રાધાનો પતંગ .
- રાધા તો રડતી-રડતી નીચે આવી અને માતા-પિતાને વાત કરી. પિતાએ કહ્યું, 'કંઈ વાંધો નહીં, બેટા! પતંગ ઉડાડીએ તો કપાય પણ ખરા! તું રડ નહીં, હું કાલે સવારે બીજા પતંગ લઈ આવીશ!'
વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
સું દરપુર નામે એક સરસ મજાનું ગામ હતું. તેમાં અજયભાઈ પોતાની પત્ની અલકાબેન અને પુત્રી રાધા સાથે રહેતા હતા. પતિ-પત્ની એક કારખાનામાં મજૂરીકામ કરતાં હતાં. રાધા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી.
જાન્યુઆરી મહિનો શરૂ થયો. રાધાનાં શિક્ષિકા બહેને આ માસમાં આવતા મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારો વિશે માહિતી આપી. રાધા ખૂબ રસપૂર્વક અભ્યાસ કરતી. ઘરે આવીને તેણે પોતાના પિતાને મકરસંક્રાંતિ આવે તે પહેલાં પતંગ લાવી આપવાનું કહ્યું. પિતા ગરીબ હતા. તેઓ ચરખી અને મોંઘા પતંગો ખરીદી શકે તેમ નહોતા. તેમણે રાધાને કહ્યું, 'બેટા, મકરસંક્રાંતિ આવશે ત્યારે પતંગ લઈ આવીશ.''
રાધાનાં મકાનની બાજુમાં રાજીવભાઈનું મકાન હતું. તેમનો પુત્ર મિલન લગભગ રાધા જેટલી જ ઉંમરનો હતો. રાવજીભાઈ પૈસાદાર હતાં અને મિલનને પૈસાનું ખૂબ અભિમાન હતું. તેણે તો સંક્રાંતના એક અઠવાડિયા પહેલાંથી જ પતંગ ઉડાડવાનું શરૂ કરી દીધું. રાધા પોતાની ઘરની બારીમાંથી રોજ તેને પતંગ ઉડાડતો જોતી.
રાધાએ પોતાનાં બચાવેલા પૈસામાંથી બાળકૃષ્ણનો એક નાનો ઝૂલો લીધો હતો. જેમાં તે રોજ કાનુડાને ઝૂલાવતી.
મિલન જ્યારે પણ રાધાને જોતો ત્યારે તેની ગરીબીની મજાક ઉડાવતો અને તેને ખૂબ ચીડવતો. મકરસંક્રાંતિના આગલા દિવસે અજયભાઈનાં માલિકે બધા કામદારોને ફિરકી અને પતંગ આપ્યા. રાધા તો ખૂબ રાજી-રાજી થઈ ગઈ. એ સાંજે અગાશી પર ચઢીને પતંગ ઉડાડવા લાગી. મિલન પણ તેના ઘરની અગાશી એ પતંગ ઉડાડતો હતો. તેનો દોર ખૂબ પાકો અને કાચ પીવડાવેલો હોવાથી ખૂબ મજબૂત હતો. તેણે રાધાને હેરાન કરવા માટે એક-એક કરીને તેના બધા પતંગ કાપી નાખ્યા. રાધા તો રડતી-રડતી નીચે આવી અને માતા-પિતાને વાત કરી. પિતાએ કહ્યું, 'કંઈ વાંધો નહીં, બેટા! પતંગ ઉડાડીએ તો કપાય પણ ખરા! તું રડ નહીં, હું કાલે સવારે બીજા પતંગ લઈ આવીશ!'
રાધા તો રાજી થઈ ગઈ. વહાલા કાનુડાનું પારણું ઝુલાવીને પોતે પણ નિદ્રાદેવીના પાલવમાં ઊંઘી ગઈ.
બીજા દિવસે સવારે 'કાઈપો... છે'નાં અવાજો સાથે તેની ઊંઘ ઉડી! તેણે આંગણામાં જઈને જોયું તો આકાશ તો રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું! તેણે ઘરમાં જોયું તો તેની પાસે એકપણ પતંગ નહોતો! તેણે માતાને પૂછ્યું: પપ્પા ક્યાં છે? માએ કહ્યું, 'કારખાનાનું કામ વધુ હોવાથી એમણે પિતાજીને કામે જવું પડયું છે, હવે તેઓ રાત્રે ઘરે આવશે.' રાધા તો કાનુડાનાં પારણા પાસે બેસીને રડવા લાગી અને પતંગ માટે પ્રભુને વિનવણી કરવા લાગી. ત્યાં તો ઓરડાની બારીમાંથી એક ચળકતો વિશાળ પતંગ કપાઈને અંદર આવ્યો. રાધાએ તે ઉપાડીને જોયો તો તેના ઉપર કાનુડાનું ચિત્ર દોરેલું હતું. રાધા તો ખૂબ ખુશ થઈ ગઈ અને તરત જ પતંગ લઈને અગાશી પર ચઢી ગઈ.
રાધાને જોઈને મિલને તેને ચીડવવા માટે તેના પતંગ સાથે પેચ લડાવ્યો. પણ આ શું? બીજી જ સેકન્ડે મિલનનો પતંગ કપાઈ ગયો!
મિલનને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વારાફરતી જેટલા પણ પતંગ ચગાવ્યા, તે બધા જ કપાઈ ગયા! પણ રાધાનો પતંગ તો ઊંચા આભલે મસ્ત લહેરાતો જ રહ્યો! રાધાએ ભગવાનનો ખૂબ આભાર માન્યો.
મોડી સાંજે તે અગાશી પરથી નીચે ઉતરી. પોતાનાં પ્રિય પતંગને તેણે સાચવીને માળિયામાં મૂકી દીધો ને પછી પોતાના વહાલા કાનુડાનું પારણું ઝૂલાવવા બેસી ગઈ.