Get The App

રાજકુમારી વેલોનિકા .

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
રાજકુમારી વેલોનિકા                                             . 1 - image


- રાજકુમારી  મદદ માટે બૂમો પાડી રહી હતી, પરંતુ એના બધા વાળ હવે વેલ બની ચૂક્યા હતાં. તે માંડ માંડ ઊભી થઈ. વાદળી દરિયાઇ ઘોડા પાસે ગઈ, પરતું આ ઘોડો માત્ર એના વાળના સ્પર્શના કારણે જ જીવંત થતો હતો.

- રાજકુમારે કહ્યું, 'મારા હુકમનું પાલન કરો.  મારો જીવ પાછો લઇને પણ આ દયાળુ  રાજકુમારીને તમારે જીવાડવી જ પડશે.'

એક દિવસની વાત છે. પૂર્વના દરિયાઈ મહેલનો રાજા ઘરડો થઈ ગયો હતો અને  અશકત રહેવા લાગ્યો હતો. એના પ્રદેશના દરિયાઈ ખજાના હવે ખૂટવા લાગ્યા હતા.

રાજાએ રાજકુમારીને  પાસે બોલાવી કહ્યું, 'રાજકુમારી , મારી સુંદર દીકરી , જો રાજ્યમાં હવે ખજાના ખૂટવા આવ્યા છે. આપણો પ્રદેશ મુશ્કેલીમાં આવશે.  સાંભળ આવતી કાલે પૂનમ છે. દરિયો તોફાની થશે અને અઢળક ખજાનો મળી આવશે.  આપણા રાજ્યને મુશ્કેલીથી બચાવવા ખજાનો તારે લઇ આવવો પડશે. આપણી પ્રજા આપણા ભરોસા પર જીવે છે.'

દરિયામાં આજે ખૂબ તોફાન હતું. છતાં રાજકુમારી એના સુંદર રેશમી વાળવાળા વાદળી રંગના દરિયાઈ ઘોડાને  લઇને

નીકળી પડી.

સુંદર રેશમી વાળવાળો વાદળી રંગના દરિયાઈ ઘોડો રાજકુમારીના રેશમી વાળનો સ્પર્શ થાય તો જ જીવંત બનતો. નહીં તો એ રમકડાના શો-પીસની જેમ મહેલના દ્વાર પાસે ઊભો રહેતો.

રાજકુમારી વાદળી દરિયાઈ ઘોડા સાથે સમુદ્રી વનસ્પતિ પાસે પડેલાં શંખ, છીપલાં અને કિંમતી મોતીનો ખજાનો શોધી રહી હતી.

દરિયો તોફાની પવનના સૂસવાટા મારી રહ્યો હતો.

રાજકુમારી એક ચમકતી, નિર્મળ અને લચીલી વેલ પાસે પહોંચી. એ જેવી એને લેવા નમી કે વેલમાં એના બધા વાળ

ફસાઈ ગયાં.

રાજકુમારી  મદદ માટે બૂમો પાડી રહી હતી, પરંતુ એના બધા વાળ હવે વેલ બની ચૂક્યા હતાં.

તે માંડ માંડ ઊભી થઈ. વાદળી દરિયાઇ ઘોડા પાસે ગઈ, પરતું આ ઘોડો માત્ર એના વાળના સ્પર્શના કારણે જ જીવંત થતો હતો.

રાજકુમારી નિરાશ થઈને આગળ ગઈ. એણે પોતાના સુંદર લાંબા વાળ ગુમાવ્યા અને ઘોડાને પણ.

રાજકુમારી  રૂપાળી કન્યા હતી, પરંતુ વાળ વગર એની સાથે કોણ પરણશે? આ વિચારે હવે એ જોરજોરથી રડવા લાગી.

   સમુદ્રના પાણીમાં રાજકુમારીનાં આંસુ ભળવાથી દરિયાનો એટલો ભાગ એની આંખો જેવો આસમાની થઈ ગયો હતો.

રાજકુમારી એના રાજ્યની પ્રજાના હિત માટે પાછી વળવાના બદલે ખજાનાની શોધમાં નીકળી પડી.

સ્હેજ આગળ જતાં એણે જોયુ કે શંખ અને છીપલાંની સેના ક્યાંય જઇ રહી હતી. અચાનક  છીપલાં અને શંખની  સેના  ભૂખ અને થાકના કારણે ડગમગવા લાગી.

