ઢમઢમ વાંદરો અને ભગરી ભેંસ .

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ઢમઢમ વાંદરો અને ભગરી ભેંસ                               . 1 - image


- દિગ્ગજ શાહ

ગી ર જંગલમાં ઢમઢમ વાંદરો તળાવમાં મોજથી પાણીમાં ધુબાકા મારી રહ્યો હતો. વરસાદ ઓચિંતા અટકી ગયો હતો. ફરી પાછી ભયંકર ગરમી શરૂ થઈ ગઈ હતી. ચોમાસામાંય ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું હતું એટલે પાણીમાં જ પડયા રહેવાની ઈચ્છા થાય. ઢમઢમ પાણીમાં મોજ કરી રહ્યો હતો. એ ગરમીથી કંટાળી જાય એટલે તળાવમાં બે-ચાર ડૂબકી મારી લે... પાણીની છોળો ઉડાવે... ચિચિયારીઓ પાડે અને આજુબાજુ બધાં પ્રાણીઓ ઉપર પાણીની છોળો ઉડાવે અને ખડખડાટ હસે!

ઢમઢમ વાંદરો તળાવમાં પડયો હતો. ભગરી ભેંસ પણ પાણીમાં ધુબાકા મારી રહી હતી.

ભગરી ભેંસ કહે: 'એલા ઢમઢમ! આટલી બધી ગરમી છે તો તું અહીં શું કામ પડયો છે? બીજી કોઈ ઠંડી જગ્યાએ કેમ જતો નથી રહેતો?'

ઢમઢમ વાંદરો કહે: 'આઈ લવ ગીર જંગલ! અહીં હમણાં ગરમી પડ છે તે સાચું, પણ પાછો વરસાદ પડશે જ... પાછું અહીં પણ બધું ઠંડુ ઠંડુ થઈ જશે. ગીર જંગલને છોડીને હું ક્યાંય ના જાઉં.'

ભગરી ભેંસ કહે: 'હા, સાચી વાત. હું પણ ક્યાંય ના જાઉં. મને પણ ગીર જંગલ ખૂબ જ ગમે છે! અહીં જ આપણે મોટા થયા... હવે અહીંથી બીજે ક્યાંય નથી જવું.'

ઢમઢમ વાંદરો કહે: 'અહીં શું દુખ છે? વરસાદ નથી એટલે ગરમી તો બધે જ છે! માણસોની વસ્તી વધતી જ જાય છે. પર્યાવરણનો નાશ સતત થઈ રહ્યો છે. પછી ઉકળાટ અને ગરમી તો વધવાની જ છે! ગીર જંગલમાં તો ચારે બાજુ હરિયાળી છે, પર્યાવરણ લીલુછમ છે. જો અહીં ગરમી પડે છે તો બીજે તો શું હાલ હશે?'

ભગરી ભેંસ કહે: 'ચાલો, આપણે તો નસીબવાળા છીએ કે આપણને પાણી અને ખોરાક મળી રહે છે. બાકી કેટલાંય પશુ-પક્ષી-પ્રાણીઓ ગરમીથી ત્રાસી જાય છે, ભૂખ અને તરસથી ત્રાસી જાય છે. પાણી માટે દૂર દૂર સુધી ફાંફા મારવા પડે છે. બિચારાં પ્રાણીઓ...!'

ઢમઢમ વાંદરો કહે : 'હું રોજ આવાં કેટલાંય પશુ-પક્ષી-પ્રાણીઓને મીઠાં ફળો ખવડાવું છું, પાણી પીવડાવું છું. એમને મદદ કરીને મને ખુશી મળે છે. તું પણ મારી જેમ બધાની મદદ કર!'

ભગરી ભેંસ કહે: 'હા એકદમ રાઈટ...! આજથી હું પણ તારી સાથે મળીને બધાં જ ભૂખ્યાં-તરસ્યાં પક્ષીઓ-પ્રાણીઓને મદદ કરીશ!''

ઢમઢમ વાંદરો અને ભગરી ભેંસ તો ભાઈ રોજ આ ચોમાસાની ભયંકર ગરમીમાં જરૂરિયાતવાળાં બિમાર, અશક્ત પ્રાણીઓને મીઠાં ફળો ખવડાવે છે, ઠંડુ પાણી પીવડાવે છે. બધા જ એમની સેવાથી ખુશ છે...!

ઢમઢમ વાદરા અને ભગરી ભેંસથી એક લુચ્ચું શિયાળ ખૂબ જ ઈર્ષ્યા કરતું હતું. એના મગજમાં એક જ વાત રમતી હતી : 'આ બેના આટલા બધા વખાણ ના થવા જોઈએ! બધાએ આ બેને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને માથે ચડાવ્યા છે. આ બંનેને મારે નીચે પાડવા પડશે... બધા આગળ આમની ચટણી બનાવવી પડશે...!'

શિયાળે રાજા શેરપાસિંહ આગળ જઈને ફરિયાદ કરી: 'ઢમઢમ વાંદરો અને ભગરી ભેંસ પ્રાણીઓની સેવાના નામ પર પોતાનું નામ ફેમસ થાય અને તમારા કરતાં વધારે જય જયકાર થાય એટલે તમને નીચા પાડવા માટે આ સેવાનું નાટક કરી રહ્યા છે... જરા એમને તમે પાઠ ભણાવી દો રાજાજી...'

રાજા શેરપાસિંહ આ સાંભળીને ખડખડાટ હસ્યા. એમણે કહ્યું: 'મને બધી જ ખબર પડે છે! ઢમઢમ વાંદરો અને ભગરી ભેંસ સાચી સેવા કરે છે. એમને નામ કમાવાની કે ફેમસ થવાની કે બીજા લાભો મેળવવાની કોઈ લાલચ નથી. એમને જે સેવા કરી છે એના કોઈ ફોટા કે વીડિયો પણ વાયરલ નથી કર્યા. અરે, ફોટા પાડવા દીધા નથી... વીડિયો બનાવવા નથી દીધા. બાકી અત્યારે તો જરા અમથી સેવા કરે તો લોકો ફોટા પડાવીને સ્ટેટસમાં મૂકે છે. પછી પોતે જ પોતાના વખાણ કરે અને બીજા બધા લાભો ઉઠાવે!'

શિયાળ આ સાંભળીને કશું જ બોલી ના શક્યો! શેરપાસિંહે કહ્યું: 'શિયાળભાઈ...! તમે એ બંનેની ચાડી કરવા આવ્યા. ખોટું કર્યું... એની સજા તમારે ભોગવવી જ પડશે. આજથી તમે આખા ગીર જંગલમાં એ બંને સાથે જોડાઈને સેવા કરો. ઠંડુ પાણી પીવડાવો, મીઠાં ફળો વહેંચો. ચાલો ફટાફટ મારી નજરથી દૂર થઈ જાઓ...!'

બિચારું શિયાળ...! એ તો મોં લટકાવીને જતું રહ્યું.

એક માસ પછી શેરપાસિંહએ ગીર જંગલના વાર્ષિક ભવ્ય સમારંભમાં ભગરી ભેંસ અને ઢમઢમ વાંદરાની સેવાના ખૂબ જ વખાણ કર્યા અને મોટાં ઈનામો સાથે શાબાશી આપી. બધા જ પ્રાણીઓએ એમને અભિનંદન આપ્યા... 


Google NewsGoogle News