રમણલાલનો રંગીલ .
- રંગીલના હાકોટા-છાકોટા કહેતા હતા કે તેણે લડાઈ જાહેર કરી દીધી છે. આગળના પગથી ધૂળ ઉડાડી, નસકોરાંમાંથી હવા કાઢતો એ આગળ ધસે પછી કોઈની મજાલ નથી.
- માનવની જેમ પશુ પણ અટકળો કરી શકતાં હશે?રંગીલનેે મન વાઘ અને વાહન બન્ને સરખાં હતાં.
- રંગીલનેે મન વાઘ અને વાહન બન્ને સરખાં હતાં.
આ ખલાઓ સાથેની જોખમી રમત જલીકુટ્ટીને કાયદાની મંજૂરી મળી ગઈ, તે પહેલાંની યૂગમૂર્તિ વાર્તાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ લિખિત 'ગ્રામલક્ષ્મી' નામક અમર રાષ્ટ્રીય કથા.
પોતાને મારવા આવેલા 'રંગીલ'ને જ ગોરા અધિકારી વલણ કરવા લાગ્યા.
કોણ છે આ રંગ ીલ?
રંગીલ એક આખલો છે, ખૂંટ.
મુરબ્બી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ જે અમર પાત્રો આપ્યાં છે તેમાંનો રંગીલ એક છે.
ર. વ. દેસાઈની બધી નવલકથાઓ હેતુલક્ષી છે. પણ 'ગ્રામલક્ષ્મી'નો હેતુ ઘણો ઊંચો છે. દાયકાઓ પછી પણ 'ગ્રામલક્ષ્મી'ને વંદન કરવાં પડે તેવી એ માર્ગદર્શક નવલકથા છે.
ગામડાના ઉદ્ધાર માટેની આ નવલકથા કુલ ચાર ભાગમાં છે. એમાં ઘણાં બધાં માનવપાત્રો છે, પણ રમણભાઈ લખે છે તેમ, 'ગામડાંની ઉન્નતિ સાથે ગામડાના પશુજીવનને પણ ઉન્નત કરવું પડશે. પશુધનના ઉદ્ધાર સિવાય ગામડાનો ઉદ્ધાર લગભગ અશક્ય છે. મારા મિત્ર શશિકાંત દેસાઈના સૂચનને સ્વીકારી લઈ મેં રંગીલનું પાત્ર ભાગ ચોથામાં સામેલ કર્યું છે.'
આખી નવલકથામાંથી 'રંગીલ'ને જુદો તારવી તેની અલગ બાળકિશોર વાર્તા લખવાનો પ્રયાસ આપણો છે. કેવો છે એ પ્રયાસ તે કહેશો?
એક સાથે બે અવાજ સંભળાયા : એક મોટરગાડીના ભૂંગળાનો, એક રંગીલનો.
મોટરગાડીનો અવાજ ગામ માટે નવો હતો. આ ગામમાં અગાઉ મોટરગાડી ન હતી અને રંગીલ ગામનો આખલો હતો.
એને આખલો, ખૂંટ, સાંઢ જે કહેવું હોય તે કહો, પણ ગામનો રખેવાળ હતો. ગામમાં ન ગમતી વાતો, પશુઓ કે માણસો પેસી જાય, તે એને ગમતું નહીં. એને કોણ જાણે કેમ ખબર પડી જ જતી કે આ સારું છે, આ નહીં. માનવની જેમ પશુ પણ અટકળો કરી શકતાં હશે! કોને ખબર?
દૂર રંગીલની બરાડ સંભળાઈ. તેની સાથે જ મોટરગાડીનું ભૂંગળું. વૈકુંઠરાય જરા બાવરા બની ગયા.
વૈકુંઠરાય આ ગામના જમીનદાર હતા. જાગીરદાર હતા. મોભેદાર હતા. ગોરાઓને તેઓ પસંદ કરતા. ગોરાઓના રાજનો લાભ તેઓ લેતા. ગોરાઓને નામે ગામના લોકોને ડરાવતા.
આ ગામમાં લોકોને એક સડક બનાવી હતી. લોકોને જાતે જ એ સડક બનાવી હતી. એમાં મોટી સેવા ખેડૂત રામા પટેલની.
સરકારને વિનંતી કરવી, કાગળિયાં કરવાં, પછી જવાબની રાહ જોવી! એ બધી વાતો ગામને પોષાય તેમ ન હતી, ફાવે તેમ ન હતી. રામા પટેલ પોતાના ખેડૂત સાથીઓને કહે : હાલો એલા! ગામ આપણું છે. સડક આપણે જ બનાવીએ. આખરે સડકનો ઉપયોગ તો આપણે જ કરવાનો છે ને?
