લોકપ્રિય અને આકર્ષક ફળ ટામેટાં
દાળ, શાકભાજી અને સેન્ડવીચને સ્વાદિષ્ટ બનાવનાર ટામેટાંને આપણે શાક કહીએ છીએ પરંતુ વનસ્પતિશાસ્ત્રમાં ટામેટાંનું સ્થાન ફળ તરીકે છે. પૃથ્વી પર સાતમી સદીમાં ટામેટાંની ખેતી શરૂ થઈ હતી ત્યારથી જ ટામેટાં વિશ્વનું લોકપ્રિય ફળ બન્યું છે. આજે વિશ્વમાં ૭૫૦૦ જેટલી જાતનાં ટામેટાં થાય છે. માત્ર લાલ નહીં પીળા, ગુલાબી, સફેદ અને જાંબલી રંગનાં ટામેટાં પણ થાય છે. સોળમી સદીમાં ટામેટાંને 'એપલ ઓફ પેરેડાઈઝ' અને 'એપલ ઓફ લવ' જેવા હૂલામણા નામ મળ્યા હતાં. ટામેટાંનો સોસ અને કેચઅપનો વ્યાપક રીતે ઉપયોગ કરાય છે. ટામેટાં ખોરાક તરીકે લોકપ્રિય છે જ પણ મનોરંજનનું સાધન પણ બન્યાં છે. સ્પેનમાં લા ટામેટિના નામનો એકબીજા પર ટામેટાં ફેંકવાનો ઉત્સવ ઉજવાય છે. ટામેટાંના ઢગલા પર આળોટવાની સ્પર્ધા પણ યોજાય છે. ફ્લોરિડામાં ડિઝની વર્લ્ડ કંપનીએ ૨૦૦૫માં કરેલા પ્રોજેક્ટમાં એક જ છોડ પરથી ૫૨૨ કિલોગ્રામ ટામેટાનો પાક લેવાયેલો. ૨૦૧૩માં અમેરિકાના એક ખેડૂતે ૩.૫૧ કિલો વજનનું સૌથી મોટું ટામેટું પકવ્યાનો વિક્રમ નોંધાવેલો.