સમસ્યાનો ઉકેલ .
- કલુની નજર ચાંદની ચંદનઘો ઉપર પડી. તે સૂતી હતી. કલુએ ચાંદની ચંદનઘોને પરાણે જગાડી અને કહ્યું, 'મારી પૂરી આ વાડમાં પડી ગઈ છે. તમે મારી પૂરી કાઢી આપોને! મને ખૂબ ભૂખ લાગી છે. હવે થોડીવાર પણ મારાથી ભૂખ્યા રહી શકાય તેમ નથી. મારી મદદ કરો...'
- પ્રકાશ કુંબાવત
કલુ કાગડો સવારથી આમતેમ ઊડાઊડ કરતો હતો. બપોર થવા આવી છતાં તેને કશું ખાવાનું મળ્યું નહીં.
થાકીને તે પશાભાઈના ઘરના લીમડા ઉપર બેઠો. ત્યાં પશાભાઈનો ત્રણ વર્ષનો છોકરો ઘરમાંથી પૂરી લઈને દોડતો દોડતો ફળિયામાં આવ્યો.
રસ્તામાં તેની પૂરી પડી ગઈ. તે જમીન ઉપરથી પૂરી ઉઠાવવા જતો હતો ત્યાં પશાભાઈએ કહ્યું , 'આવી ધૂળમાં પડેલી પૂરી ના ખવાય. બીજી પૂરી લેતો આવ.'
તે પાછો દોડતો દોડતો બીજી પૂરી લેવા ગયો.
કલુ કાગડો આ તકની વાટ જોતો હતો. તે ઝડપથી ફળિયામાં પડેલી પૂરી લઈને ઊડી ગયો.
પશાભાઈનો વાડો નજીકમાં જ હતો. આથી તે પશાભાઈના વાડે ગયો અને વાડામાં ઊભેલા વડના ઝાડ પર ચાંચમાં પૂરી લઈને બેસી ગયો.
તેણે પૂરીને પગમાં દબાવી અને ચાંચ વડે ખાવાનો પ્રયત્ન કર્યો.
પણ પૂરી તેના નસીબમાં ન હતી. એકાએક પવન આવવાથી પગમાં ભરાવેલ પૂરી ચાંચ વડે ખાવા જાય તે પહેલાં જ નીચે પડી ગઈ. કાગડો તો જોતો જ રહી ગયો.
વાડમાં તેને નેવિલ નોળિયો દેખાયો. કલુ તો નેવિલને જોતાં જ રાજી રાજી થઈ ગયો. તેને પૂરી મળશે એવી આશા બંધાઈ.
કલુએ નેવિલને વિનંતી કરતા કહ્યું, 'મારી પૂરી વાડમાં પડી ગઈ છે, તારી નજીક જ છે. તું મને વાડમાંથી પૂરી કાઢી આપને!'
નેવિલે સૂતાં સૂતાં જ જવાબ આપ્યો, 'હું અત્યારે આરામ ફરમાવી રહ્યો છું. કાલે હું બહારગામ ગયો હતો, આથી ખૂબ જ થાકી ગયો છું. હું ઊઠું પછી તને તારી પૂરી વાડમાંથી કાઢી આપીશ. અત્યારે મને કશું કહેતો નહીં. મને સખત ઊંઘ આવે છે.'
એમ કહી તે પાછો સૂઈ ગયો.
કલુ નેવિલની વાતથી નિરાશ થઇ ગયો. પણ રેંટી ઉંદરને વાડમાં જોતાં પાછો તેનામાં ઉત્સાહનો સંચાર થયો.
રેંટીને કહે, 'મારી પૂરી આ વાડમાં પડી ગઈ છે. વાડની વચ્ચે પડેલી મને દેખાય છે. તું મારી પૂરી વાડમાંથી કાઢી આપને! હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મને ભૂખ પણ ખૂબ જ લાગી છે. માંડ આ એક પૂરી મળી હતી.'
રેંટીએ કહ્યું, 'હું અત્યારે મારા બચ્ચાને ફિલ્મ જોવા લઈ જાઉં છું. તે કાલે ફિલ્મ જોવા માટે ખૂબ જ રડયો હતો. શોનો ટાઈમ પણ થઇ ગયો છે. અહીંથી રીક્ષા મળવી પણ મુશ્કેલ છે. સોરી, હું અત્યારે તારી કશી મદદ કરી શકું તેમ નથી.' એમ બોલી રેંટી ઉતાવળે તેના બચ્ચા સાથે ચાલ્યો ગયો.
કલુના પેટમાં ઉંદરડા દોડતા હતા, અને પૂરી હાથવગી ન હતી. ત્યાં તેની નજર ચાંદની ચંદનઘો ઉપર પડી. તે સૂતી હતી.
કલુએ ચાંદની ચંદનઘોને પરાણે જગાડી અને કહ્યું, 'મારી પૂરી આ વાડમાં પડી ગઈ છે. તમે મારી પૂરી કાઢી આપોને! મને બહુ ભૂખ લાગી છે. હવે થોડીવાર પણ મારાથી ભૂખ્યા રહી શકાતું નથી. મારી મદદ કરો...'
કલુની વાત સાંભળી ચાંદની કહે, 'મને સખત તાવ આવ્યો છે. મારાથી હલી પણ શકાતું નથી. મને બહુ ચક્કર આવે છે. અત્યારે મારાથી એક ડગલું પણ ભરી શકાય તેમ નથી. તમારી પૂરી તો વાડની વચ્ચે ફસાયેલી છે. હું સહેજે ઉપર ચઢી શકું તેમ નથી. મને માફ કર.' એમ કહીને તે પાછી સૂઈ ગઈ.
કલુને હવે ક્યાંયથી મદદની આશા ન હતી. તે મનોમન વિચારવા લાગ્યોઃ
હવે શું કરવું?
તેણે નીરખીને વડ ઉપરથી નીચે જોયું. પૂરી વાડમાં પડી હતી. વાડમાં ડાળી-ડાખળાં જ હતાં. કાંટા ક્યાંય દેખાયા નહીં. તેણે પોતે પૂરી લેવા માટે પ્રયત્ન કરવાનું વિચાર્યું. ઊડીને તે વાડના ઉપલા ડાળખે બેસી ગયો. ઉપલા ડાળખેથી તેણે ચાંચ વડે પૂરી લેવા પ્રયત્ન કર્યો, પણ પૂરી થોડીક છેટી રહી જતી હતી.
પૂરી લેવા તેણે આ રીતે ચાર-પાંચ પ્રયત્ન કર્યા. પછી ચાંચ વડે નડતા એક-બે ડાળખાં આઘા પાછા કર્યાં. આમ કરવાથી તે સરળતાથી પૂરી સુધી પહોંચી શક્યો.
હવે તે પૂરી લઈને પાછો વડના ઝાડ ઉપર બેસી ગયો અને એયને આરામથી પૂરી ખાવા લાગ્યો.
પૂરી ખાઈ લીધા પછી તે મનોમન બોલ્યો, 'નાહકના મેં બધાને મદદ માટે વિનંતી કરી. આપણી સમસ્યા આપણે જ ઉકેલવી જોઇએ.'
બિલકુલ સાચી વાત. કોઈના પણ આધારિત રહીએ તો નિરાશ થવાનો વારો આવે. એટલે જ કહે છેને કે, પારકી આશ... સદા નિરાશ!