પહેલો પાવડો રામા પટેલે મારી દીધો. તરત બીજા ખેડૂતો દોડીને ભેગા થયા. બધાએ ભેગા થઈને જોતજોતામાં પાકી મજબૂત સડક બનાવી દીધી. જે સડક સરકાર કે સુધરાઈને બાંધતાં મહિનાઓ થાય, એ સડક ગામલોકોએ જાતમહેનતે જોતજોતામાં બનાવી દીધી.
હવે આવી સરસ મજાની સડક તૈયાર થઈ હોય તો તેનું ઉદ્ધાટન તો થવું જ જોઈએ ને!
વૈકુંઠરાયે એ માટે ગોરાસાહેબને કહેણ મોકલી દીધું. ગોરાસાહેબ આ ગામે આવવા જ માગતા હતા. તેમને ગંધ આવી હતી કે, આ ગામમાં આઝાદીની ચળવળ ચાલે છે. તેમને મન તો 'એક પંથ દો કાજ'ની વાત હતી. ગામ પર નજર ફેરવી લેવાશે, સડકનું ઉદ્ધાટન થઈ જશે.
વૈકુંઠરાયને આ સડક સાથે ખાસ કંઈ લેવાદેવા ન હતી. હા, તેમની ઘોડાગાડી હવે જરૃર સરળતાથી જઈ શકશે. પણ સડક બનવા જ લાગી તો તેઓ હાજર થઈ ગયા. રામા પટેલને કહેતા થઈ ગયા : કંઈ જોઈએ કરે તો માગજો, હં રામા પટેલ!
બસ સડક સાથે વૈકુંઠરાયને આટલો જ સંબંધ, પણ તેમના મનની વાત એવી કે સડકનું નામ વૈકુંઠ સડક પડી રહે.
પૈસાના હિસાબે ગામના તેઓ મોભેદાર હતા અને પૈસાદારો એમ જ માને છે કે ઠેરઠેર નામ તેમનું જ થાય! જો કે એ પૈસા તેમણે કેવી રીતે મેળવી લીધા એ વળી જુદી જ વાત!
એટલે તેમનો ઈરાદો એવો કે ગોરાસાહેબને તેઓ કહી દે : ઉદ્ધાટન સાથે જ સડકને નામ પણ આપી દો ને સાહેબ! વૈકુંઠ સડક ઠીક રહેશે. વૈકુંઠ એટલે ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનની સડક.
મનમાં આવા લાડવા ગળતા હતા, અને મોટરગાડી આવી, પણ સાથે આ રંગીલનો અવાજ વળી કેવો?
રંગીલને ગાડીના ભૂંગળાના અવાજની ચીઢ ચઢી. ગાડીનો ઘરઘર અવાજ પણ તેને રુચિકર ન થયો. ગાડી કોઈક વાહન છે એવું તેને ન સમજાયું હોય! અથવા એ વાહન કે પશુ જે હોય તે, એ વાહન-પશુ રંગીલને ગમી ગયું નહીં. આવાં અજાણી જાતનાં વાહન-પશુ વિશે શંકા પણ ગઈ જ. તે સામે દોડી ગયો.
તેને હાકોટા-છાકોટા કહેતા હતા કે તેણે લડાઈ જાહેર કરી દીધી છે. આગળના પગથી ધૂળ ઉડાડી, નસકોરાંમાંથી હવા કાઢતો રંગીલ આગળ ધસે પછી કોઈની મજાલ નથી.
તે ખરેખર ધસી ગયો. ગાડીના હાંકનારે તો તેને દૂર કરવા ભૂંગળ વગાડી દીધું. શહેરમાં એ રીતે પશુઓ દૂર થતાં હશે. પણ આ શહેરનું પશુ ન હતું.
રંગીલ એટલા જોરથી ધસી ગયો કે, ગોરાસાહેબ અને ગોરી સરકાર આજે જ ખતમ થઈ જાય તેમ હતું.
મોટરમાં બેઠેલા સાહેબને આ હુમલાની કોઈ ખબર ન હતી. સદાય આવકારની આદતવાળાને આવા હુમલાની આશંકા ન પણ આવે! બીધેલાઓની વચમાં ફરનારને ડરાવી જનાર, ડરાવી મારનાર કોઈક છે, એની ગંધ શેની આવે?
વાહન અને પશુ બેય એકબીજાની સામસામે આવી ગયાં. વાહન કરતાં પશુઓ વેગ વધારે હતો. રંગીલ સામેના વાહન-પશુને ફેંકી દેવા માગતો હતો. તેના હાકોટા-છાકોટા કહેતા હતા : ન જોઈએ તારું કાળું રૃપ, ન જોઈએ તારો ઘરઘર અવાજ. ન જોઈએ તારું ભોં-ભોં-ભૂં-ભૂં, અમારા શાંત ગામને શાંત રહેવા દે. જા અહીંથી, નહીંતો ખતમ થઈ જશે.
