Get The App

ગણતંત્ર દિનની ઉજવણી .

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ગણતંત્ર દિનની ઉજવણી                                         . 1 - image


- 'બાળકો, તમે મોટાં થઇને, સારું શિક્ષણ લઈને દેશના વિકાસમાં ફાળો આપજો, દેશના દુશ્મનોને વીણીવીણીને સાફ કરજો.'

- ભારતી પ્રવિણભાઈ શાહ

સ વાર પડી. ઘડિયાળમાં સાતના ટકોરા પડયા અને શાળા શરૂ થવાનો સમય થયો. શાળાના ચપરાસી જગુભાઈએ ઘંટ વગાડયો- ટન્....ટન્....ટન્... 

'વિનય વિદ્યાલય'ના વિદ્યાર્થીઓ પોતપોતાના દફતર સાથે પ્રાર્થના કરી, વર્ગમાં ગોઠવાયા. ટાઈમટેબલ મુજબ શિક્ષકો પિરીયડ લેતા ગયા. ઈતિહાસના પિરીયડમાં પરેશભાઈએ વિદ્યાર્થીઓને સંબંધોની કહ્યું, 'બાળકો, આવતી કાલે ૨૬ જાન્યુઆરી છે. કાલે જાહેર રજા પણ છે અને રવિવાર પણ છે, પરંતુ તમારે સૌએ સવારે શાળામાં ધ્વજવંદન માટે અવશ્ય આવવાનું છે. ધ્વજવંદન બાદ અલ્પહારનું આયોજન કરવામાં આવ્યું છે.' 

'અરે વાહ...અલ્પાહાર... બહુ મજા પડશે!' તીર્થ બોલી ઉઠયો. 

'બધા તહેવારોની ઉજવણી શાળામાં જ રાખવી. આપણને અલ્પાહાર તો મળે!' તનય બોલ્યો. 

તનયની વાત સાંભળી બધા હસી પડયા. અભ્યાસ બાદ શાળા છૂટી અને બધા બાળકો શાળાની બહાર નીકળ્યાં અને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. 

'કાલે ૨૬ જાન્યુઆરીએ ખૂબ મઝા પડશે.' ક્વીન્સી બોલી. 

'૨૬ જાન્યુઆરીએ અમારે તો શાળામાં વહેલાં હાજર થવાનું છે.' ઉજ્જવલ બોલ્યો.

'વહેલાં કેમ ?' આર્યને પૂછ્યું

'ધ્વજવંદન પહેલાં બધી તૈયારી કરવાની છે. આખું મેદાન સાફસૂક કરી બધું શણગારવાનું છે એટલે હું અર્શ, શિવમ્, રેયાંશ તથા વિશાખા, આસ્થા, ઝીલ, પ્રિયાંશી, ક્વીન્સી અને હીર વહેલા આવીએ તે જરૂરી છે.' ઉજ્જવલે જવાબ વાળ્યો.

'મારા દાદાએ આઝાદીની લડાઈ જોઈ છે એટલે આજે રાત્રે તેઓ મને ૨૬ જાન્યુઆરીનો આખો ઈતિહાસ સમજાવવાના છે.' તીર્થ બોલ્યો.

'અરે વાહ... શું અમે પણ તારે ઘેર આવી શકીએ ? અમારે પણ ૨૬ જાન્યુઆરીનો ઈતિહાસ જાણવો છે.' મૈત્રી અને ક્વીન્સી બોલી ઉઠયાં.

'જરૂર... જરૂર... આવજો.' 

પરસ્પર વાતચીત કરતાં કરતાં બાળકો વિખરાયાં.

શિયાળાની ઋતુ અને તેમાંય જાન્યુઆરી મહિનો... ઠંડી ખૂબ પડતી હતી. રાત પડતાં જ તીર્થનું ફ્રેન્ડ સર્કલ ઉજ્જવલ, અર્શ, રિદય, આર્યન અને શિવમ્ તથા વિશાખા, આસ્થા, ઝીલ, પ્રિયાંશી, ક્વીન્સી, હીર બધાં જ સ્વેટર-ટોપીમાં સજ્જ થઈને તીર્થના ઘરે પહોંચી ગયાં. બેઠકરૂમમાં હીટર ચાલતું હતું, એટલે બાળકો ખુશ થતાં સોફામાં ગોઠવાયાં. તીર્થના દાદા ચંપકલાલ પણ આવી ગયા અને બોલ્યા, 'બાળકો, તમારે બધાને ૨૬મી જાન્યુઆરીના ઈતિહાસ વિષે જાણવું છેને?' 

