સાન્ટા કલોઝ .
રોહિત ખીમચંદ કાપડિયા
રા જુને સૂવાડવા એનાં માથામાં હાથ ફેરવતાં ફેરવતાં એનાં પપ્પાએ કીટુ અને બિટુની વાર્તા શરૂ કરી.
કીટુ અને બિટુ બંને જોડિયાં ભાઈ-બેન એટલે એક જ શાળામાં અને એક જ વર્ગમાં સાથે સાથે ભણે. બંને તોફાની ખરાં સાથે ભણવામાં પણ એટલાં જ હોંશિયાર.
તે દિવસે શુક્રવાર હતો. શિક્ષકે વર્ગમાં આવીને કહ્યું - 'આ વર્ષે નાતાલ અને નવું વર્ષ બંને રવિવારે આવે છે એટલે તમારી રજા જતી રહી.' કીટુએ પૂછયું, 'રવિવારના બદલે બીજા દિવસે રજા ન આપી શકાય?'
શિક્ષકે હસીને કહ્યું 'ના, એવું ન થાય. ચાલો,આજે હું તમને ભણાવીશ નહીં, પણ આપણે બહુ બધી વાતો કરીશું.' બધાં જ ખુશ થઈને તાળી પાડવા લાગ્યા.
શિક્ષકે ઘણી બધી સારી સારી વાતો કરી. પછી કહ્યું, 'હવે તમે એક પછી એક ઊભા થઈને કહો કે તમે મોટાં થઈને કોના જેવા બનવા માગો છો અને શા માટે તમારે એવા બનવું છે.'
ઘણા બધા જૂદાં જૂદાં જવાબ આવ્યાં. કોઈએ કહ્યું -
હું ગાંધીજી જેવો બનીશ અને દેશમાં શાંતિ લાવીશ.
હું સરદાર પટેલ જેવો બનીશ અને આતંકવાદીઓને ખતમ કરીશ.
હું ચાર્લી ચપ્લિન જેવો બનીશ અને લોકોને ખૂબ હસાવીશ.
હું અમિતાભ બચ્ચન જેવો બનીશ અને સારી ફિલ્મોમાં આવીશ.
હું વિરાટ કોહલી જેવો બનીશ અને ભારતને જીતાડીશ.
હું રાણી લક્ષ્મીબાઈ જેવી બનીશ અને અન્યાય સામે લડીશ.
હું જીજાબાઈ જેવી બનીશ અને સારાં સંસ્કાર આપીશ.
કીટુએ કહ્યું - હું મધર ટેરેસા બનીશ અને લોકોને મદદ કરીશ.
બધાએ જવાબ આપ્યો પણ બિટુ શાંત હતો. શિક્ષકે પૂછયું - 'એય, બિટુ! તારે કોના જેવું બનવું છે?'
બિટુએ ઊભાં થઈને ધીમા અવાજે કહ્યું - 'હું મોટો થઈને સાન્ટા કલોઝ જેવો બનીશ અને મારા આ બધાં મિત્રોની ઈચ્છા પૂરી કરીશ.'
શિક્ષકે વહાલથી બિટુને ગળે લગાડી દીધો અને કહ્યું - 'મોટાં થઈને તમે બધા તમારૂં સપનું પૂરૂં કરજો પણ માનવતા ક્યારેય ભૂલતાં નહીં.'
પછી પપ્પાએ કહ્યુંઃ ચાલ, રાજુ હવે તું સૂઈ જા. રાજુ પણ મોટા થઈને શું બનવું તેનાં વિચાર કરતો સૂઈ ગયો.