રંગીલને વાગવા-મરવાનો ભય ન હતો. તે એક નીડર જીવ હતો. તેને મન વાઘ અને વાહન સરખાં હતાં. ભગાડવાલાયક હતાં. તે ગામનો ચોકીદાર હતો. જો તે વાઘને મારી હટાવે તો વાહનને પણ દૂર કરીને જ રહે.
સાહેબને માથે મોત હતું. છતાં તેમની નજર રંગીલ પર પડી. તેમના મનમાં ભય પેસી ગયો. પણ ભયની વચમાંથીય તેઓ કહે : કેટલું જબરું જાનવર છે, અદ્ભુત!
'રંગીલ! રંગીલ! વેગળો જા, દૂર જા,' ટોળામાંથી રામા પટેલે બૂમ પાડી. રામા પટેલ સાહેબને આવકારતા ટોળામાં હતા. તેમને ખાતરી થઈ ગઈ કે આજે રંગીલિયો વીફરી બેઠો છે. મોટર ભાંગી નાખશે. મોટરમાં બેઠેલાઓને નહીં છોડે.
વૈકુંઠરાયને તો આ આખલો દીઠો ગમતો નહીં. જો કે રંગીલનું પણ એવું જ. તેને વૈકુંઠરાય ગમતા નહીં.
વૈકુંઠરાયને થયું કે, જો લડાઈ થશે, સાહેબને વાગશે, તો પછી ઉદ્ધાટન રહી જશે, અને સડકનું નામ આપવાનું રહી જશે.
હાલની હાલતમાં 'વૈકુંઠ વૈકુંઠ' કરવાને બદલે તેઓ બોલતા હતા : 'વૈકુંઠ સડક, વૈકુંઠ સડક.'
વૈકુંઠરાયને રંગીલ ગમતો ન હતો અને રામા પટેલ પણ ગમતા ન હતા. જે કામ કરનાર હોય એ પૈસાદારને ન જ ગમે.
વૈકુંઠરાયને એમ કે સડક રામા પટેલે બનાવી છે. રખેને એનું નામ રામા સડક, પટેલ સડક કે રામા પટેલ સડક પડી જાય તો?
વૈકુંઠરાયના કોઈક મળતિયાએ તો કહી પણ દીધું : જુઓ, રામાનો હાથ કેવો શુકનિયાળ! સાહેબ આવતાં જ મોતને ભેટતા થયા!
આવી કોઈ વાતની રંગીલને પરવા ન હતી. ધસી ગયેલા તેણે માથું ઝુકાવી દીધું હતું. લડવા માટે પશુ એ જ રીતે માથું ઝુકાવીને જ ધસે છે. પછી સામેના જીવને શિંગડામાં ભરી દઈને ઉઠાળી દે છે.
રંગીલ લગભગ મોટર સુધી પહોંચી ગયો હતો. મોટરના હૂડ નીચે પૈડાંઓની વચમાંથી માથું ભરાવવાને વાર ન હતી.
રંગીલે જે દોડ લગાવી હતી, તે જે ધસારો લઈ ગયો હતો, તેણે લડાઈની જે તૈયારી કરી હતી, એ જોતાં મોટરના રામ રમી જવાની ખાતરી હતી. મોટર સાથે અંદર બેસનારા પણ બચે તેમ ન હતું.
'રંગીલ...! રંગીલ...!'
બરાબર તે જ વખતે રંગીલને કોઈકે સાદ દીધો.
રંગીલ આ ગામમાં કોઈની વાત સાંભળતો નહીં. હા, રામા પટેલનો અવાજ જાદુ કરી જતો. રામા પટેલ, શમશુ અને મહેરુ તેના સાથીદારો હતા. એમનું કહેવું તે કરતો.
આ વખતનો અવાજ રામા પટેલનો હતો. રંગીલને ગમે તે ખેતરમાં ઘૂસી જવાની આદત હતી. ખેતરવાળા તેને મારતા. રંગીલની ખેડૂતો સાથે લડાઈ થઈ જતી. પણ રામા પટેલ તેને આવકારતા, સારામાં સારું ઘાસ આપતા, શેરડી પણ આપતા.
રામા પટેલ કહેતા : પશુને પૂરતું ખાવાનું મળે તો તે ભેલાણ ન કરે.
'રંગીલ...! રંગીલ...!!' એ અવાજ રામા પટેલનો હતો. પણ રંગીલ ઘણો આગળ વધી ગયો હતો. મોટરની અને સાહેબની બચવાની આશા ન હતી. સાહેબે હાથમાં બંદૂક પણ રાખી ન હતી.
કટોકટીની અને જીવસટોસટની આ ઘડી હતી. ન થવાનું થઈ શકે તેમ હતું.
પછી?
(વધુ આવતા શનિવારે)