રોકેટ લોન્ચ કરવાના સ્થળનું વિજ્ઞાાન
અ વકાશમાં સેટેલાઈટ છોડવા માટે રોકેટનો ઉપયોગ થાય છે તેને લોન્ચ વ્હિકલ પણ કહે છે. આ રોકેટ તીવ્ર વેગ સાથે આકાશ તરફ ધકેલાય છે. આ માટે પ્રચંડ તાકાત અને બળતણનો મોટો જથ્થો વપરાય છે. ભારતના શ્રી હરિકોટા લોન્ચિંગ મથક જાણીતું છે તે બંગાળના ઉપસાગરના ટાપુ પર આવેલું છે.
રોકેટ લોન્ચ કરવાના સ્થળની પસંદગી કાળજીપૂર્વક કરવી પડે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ધરિભ્રમણ કરે છે. વિષુવવૃત્ત ઉપર ઊભેલો માણસ પૃથ્વીના ધરિભ્રમણ સાથે કલાકના ૧૬૬૦ કિલોમીટરની ઝડપે ફરતો હોય છે.
પૃથ્વીનો આ વેગ રોકેટને છોડવામાં ઉપયોગી થાય છે. વિષુવવૃત્ત ઉપરથી રોકેટ છોડવામાં આવે તો તેને કલાકના ૧૬૬૦ કિલોમીટરની કુદરતી ઝડપ આપોઆપ મળી જાય છે એટલે ઇંધણની જરૂર ઓછી પડે છે. લોન્ચિંગ મથક વિષુવવૃત્તની નજીક હોય તો વધુ અનુકૂળ જ નહીં પણ ઉત્તમ ગણાય છે. દરેક દેશ રોકેટ લોન્ચ કરવાનું સ્થળ દેશના પૂર્વ કાંઠે રાખે છે. રોકેટ પશ્ચિમથી પૂર્વ તરફ ત્રાંસી દિશામાં આકાશમાં જાય છે એટલે અકસ્માત થાય અને તૂટી પડે તો દરિયામાં પડે છે. વળી લોન્ચિંગ સ્થળ સલામતી માટે વસતિથી દૂર રાખવામાં આવે છે. ભારતનું શ્રીહરિકોટા આ બધી બાબતોમાં સૌથી અનુકૂળ લોન્ચિંગ મથક ગણાય છે. ઘણા દેશો વિષુવવૃત્તની નજીક સ્થળ શોધી અન્ય દેશોમાં પણ લોન્ચિંગ મથક સ્થાપે છે.