'હા... હા... દાદાજી!'  બાળકો બોલી ઉઠયાં.  

દાદાજીએ વાત શરૂ કરી. 

'ગાંધીબાપુએ આઝાદી માટે હાકલ કરી, અને બધા જ દેશવાસીઓ તેમની સાથે જોડાઈ ગયા. હું પણ મારા પિતાજીની સાથે સભાઓમાં જતો હતો. અંગ્રેજો લાઠીઓ મારે, જેલમાં પૂરે, ખૂબ જુલમ કરે તો પણ લોકોએ ગાંધીજીનો સાથ ના છોડયો. હવે મને એ કહો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો ?' દાદાજીએ પૂછ્યું.

'૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭.' આર્યન બોલ્યો.

'શાબાશ! ૨૬મી જાન્યુઆરી ઈ.સ. ૧૯૫૦ના દિવસે જૂનું અંગ્રેજોનું સંવિધાન રદ થયું અને તેના સ્થાને ભારતના નવા સંવિધાનના શ્રીગણેશ થયા એટલે કે ૨૬ જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસનો જન્મ થયો.' ચંપકદાદા બોલ્યા. 

'દાદા...દાદા... આ સંવિધાન એટલે શું ?' હીરે આતુરતાથી પૂછ્યું. 

'સંવિધાન એટલે દેશને ચલાવવા માટેના, દેશના વહીવટ માટેના નીતિનિયમો. અનુશાસનનું પાલન. આપણાં દેશમાં લગભગ ૨૦૦ વર્ષ સુધી બ્રિટિશ હકૂમત રહી. કેટલાય નાગરિકોએ બલિદાન આપ્યું. અનેક મહાપુરુષોની પીડા અને ત્યાગ બાદ આપણને અમૂલ્ય આઝાદી મળી છે. આપણાં દેશવાસીઓને આપણાં બંધારણ મુજબ, આપણા નીતિનિયમો મુજબ જીવવાની તક મળે તે જરૂરી હતું.' દાદાજીએ સમજાવ્યું, 'આ દિવસે શાળા, કોલેજો સરકારી કચેરીઓ બધું જ બંધ રહે છે. તમારી નિશાળમાં અને બીજી અનેક જગ્યાએ ધ્વજવંદન થાય છે. દૂરદર્શન પર રાષ્ટ્રભક્તિથી ભરપૂર કાર્યક્રમ પસાર કરવામાં આવે છે તે તો તમને બધાને ખબર જ હશેને ?' 

ઈન્દિરારાબા બોલ્યાં, 'હા, હા... મને ખબર છે. સવારે ટીવીમાં લશ્કરી જવાનોની કવાયત, તોપોનો ગડગડાટ અને આકાશમાં વિમાનોની કવાયત જોવા મળે છે.'

'...અને  દિલ્હીમાં ઈંડિયા ગેટ પર રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.' રિધ્ય બોલ્યો.

'દાદાજી... હવે તો મોટાંમોટાં શહેરોમાં સવારે સૈનિકોની કવાયત થાય છે. મારા પપ્પા અમને આ બધુ જોવા રિવરફ્રન્ટ પર લઈ જાય છે.' વિશાખા બોલી.

'તારી વાત સાચી છે. બાળકોને તો આવું બધું જોવાની ખૂબ મઝા પડે છે. દિલ્હીમાં આપણી ત્રણેય સેનાઓની પરેડ થાય છે અને રાષ્ટ્રપતિ તેમની સલામી ઝીલે છે. પરેડ પછી જુદા જુદા રાજ્યની સાંસ્કૃતિક ઝલક રજુ કરવામાં આવે છે. રાત્રે સરકારી મકાનો તથા ઐતિહાસિક ઈમારતો પર રોશની કરવામાં આવે છે.' ચંપકદાદા બોલ્યા.

'મારા પપ્પા મને રોશની જોવા લઈ જવાના છે. મૈત્રી અને ધૈર્ય પણ મારી સાથે આવશે.' વેદાંત બોલ્યો.

'દાદાજી, અમારી સોસાયટીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ધ્વજવંદન પછી બધાને જમવાનું હોય છે.' હીર અને પ્રિયાંશી બોલ્યાં.

'હવે મને એ કહોને કે મેં જે વાત તમને બધાને કહી સમજાવી, તેમાંથી તમે સૌએ શું સાર કાઢ્યો ?' દાદાજી બોલ્યા.

