સંજય અને ખિસકોલી .
- દુર્ગેશ ઓઝા
એ ક હતો છોકરો. નામ એનું સંજય. ઉંમર એની દસ વર્ષ. એના ઘરમાં એક મોટું ફળિયું. એ ફળિયામાં જાતજાતનાં ઝાડ ને ભાતભાતનાં ફૂલછોડ. મીઠો લીમડો, તુલસી, સૂરજમુખી, જૂઈ, રાતરાણી... એ બધાં એક્બીજાં સાથે વાતું કરે, આમ ડોલે, તેમ ડોલે ને ખુશ થાય. એક દિવસ એક ખિસકોલી ત્યાં આવી. એને તો આ બધાં ઝાડપાન જોઈને બહુ મજા પડી ગઈ હો! પછી તો એ રોજ ત્યાં આવવા માંડી. એ તો ઝાડ પર ઉતરચડ કરે, કંઈક ખાવાનું લઈને આવી હોય તો ઝાડ ઉપર બેઠીબેઠી ટેસથી ખાય.
એક દિવસ સવારે સંજયે આ ખિસકોલીને જોઈ. એ તો રાજીરાજી થઈ ગયો. એને થયું, 'આ ખિસકોલીને પણ મારી જેમ ભૂખ લાગે ને? તરસ પણ લાગે ને?' એણે તો ફળિયાની પાળી ઉપર એક કુંડું રાખ્યું. એમાં ભર્યું પાણી. તેં એક વાસણ લઈ આવ્યો. એમાં રાખી મગફળી.
પેલી ખિસકોલી સંજયના ફળિયામાં આવી. એણે મગફળી જોઈ, પાણીય જોયું. એ તો ખુશ થઈને બોલી, 'મગફળી જોઈને મારા મોંમાં પાણી આવ્યું, એટલે કે મને એ ખાવાનું મન થયું, પણ આ તો જો! મોમાંય પાણી આવ્યું ને આ વાસણમાંય પાણી...! અહીં તો પાણી પણ છે!'
એ ફોલીફોલીને મગફળી ખાવા લાગી, ને પછી પાણી પીવા લાગી ઘટક ઘટક, ઘટક ઘટક. એ ડોલી ને આનંદમાં બોલી, 'વાહ રે વાહ! જેણે અહીં ખાવાનું મૂક્યું ને પાણી ભર્યું એનો આભાર. ભગવાન એનું ભલું કરે.' એ ખિસકોલી ડોલે બહુ હો! સંજયે એનું નામ રાખ્યું ડોલી. 'ઓ ખિસકોલી, ઓ ડોલી, તું શું બોલી..?' એવું બધું બોલીબોલી એ રોજ ખિસકોલીને બોલાવે. ક્યારેક એ વાસણમાં મગફળી રાખતો, તો ક્યારેક સફરજન, ટમેટા વગેરેના નાના નાના કટકા.
એક દી સંજયને થયું, 'આ ખિસકોલી મારી પાસે આવી મારા હાથમાંથી ખાવાનું ખાય તો?!' એ હાથમાં મગફળી રાખી બોલ્યો, 'ઓ ડોલી, મારું નામ સંજય છે. આવ મારી પાસે, લે આ મગફળી ખા.' ખિસકોલીએ એની સામે જોયું ખરું, પણ જેવો એ નજીક આવવા ગયો કે એ 'સરરર..દ કરતી આઘી ભાગી. આવું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, ને સાત દિવસ થયું. કેટલા દી? સાત દિવસ... પણ આઠમા દિવસે એને થયું કે 'આ છોકરો ભલો છે, મને મારે કે હેરાન કરે એવો નથી' એટલે એ તો એની પાસે ગઈ. એના હાથ ઉપર ચડી બેઠી ને ટેસથી મગફળી ખાવા લાગી.
સંજય તો રાજીનો રેડ. પછી તો આ રોજનું થયું. સંજય બોલાવે, 'ઓ ડોલી રે ડોલી, આવ નાસ્તો કરવા.' ડોલી ખિસકોલી તો ડોલતીડોલતી, નાચતીકૂદતી આવે, સંજયના હાથ પર બેસે ને એની હથેળીમાં રહેલું ખાવાનું નિરાંતે ખાય.
સંજયના ઘરથી થોડે દૂર એક વડલો. એક દી સંજય ત્યાં ફરવા ગયો. વડના એ ઝાડ પર સરસ મજાનાં ટેટાં, લાલચટક ટેટાં, પણ એ ખાવાં કેમ? એ તો ઝાડમાં બહુ ઊંચે ઊંચે હતા. સંજયને ઝાડ પર ચડતા ન આવડે. એણે માર્યો ઠેકડો, પણ એમ કાંઈ ટેટાં હાથમાં થોડાં આવે? ત્યાં તો ડોલી ખિસકોલી આવી. એ ડોલી ને બોલી, 'તારે ટેટાં ખાવાં છે ને? ઊભો રે.' એ તો સડસડાટ કરતી ઝાડ પર ચડી ગઈ. ટેટાં તોડીતોડીને નીચે નાખવા લાગી... એક, બે, ત્રણ, ચાર ને પાંચ. એણે પાંચ ટેટાં નીચે નાખ્યાં. સંજય તો રાજીનો રેડ. એ ટેટાં ભેગાં કરીને બોલ્યો, 'ઓ ડોલી ખિસકોલી, આવ આપણે બેય ભેગાં મળી આ ટેટાં પેટમાં પધરાવીએ.' ખિસકોલીને ગમ્મત સૂઝી. એ તો સંજય જાણે કેમ ઝાડ હોય એમ એના માથે ચડી ને માથેથી પગ સુધી ઉતરચડ કરવા લાગી! ડોલી ડરે નહીં, ને સંજય એને મારે નહીં! સંજય રાજી ને ડોલી ખિસકોલીય રાજી. પછી બેયે ટેટાં ખાધાં. વડદાદા પણ આ જોઈને રાજીરાજી હો!
સંજય કહે, 'ડોલી, તારો આભાર. મારે ટેટાં ખાવાં હતાં, પણ હું ઝાડ પર પહોંચી નહોતો શકતો એ બધું તું સમજી ગઈ ને મારા માટે ટેટાં લાવી.' ડોલી કહે, 'તુંય મારું કેટલું ધ્યાન રાખે છે! મને કેટલો પ્રેમ કરે છે? મારા ને બીજા પંખીઓ માટે સારુંસારું ખાવાનું લાવે છે ને અમને પાણી પીવડાવે છે. સાચું કહું, મને સૌથી વધુ મજા કેમાં આવે છે ખબર છે? હું તારા હાથ પર બેસી ખાવાનું ખાઉં, તું મને પંપાળતો જાય ને હું ખાતી જાઉં એમાં..! તારોય આભાર.' સંજય ગીત ગાવા લાગ્યો, 'મેં ડોલી ખિસકોલી પાળી, એને મેં હળવે પંપાળી.' ખિસકોલીય ગાવા લાગી. 'કેવી મજાની ઝાડની ડાળી! સંજયની છે વાત નિરાળી.' સંજયે ખિસકોલીને પંપાળી. ખિસકોલીએ સંજયના કપાળે ચૂમી ભરી. ડોલી ખિસકોલી ને સંજય, બેય ડોલ્યાં ને આનંદમાં નાચવાં લાગ્યાં.