Get The App

અભિમાની અખરોટચાચા .

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
અભિમાની અખરોટચાચા                                   . 1 - image


- 'જોયું, અખરોટચાચા? ખિસકોલીએ તમારા અખરોટનો ફક્ત એક જ ટુકડો ખાધો છે અને તો પણ તમારી જિંદગી માટે આજીજી કરે છે. જો તમે બધાને આશરો આપ્યો હોત તો તમારા આયુષ્ય માટે કેટલા બધાં પશુપક્ષી પ્રાર્થના કરતાં હોત!'

- અખરોટચાચાની મદદે કોઈ ના આવ્યું. બાળકોને પણ એ ક્યાં વ્હાલા હતાં? અખરોટચાચા થરથરવા લાગ્યા...

- પારુલ અમિત' પંખુડી'

ચમક અને દમક બંન્ને ભાઈબહેન રોજ સાંજે એમના ઘર પાસે ઉગેલાં બે સુંદર મજાનાં વૃક્ષ આંબાચાચા અને અખરોટચાચા જોડે રમતાં.

ચમક અને દમક બન્ને ઝાડને રોજ પાણી પીવડાવતાં. અને અઢળક વાતો કરતાં. આંબાચાચા તેમને અને તેમના મિત્રોને પાંદડાંનું અલગ અલગ સંગીત સંભળાવતા, તો દોડપકડ અને  છુપાછૂપીની રમતમાં બાળકો સંતાતાં, ખૂબ હસતાં અને મજા કરતાં.  

અખરોટચાચા જોકે ગુસ્સામાં રહેતા. એમની આસપાસ જો કોઇ છોકરું સંતાઈ જતું તો અખરોટ માથા પર પાડતાં. એટલે બાળકો તેની આસપાસ જતાં નહીં.

દિવસો જતાં અખરોટચાચા કયારેય કોઈપણ પક્ષી, મઘમાખી, કીડી, મકોડા ને ફરકવા પણ દેતા નહીં, જ્યારે આંબાચાચા બધાને આશરો આપતા. તેમનાં પર બેસતાં ઘણાં પશુપક્ષીઓ ચમક અને દમકના મિત્રો હતાં.

 એક  વખતની  વાત છે. રાત્રે સોનું ચકલીએ અખરોટની ડાળમાં ઇંડા મૂક્યાં.

ચકલીના અવાજથી ખલેલ પહોચશે અને ચરકથી પોતે ગંદુ થશે એવું વિચારી અખરોટચાચા ખિજાયા... ને જોરદાર હિંમત કરી અખરોટ ઈંડા પર એવી રીતે ફેંક્યા કે ઈંડાં ફૂટી ગયાં.

આ જોઈ  સોનું ચકલી રડવા લાગી. એને  રડતી જોઇ અખરોટચાચા બોલ્યાં, 'એ કર્કશ ચકલી.. અહીંયા શા માટ બૂમાબૂમ કરે છે? ઊડી જા અહીંયાથી. મને શોરબકોર અને ગંદકી પસંદ નથી. ઊડી જાય... નહીં તો મારા અખરોટ તારા પર ટપોટપ પાડીશ...' 

સોનું ચકલી બોલી, 'નિર્દયી, તમે જોતાં નથી હું દર્દમાં છું? મારો ચકો પણ ખોરાકની શોધમાં નીકળી ગયો છે. મને આમ ભગાડશો નહીં... મને આશરો આપો...'

ચકલી રોતી રોતી આંબા પાસે ગઇ. અને બોલી, 'આંબાચાચા મને આશરો આપો. હું  દુખિયારી મારૃં ઘર અને મારૃં બાળ ગુમાવી ચુકી છું.' 

એટલામાં ચમદ-દમક આવ્યાં. દમક બોલી, 'શું વાત છે ચમક, આજે તો આંબાચાચા ભરપૂર થાકયા લાગે છે. ચાલો, એમને આરામ કરવા દઈએ અને પેલા અખરોટચાચા પાસે રમીએ.'

સોનુ ચકલી બોલી, 'નહીં બાળકો... એ ખૂબ નિર્દયી છે. એણે મારાં ઇંડાં ફોડયાં છે અને મને એમની ડાળીએથી કાઢી મૂકી હતી.'

એટલામાં મધમાખી બોલી, 'હા, હા... અમને પણ ગણગણવાના અવાજના ગુનામાં સજા આપી કાઢી મૂક્યા હતાં.'

ખિસકોલી બોલી, 'શું વાત કરું, દમક દોસ્ત... મને તો અખરોટ મારીને મારી પૂંછડી બુઠ્ઠી કરી નાખી હતી.'

