અભિમાની મોર .
- 'હા મોરભાઈ, બધાં કરતાં જંગલમાં તમે જ સુંદર છો. પણ અમને દરેકને અમારું રૂપ ગમે છે.'
એક મોટું જંગલ હતું. એમાં નાના મોટાં પશુ-પક્ષીઓ રહેતાં હતાં. બધાને એકબીજા સાથે મિત્રતા હતી.
એક વખત હાથીભાઈને ત્યાં ઉજાણી કરવાનું બધાએ નક્કી કર્યું. સૌ ભેગા થયાં. કાબર, ચકલી, પોપટ, કાગડો, ઊંટ, જિરાફ, શિયાળ એમ બધા એક પછી એક આવવા લાગ્યા. બધાંએ ભેગા મળીને સમય નક્કી કર્યો.
એ સૌમાં મોર સુંદર દેખાતો હતો એને ખૂબ અભિમાન હતું. એ પોતાનાં રૂપ પર ખૂબ અભિમાન કરતો. બીજાની નિંદા પણ કરતો. જ્યારે બધા એકબીજાને મળીને ક્યાં ભેગા થઈશુ એની વાત કરતા હતા ત્યારે મોર ચકલી પાસે ગયો અને કહેવા લાગ્યો :
'ચકલી, કાલે તો જોજે... તું સાવ ઝીણી છે, દેખાવાની પણ નથી'
ચકલી કહે 'મોરભાઈ એમાં હું શું કરૃં? તમને ભગવાને કેટલું સરસ રૂપ આપ્યું છે! અને મને?'
એટલામાં એમની નજીક કા...કા કરતો કાગડો આવ્યો. મોર કહે 'કાગડા, તારો અવાજ કેટલો ખરાબ છે! તું બોલે એ કોઇને ગમે નહી.'
કાગડો કહે : 'મોરભાઈ તમારો અવાજ સરસ છે એટલે મને એમ કહો છો?'
પણ સાંભળે એ બીજા. મોર કાબર પાસે ગયો. તેને કહે : 'તું કેટલી કાળી છો. કાલે ઉજાણીમાં મારો જ વટ પડવાનો!'
કોયલ કહે : 'મોરભાઈ તમારા પીંછાં રંગબેરંગી છે એટલે મને હેરાન કરો છો?'
ત્યાં ઊંટ આવ્યું. તેને પણ મોર કહે:'ઊંટભાઈ, તમારા તો અઢારેય અંગ વાંકાં. તમે વળી કેવા લાગશો?'
ઊંટ કહે : 'મોર, તું ભલે સુંદર દેખાય પણ મને મારું જે રૂપ છે એ જ ગમે છે.'
પોપટ આવ્યો તો પોપટને પણ મોર કહેવા લાગ્યો : 'પોપટ તારી ચાંચ કેવી વાંકી છે!' પોપટ કહે : 'હા મોરભાઈ, બધાં કરતાં જંગલમાં તમે જ સુંદર છો. પણ અમને દરેકને અમારૂ રૂપ ગમે છે. અમે એનાથી દુ:ખી નથી.' મોરની હોશિયારી પોપટને ગમી નહીં એટલે એણે મોરને તરત એવો જવાબ આપી દીધો. તેણે બીજા બધાંની જેમ મોરનું સાંભળ્યું નહીં.
બીજા દિવસે સવારે નવ વાગે તળાવ પાસે ભેગા થઈશું એમ નક્કી કરીને હવે બધાં ત્યાંથી છૂટા પડયાં. મોર તો રસ્તામાં વિચારતો હતો. 'કાલે તો હું સરસ રૂપાળો તૈયાર થઇને જઇશ.' એના મનમાં ખૂબ અભિમાન હતું.
બધાં પોતાનાં માળામાં જઇને નિરાંતે સૂઈ ગયા. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને તૈયાર થયાં. જે જગ્યા નક્કી કરી હતી ત્યાં જવા નીકળ્યા. એકબીજા સાથે મજાની વાત કરતાં હતાં, પરંતુ મોર માત્ર બધાનાં અવગુણ જ જોતો હતો. એ નબળી જ વાત કરતો હતો. એમ કરતાં કરતાં રસ્તો પસાર થઇ ગયો.