'રાષ્ટ્રીય તહેવારોની સાથે રાષ્ટ્રના મહાન, ત્યાગી, વીર, બલિદાની પુરુષોના જીવન જોડાયેલા છે. આવા રાષ્ટ્રીય તહેવારોએ આપણે તેમનું સ્મરણ કરવું જોઈએ, અને તેમના ઉજ્જવળ ચરિત્રમાંથી બોધ ગ્રહણ કરવો જોઈએ.' શિવમ્ બોલ્યો. 

'તદ્દન સાચી વાત છે, શિવભૈયા.' આસ્થા બોલી.

'દાદાજી, ૨૬મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તેમાંથી આપણને સ્વદેશાભિમાન અને સ્વદેશપ્રેમની શિક્ષા મળે છે.' અર્શ બોલ્યો.

'આપણે આપણા દેશને એક આદર્શ અને મહાન લોકતંત્ર બનાવવા પ્રયત્ન કરવા જોઈએ.' ઉજ્જવલે કહ્યું.

'આ દિવસ આપણા દેશના ગૌરવ અને તેના સ્વાભિમાનનું પ્રતીક છે.' રેયાંશે કહ્યું.

એટલામાં તીર્થ અને ઈંદિરાબા બધાં બાળકો માટે નાસ્તા અને પેડાની ડિશ લઈને આવ્યાં. 

ચંપકદાદા અને ઇંદિરાબાએ આગ્રહ કરી કરીને બધાં જ બાળકોને નાસ્તા ખવડાવ્યાં. બાળકો તો ખુશખુશ થઈ ગયાં. એટલામાં હિમાંક્ષુભાઈ તથા ત્રિશા હાથમાં રાષ્ટ્રધ્વજો લઈને આવ્યાં. તેમણે બઘાં બાળકોના હાથમાં એકએક રાષ્ટ્રધ્વજ આવ્યો. પછી ત્રિશા બોલી, 'મારા મિત્રો, ઘરે જઈને તમે બધા આ રાષ્ટ્રધ્વજ તમારા  ઘરની ગેલેરી કે બારીમાં લહેરાતો મૂકી દેજો.' 

પછી ત્રિશાના પપ્પા હિમાંક્ષુભાઈએ બધા બાળકોને ચોકલેટો આપી અને બોલ્યા, 'બાળકો, આપણા રાષ્ટ્રીય તહેવારોને કારણે આપણને અન્યાય, અત્યાચાર અને આતંકની સામે લડવાનું, દેશમાં ન્યાય અને શાંતિની સ્થાપના કરવાની પ્રેરણા મળે છે, ત્યાગ અને તપસ્યાથી જીવનને સુખી બનાવવાનો સંદેશ મળે છે. આપણે બધાએ દેશને આદર્શ અને મહાન લોકતંત્ર બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આજે પ્રશાસનમાં ભ્રષ્ટ તત્ત્વો ઘૂસી ગયાં છે. ભષ્ટાચારની સાથે આતંકવાદ વકર્યો છે. મોબાઈલની દુનિયામાં સાયબર ક્રાઈમ ઘૂસ્યો છે, રિશ્વતખોરી વધી છે. ખાદ્ય ચીજોમાં મિલાવટ વધી છે. આજે દેશને શિક્ષિત, નૈતિક જવાબદારી સ્વીકારે તેવા યુવાનોની જરૂર છે, જેઓ દેશવાસીઓને વિશાળ અને વ્યવહારિક દ્રષ્ટિ આપે, દેશને વિકાસની નવી દિશા દેખાડે. બાળકો, તમે મોટા થઇને, સારું શિક્ષણ લઈને દેશના વિકાસમાં ફાળો આપજો, દેશના દુશ્મનોને વીણીવીણીને સાફ કરજો.'

'હિમાંક્ષુ અંકલ, આજે તમે અમને બધાને ખૂબ સરસ વાત સમજાવી છે.' આસ્થા અને ઝીલ બોલ્યા.

'પ્રજાતંત્ર ભારત ઝિંદાબાદ... આઝાદી અમર રહો.'

બધાં બાળકોએ એકસાથે નારા લગાવ્યાં, પછી બધા ખુશ થતા વિખરાયાં. વાચક મિત્રો, રાષ્ટ્રીય તહેવાર માત્ર ઉજવવાના નથી, પરંતુ તેનો સંદેશો જીવનમાં ઉતારવાનો છે... અને દેશસેવાનાં કાર્યો કરવાનાં છે. 


Google NewsGoogle News