહઠ અને તેના નિર્દોષ સવાલો સામે હારી ગયા અને બોલ્યા, 'તો બોલ હવે શું કરું?'
'મારા ઘરમાં પણ રોજ તમારો તાપ આપવો પડશે.'
'બેટા, હું પ્રયત્ન કરીશ, બસ?'
શનિએ તો ખિસ્સામાં હાથ નાખ્યો, દાદાને બથ ભરીને પાછળથી દોરડું કાઢી દાદાને બાંધી દીધા.
સૂરજદાદા કહે, 'શનિ, આ શું કરે છે? છોડ મને, મારે જવું પડશે.'
'જ્યાં સુધી હેતના ઘરની જેમ મારા ઘરમાં પણ તમારો તડકો આપવાનું વચન નહીં આપો ત્યાં સુધી નહીં જવા દઉં.'
'અરે! પણ શનિ... મારા ગયા વગર દિવસ પૂરો જ નહીં થાય ને સાંજ નહીં પડે. મને જવા દે.'
'તો પછી વચન આપો કે તમે રોજ મારા ઘરે આવશો. હું તમારી સાથે ખૂબ વાતો કરીશ. બોલો દાદા, આવશોને?'
અંતે સૂરજદાદા શનિની કાકલૂદીથી ભાવવિભોર થયા અને વહાલથી દીકરાને વચન આપતા બોલ્યા, 'હા શનિ, હું કાલથી રોજ તારી બારી સામે જ બેસી રહીશ તને જરાય ઠંડી નહીં લાગે. તડકો જોઈને મમ્મી તને જોકર પણ નહીં બનાવે, બસ? પણ તારે આ દાદા સાથે દોસ્ત બનીને વાતો કરવી પડશે અને રમવું પડશે હોં!'
'હા, હું તમારી સાથે રોજ વાતો કરીશ, દાદા.'
'તો પછી આજથી આપણે બન્ને દોસ્ત. તું શનિ ને હું રવિ. શનિએ તો દાદા ફરતે વીંટાળેલું દોરડું છોડી નાખ્યું. તેઓ ખુશ થતા બોલ્યા:
'તારું નામ શનિ ને મારું નામ રવિ
દાદા- દીકરો રોજ કરીશું વાતો નવીનવી...'
આમ, શનિ અને રવિનો ઝગડો પૂરો થયો. દાદાએ દીકરાને રોજ આવવાનું વચન આપી સમાધાન કર્યું. પછી તો વચન મુજબ સૂરજદાદા રોજ શનિની બારી સામે જ બેસે ને એમના તાપથી શનિનું ઘર પણ સરસ હૂંફાળું થઈ જાય. શનિ તો ખુશમખુશ અને શનિ સાથે રમીને રવિ પણ રાજી રાજી...!