રાજકુમારીની હિલવાળી મોજડી નીચે  છીપલાં અને શંખ દબાવવા માંડયા. એ જોરથી બોલ્યાં,  'ઓ રાક્ષસી,  અમને મારશો નહી, અમે થાકેલાં અને ભૂખ્યા છીએ. અમે અમારાં દક્ષિણી સમુદ્રના રાજકુમારની  મદદ માટે અમારી લાળમાં રહેલી ઔષધી લઈને જઈ રહ્યા છીએ.'

રાજકુમારીએ એમને બચાવવા એની હીરા જડિત મોજડી ફેંકી દીધી. 

તે બોલી, 'વ્હાલા શંખ અને છીપલાં, હું કોઇ રાક્ષસી નથી . હું તો પૂર્વ દરિયાઇ પ્રદેશની રાજકુમારી છું.'

એક નાનકડો શંખ બોલ્યોસ, 'પણ રાજકુમારી  ટકલી હોય?' 

આ સાંભળી બધા હસવા લાગ્યા.

પરતું એક છીપલું બોલ્યું, 'માફ કરજો, તમે અમારી મદદ કરી છે. તમે જયારે  કહેશો ત્યારે અમે મદદ માટે આવી જઈશું.'

રાજુકમારી બોલી, 'હું પૂર્વ પ્રદેશની રાજકુમારી છું. હું મારા અશકત પિતા અને અમારી પ્રજા માટે મારા વાળ, દરિયાઇ વાદળી ઘોડો અને કિંમતી મોજડી ગુમાવી બેસી છું. શું તમે મને તમારો થોડો કિંમતી ખજાનો આપી શકો?'

શંખનો સેનાપતિ બોલ્યો, 'હે વાળ વગરની રાજકુમારી, તું કોણ છે તે અમે નથી જાણતા, પણ તું એક સાફ દિલની છોકરી છે. પંરતુ હાલ અમે દક્ષિણી પ્રદેશના અમારા રાજકુમાર માટે  જઇ રહ્યા  છીએ. જો  ઔષધી સમયસર નહી પહોંચે તો  વમળ રાજાના પ્રહારથી અમારા રાજકુમાર મૃત્યુ પામશે... અને  જો આવું થશે તો દક્ષિણી પ્રદેશના સમુદ્રનો અડધો ભાગ કાળો બની જશે.'

રાજકુમારીએ એમને જવા અનુમતિ આપી.

રાજકુમારીના ખુલ્લા પગ દરિયાઇ મીઠાથી ઓગળવા લાગ્યા . હવે એનાં પગ ટૂંકા થઈ રહ્યા હતા. એ મદદ માટે બૂમો પાડી રહી હતી, પરતું નિષ્ફળ... 

હવે તે રાજકુમારી રહી નહોતી. તે તંદુરસ્ત માછલી શોધી રહી હતી.

ત્યાં એના રડવાનો અવાજ સાંભળી  એક માછલી આવી. 

માછલી બોલી, 'શા માટે રડે છે? વિચિત્ર વાળ વગરની અને ટૂંકા પગ વાળી છોકરી શું તું મને મારી નાખવા માગે છે?'  

પોતાનું આવું વર્ણન સાંભળી રાજકુમારી વધારે રડવા લાગી. એણે માછલીને આખી ઘટના કહી.

માછલીએ કહ્યું, 'હું  તારા પ્રદેશના ખજાના માટે તારી અવશ્ય મદદ કરીશ, પરતું હાલ હું  મારી માછલીઓની સેના લઇ દક્ષિણી પ્રદેશ જઈ રહી છું. અમારાં રાજકુમારને અમારી  મદદની જરૂર છે.'

રાજકુમારીએ માછલીને જવા દીધી. હવે તે ભૂખના કારણે બેભાન  થઇને પડી.

આ બાજુ શંખ, છીપલા અને માછલીના કારણે  દક્ષિણી પ્રદેશનો રાજકુમાર બચી ગયો.

રાજકુમારે ખૂશ થઈ બધાને કહ્યું, 'હું આજીવન તમારો ણી રહીશ.'

શંખ બોલ્યો, 'માત્ર આમારા જ નહી ં,  શંખ અને છીપલાંને જીવનદાન આપવા  ખુલ્લા પગે રહેવા તૈયાર થનારી વાળ વગરની છોકરીના પણ ઋણી રહેજો'.

