સસલો રંગે રમ્યો! .
- કિરીટ ગોસ્વામી
એ ક મજાનો સસલો હતો. નાનકડો ને ધોળો-ધોળો! ધૂળેટીનો તહેવાર આવ્યો એટલે તે મમ્મીને પૂછવા લાગ્યો- 'મમ્મી! ધૂળેટીમાં શું કરવાનું હોય?'
મમ્મીએ કહ્યું- 'બેટા, આ તો રંગોનો તહેવાર છે. આનંદ અને મસ્તીનો તહેવાર છે. ધૂળેટીમાં સૌએ રંગે રમવાનું હોય અને ખૂબ મજા કરવાની હોય!'
આ સાંભળીને નાનકડો સસલો તો ખૂબ ખુશ થઇ ગયો. એ તો આનંદથી ઊછળવા લાગ્યો અને કહેવા લાગ્યો- 'હું પણ રંગે રમીશ!'
'હા, રમજે!' મમ્મીએ તેને ક્હ્યું.
ધૂળેટીનો દિવસ આવી ગયો. બધા મિત્રો રંગે રમતા હતા. ગીતો ગાતા હતા. મસ્તી પણ ખૂબ કરતા હતા.
એવામાં કોઇએ મજાક કરી-
'સસલા, તું તો ધોળો સાવ...
રંગોનું નહીં નામ!
ચાલો, અહીંથી આઘો ખસ...
તારું કંઈ ના કામ!'
બધાય મિત્રો 'હે...' એમ કરીને સસલાની મજાક કરીને આ વાત કહેવા લાગ્યા. કોઇએ તેને ધક્કો મારીને નીચે પછાડી દીધો.
સસલો તો નિરાશ થઇ ગયો. ધૂળેટી રમવાનો તેનો બધો જ ઉત્સાહ એક પળમાં જ ઓસરી ગયો.
ઘેર આવીને એ તો ચુપચાપ બેસી ગયો. હરખભેર લીધેલા રંગો અને પિચકારી પણ એક તરફ મૂકી દીધાં. આ જોઇને મમ્મીને તો ખૂબ નવાઈ લાગ.
મમ્મીએ પૂછયું- 'કેમ આમ નિરાશ થઇ ગયો? પાછો આવી ગયો? હજી હમણાં તો તું ખૂબ ઉત્સાહમાં હતો... ને રંગે રમવા ગયો હતો. તો પછી આમ નિરાશ થઇને પાછો કેમ આવી ગયો?'
પહેલાં તો મમ્મીની વાતનો સસલાએ કોઇ જવાબ ન આપ્યો, પણ પછી મમ્મીએ તેને ફોસલાવીને પૂછયું ત્યારે સસલો રડમસ અવાજે બોલ્યો- 'બધાય મિત્રો મને મજાક કરીને કહ્યું- તું તો સાવ ધોળોધફ છે... એટલે રંગોના તહેવારમાં તારું કાંઇ કામ નથી! એમ કહીને મને સૌએ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું...'
સસલાની આંખે આંસુ આવી ગયાં. એ આંસુ લૂછતાં મમ્મીએ ક્હ્યું- 'અચ્છા, તો એમ વાત છે! પણ બેટા,તું રડ નહીં!'
'પણ મમ્મી, બધા મારી કેવી મજાક કરે છે... ને ત્યાંથી મને આઘો ખસી જવાનું કહ્યું!' સસલો બોલ્યો.
મમ્મીએ તેની વાત સાંભળીને તરત સામે પડેલા રંગો તરફ જોયું. તરત એ રંગો લઈને મમ્મીએ સસલાને રંગી દીધો! પછી તેને કહ્યું-'લે, હવે તું ઘણાંય રંગોવાળો-રંગબિરંગી થઈ ગયો! હવે તને કોઇ ધોળો પણ નહીં કહે ને કોઇ તારી મજાક પણ નહીં કરે!' એમ કહીને મમ્મીએ સસલાની સામે અરીસો ધર્યો.
અરીસામાં જોઈને સસલો તો રાજી થઈ ગયો- 'હું રંગબિરંગી થઈ ગયો! યે...!'
ઊછળતો-કૂદતો તે પિચકારી લઈને મિત્રો સાથે રંગે રમવા દોડી ગયો. બધાએ રંગબિરંગી સસલાને આવકાર્યો... ને પછી સૌ સાથે મળીને ધૂળેટી રમવા લાગ્યા.