હવે હાથીભાઈનું ઘર નજીક જ હતું. ત્યાં ખૂબ કાદવ કીદચડવાળો રસ્તો આવ્યો. ઉંટ, કાબર, પોપટ, કાગડો સૌ રસ્તો પસાર કરવા લાગ્યા અને નીકળી ગયા, પરંતુ મોર હજુ થોડું ચાલ્યો ત્યાં કાદવમાં એનો પગ ખૂંપી ગયો. એણે ખૂબ તાકાત અજમાવી, પણ પોતાનાં પીંછાંનાં ભારથી એ કાદવમાંથી નીકળી શક્યો નહીં. આ બધુ ચકલી જોતી હતી. એણે આગળ જઇને બધાને ઊભા રાખ્યા અને કહ્યું : 'એ... સૌ સાંભળો, રસ્તે કાદવમાં મોરભાઈ ફસાઈ ગયા છે.'
પોપટે પાછળ ફરીને જોયું કહે : 'હું તો આગળ જાઉં છું. મારે નથી ઊભા રહેવું.'
ઊંટ સાંભળે છે અને પૂછે છે, 'શું થયું?'
'જુઓને ઊંટભાઈ, હું ક્યારની પોપટભાઈને કહુ છું કે મોરભાઈ પાછળ ફસાઈ ગયા છે, પણ એ મદદ કરવાની ના પાડે છે.'
'પોપટ, આપણે જવું જોઇએ. તું કેમ ના પાડે છે?'
'અરે, તમને ખબર નથી એણે ગઇકાલે મને કહ્યું હતું કે તારી ચાંચ વાંકી છે.'
'તને તો માત્ર ચાંચનું કહ્યું મને તો મારા અઢારેય અંગ વાંકાં એમ કહ્યું હતું.'
'હા, મને પણ તુ ચકલી સાવ નાની એમ કહ્યું હતું'
'જો સાંભળ્યું? એ તને એકને નહીં બધાને એવું કરે છે'
'તો પણ મારે તો જવું જ નથી.'
'પોપટ આપણે એના જેવું ન થવાય. ચાલો, બધા જઇએ'
ઊંટભાઈની વાત માનીને બધા મોરની મદદ કરવા ગયા. કાગડાભાઈ કહે, 'મોરભાઈ તમે થોડુ ઉડો અને આ બાજુ આવી જાવ...'
'અરે, હું ક્યારનો પ્રયત્ન કરું છું, પણ પીંછાંના ભારથી ઉડી શકાતુ નથી અને નીકળી શકાતુ નથી.'
કાબર, કાગડો, ચકલી બધાંએ ભેગાં થઈને મોરનાં પગ ઊંચા કરવામાં મદદ કરી. ઊંટ મોરની નજીક જઇને બેઠો એટલે મોર થોડો ઊંચો થઇને ઊંટ ઉપર બેસી ગયો.
આ રીતે સૌ હાથીભાઈને ત્યાં પહોંચી જાય છે. હાથીભાઈએ તો જાતજાતના પકવાન બનાવી રાખ્યા હતા. ભાવતી વાનગી બધાં ખાવા લાગ્યા, મોજ કરી. હાથીભાઈને પણ મજા આવી. છેલ્લે બધા બેઠા ત્યારે હાથીભાઈ બોલ્યા, 'મોર, આજે તું કેમ આવો કાદવ કીચડવાળો છો? આ બધાં તો સરસ તૈયાર થઇને આવ્યાં છે.'
મોર બધી વાત કરી અને કહ્યું, 'આવું બધું થયું એટલે આવતાં મોડું થયું. આથી તમને આવીને કંઇ જણાવ્યું નહીં.'
'ભલે મોડુ થયું પણ ખૂબ મજા આવી.'
'મને પણ મજા આવી. હું બધાની માફી માગું છું. મને અને આજે સમજાઈ ગયું કે ક્યારેય કોઇને નાના સમજવા નહીં. મેં ચકલીને એકદમ નાની ગણી હતી, પણ હું ફસાયો ત્યારે એની જ નજર મારા પર પડી હતી અને એ તમને બધાને બોલાવવા આવી હતી.'
'મોરભાઈ, તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ જ અમારા માટે માફી સમાન છે.'
બધા ફરી પાછા હળીમળીને રહેવા લાગ્યા.
તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે એ શીખવાનું છે કે ક્યારેય કોઇને નાના ન સમજવા. અને ક્યારેય કોઈ પણ પ્રકારે અભિમાન ન કરવું. કોઇના અવગુણ ન જોવા, કારણ કે બધામાં કંઈ તમામ ગુણો ન હોય. સૌમાં કોઈને કોઈ અવગુણ તો હોય જ છે, પણ આપણે એને નજર અંદાજ કરી સારાં પાસાં જોવા જોઈએ. મોરને એનાં રુપાળાં પીછાં જ ભારે પડયા. આમ, આપણી બાહ્ય સુંદરતાનું અભિમાન કરવુ જોઇએ નહી.