એટલામાં માછલી બોલી, 'હા રાજકુમાર,  ટૂંકા પગ વાળી અને ભૂખી હોવા છતાં મને છોડી મૂકનારી વાળ વગરની છોકરીના પણ.'

આખી ઘટના સાંભળી રાજકુમાર વિચિત્ર વર્ણનવાળી રાજકુમારીની શોધમાં નીકળી ગયો સાથે માછલી અને શંખ છીપલાંની સવારી પર નીકળી.

ત્રણ દિવસની શોધખોળ પછી રાજકુમારી મળી આવી, પરંતું બેભાન અવસ્થામાં.

રાજકુમારે એને બન્ને હાથેથી ઊંચકીને એના  રથમાં બેસાડી.

રાજકુમારે એના ઓગળી રહેલાં પગને પંપાળ્યા અને હૂંફ આપી.

થોડી વારમાં રાજકુમારીના પગ પહેલાં જેવા થઈ ગયા.

સહેજ આગળ જતાં એમણે પેલો દરિયાઇ ઘોડો જોયો અને બાજુની વેલમાં  ફસાયેલા 

રાજકુમારીના વાળ પણ.

બધી માછલીઓએ એમના દાંત વડે વેલમાંથી વાળ કોતરી લાવી.

છીપલાંઓએ એમની લાળથી  રાજકુમારીના વાળ માથા પર ચોંટાડી આપ્યા.

રાજકુમારી ખૂબ જ  સુંદર લાગી રહી હતી. રાજકુમાર એના રૂપને  જોઈ બોલ્યો, 'મારાં સપનાની રાજકુમારી... વેલોનિકા! હા, હું તને વેલોનિકા કહીશ, કારણ કે તારા વાળમાં હવે અમુક લટ વેલની છે, જે ચમકીલી અને લચીલી છે.'

રાજકુમારીનું નામ કોઇ જાણતા નહોતા એટલે હવે તેને બધાં વેલોનિકા તરીકે બોલાવવા લાગ્યા.

રાજકુમારે વેલોનિકાના વાળનો સ્પર્શ ઘોડાને  કરાવી એને પોતાના રથ સાથે જોડી દીધો.

રાજકુમાર દયાળુ અને મદદગાર સ્વભાવ ધરાવતી વેલોનિકાના પ્રેમમાં પડી ગયો.

રાજકુમારીમાં જીવ લાવવા રાજકુમારે   છીપલાં, શંખ અને માછલીને વિનંતી કરીને કહ્યું, 'આપણાં  પ્રદેશ અને સાવ અજાણ્યા એવા મને જીવાડવા માટે જ રાજકુમારીની  આ હાલત થઈ છે. મારા હુકમનું પાલન કરો.  મારો જીવ પાછો લઇને પણ આ દયાળુ  રાજકુમારીને જીવાડવી પડશે.'

બધી માછલીઓ, શંખ અને છીપલાંએ પોતપોતાની શકિત રાજકુમારીને આપી. રાજકુમારી  જીવંત થઈ. એણે જોયું કે સામે સુંદર મજાનો રાજકુમાર છે.

એણે રાજકુમારીને એની ખૂબસૂરતી અને જીવન તો આપ્યાં જ, સાથે સાથે સુંદર નામ પણ આપ્યું.

બંન્ને એકબીજાના આભારી હતાં. બન્નેમાંથી કોઈ કોઈનાથી ઉતરતાં નહોતાં. બન્ને સમાન હતાં. 

રાજકુમારે વેલોનિકા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વેલોનિકાએ જોયું કે રાજકુમારમાં ખૂબ બધા ગુણો છે. એનું ચારિત્ર્ય ઉત્તમ છે. તેથી તે મારો પતિ થવાને લાયક છે. રાજકુમારીએ એને હા પાડી. 

રાજકુમાર અને વેલોનિકાએ એકબીજાને છીપલાંની વીંટી પહેરાવી. આમ, તેઓ હવે જીવનસાથી બન્યાં. 

હવે  રાજકુમારે પૂર્વ દરિયાઇ પ્રદેશને પોતાના પ્રદેશ જોડી દીધો  હતો. રાજકુમારી વેલોનિકા  અને રાજકુમારે એકમેકના સંગાથમાં સુંદર જીવન વિતાવ્યું. 


Google NewsGoogle News