ચમકને યાદ આવ્યું કે બાળકો જયારે રમતાં ત્યારે અખરોટ માથા પર વાગતા અને ખુલ્લા અખરોટ પગમાં પણ લોહી કાઢતા.

 ચમક અને દમકે એક યુક્તિ વિચારી લીધી. 

ચમક અને દમક આજે જેસીબી ડમ્પર પર બેસીને આવ્યાં અને બોલ્યાં, 'આંબાચાચા, આ જગ્યા અમારા પપ્પાએ એક બિલ્ડરને આપી દીધી છે. હવે અહીં ખૂબ જ મોટો મોલ બનવાનો છે. હવે તમે કપાઈ જશો...'

આંબાચાચા બોલ્યા, 'ચમક-દમક, તમને જેમ ઠીક લાગે એમ... પરતું મારાં અમુક ફળ કાચા છે.'

ચકલી બોલી, 'ચમક-દમક, પ્યારા દોસ્ત, મેં ગઇ રાત્રે જ ઈંડાં મૂક્યાં છે, બચ્ચાને આવી જાય એટલી રાહ જોજો.' 

એટલામાં મધમાખી બોલી, 'ચમક-દમક, સાંભળો. થોડો સમય આપો, મારો મધપૂડો હવે તૈયાર આવ્યો છે... પરતું તમને જો ઉતાવળ જ હોય તો પેલા અખરોટચાચાથી શરૂઆત કરી દોને... જુઓ ત્યાં કોઈ નથી. એક સામાન્ય કીડી પણ ક્યાં છે ત્યાં? વળી, તમને અખરોટ કોથળે-કોથળાં મળશે.' 

ચમક અને દમકે જેસીબીને અંબાચાચા તરફ વાળવા કહ્યું. આ બધો વાર્તાલાપ અખરોટચાચા સાંભળી રહ્યા હતા. પોતે કપાઈ જશે એ બીકે ડરતાં ડરતાં બોલ્યા, 'અરે... અરે... નહીં નહી... મને બચાવો...' 

ત્યાંથી પસાર થતો મકોડો બોલ્યો, 'અખરોટચાચા, એક સમયે અમે બચાવો બચાવો... બૂમો પાડતા હતા, પરંતુ તમે એવા ઘમંડી હતા કે કોઈને નજીક ફરકવા દેતા નહોતા. હવે ભોગવો!'

અખરોટચાચાની મદદે કોઈ ના આવ્યું. બાળકોને પણ એ ક્યાં વ્હાલા હતાં? અખરોટચાચા થરથરવા લાગ્યા...

હવે મૃત્યુ નજીક છે એ બીકે અખરોટ ચાચા બોલ્યા, 'મધમાખી, ચક્લી, ખિસકોલી... અહીં આવો.... હું તમને આશરો આપવા તૈયાર છું. જુઓ, હવે આંબો ઘરડો થયો છે. આવી જાવ મારી ગોદમાં...' 

એમનું આવું વર્તન જોઇ ચમક બોલી, 'અખરોટચાચા, અમે તમને બન્નેને - આંબાચાચાને અને તમને - સરખાં ખાતર-પાણી આપ્યાં છે. અમે કોઈ ભેદભાવ કર્યો નથી.'

ખિસકોલી બોલી, 'ચમક-દમક, જુઓ, અખરોટચાચાને હવે પસ્તાવો થઈ રહ્યો છે... તો એમને માફ કરી દો.'

દમક બોલ્યો, 'જોયું, અખરોટચાચા? ખિસકોલીએ તમારા અખરોટનો ફક્ત એક જ ટુકડો ખાધો છે અને તો પણ તમારી જિંદગી માટે આજીજી કરે છે. જો તમે બધાને આશરો આપ્યો હોત તો તમારા આયુષ્ય માટે કેટલા બધાં પશુપક્ષી પ્રાર્થના કરતા હોત! જે પ્રેમ આંબાચાચાને મળ્યો એ તમે પણ મેળવી શક્યા હોત.'

ચમક અને દમકની યુકિત ફળી!

અખરોટચાચાએ માફી માગી અને બધાંને પોતાનામાં સમાવવા માટે પોતાની ડાળીરૂપી હાથ ફેલાવ્યા. બધાં પશુપક્ષીઓ અને બાળકો તેમને વળગી પડયા. સૌએ કિલકિલાટ કરી મૂક્યો. અખરોટચાચાનો જીવ હેઠો બેઠો. પછી સૌએ ખાધું, પીધું અને રાજ કીધું.


Google NewsGoogle News