Get The App

પિકુ અને વિશ્વા .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
પિકુ અને વિશ્વા                                             . 1 - image


- 'તારે ખુશ રહેવાનું. જે શબ્દો તને લાગુ પડતા જ નથી એને મનમાં લાવીને હેરાન પરેશાન શા માટે થવાનું? તારી વાણી અને વર્તનથી તારે તારી માને જીતવાની છે'

- ડો.સિલાસ પટેલિયા

એ ક હતી પિકુ. એક હતી વિશ્વા. બંને ત્રીજા ધોરણમાં એક જ શાળામાં સાથે ભણતા હતાં. એ દિવસે પિકુના ઘરે વિશ્વા આવી હતી. પિકુએ એના નાનાને કહ્યું : 'નાનુ, આ વિશ્વા! મારી દોસ્ત! એના મમ્મી ગુજરી ગયાં છે. બે વર્ષ થયાં. એની નવી માથી વિશ્વા બહુ દુ:ખી છે.' 

નાનુ કહે : 'હા બેટા! એને જ બોલવા દે. મારે એને સાંભળવી છે. બોલ વિશ્વા!' 

વિશ્વા કહે : 'નાનુ, મને મારી નવી મા કહે છે કે તું કાળી છે. જરાય સારી લાગતી નથી. તું નકામી છે.' આટલું બોલી એ રડવા લાગી. પિકુએ એનો હાથ પકડી લીધો. બોલી : 'વિશ્વા ના રડીશ. તુ મારી ખાસ દોસ્ત છે. મારા નાનુ મારા તો દોસ્ત છે જ. હવે તારા ય દોસ્ત!' 

નાનુ બોલ્યા : 'બિલકુલ સાચી વાત. હું તમારો દોસ્ત જ છું. વિશ્વા, સાંભળ. તને તારી મા કહે છે કે તું જરાય સારી નથી લાગતી. આવા શબ્દોનો કશો જ અર્થ નથી. તું તો સુંદર જ છે. હસે છે તો ગાલે ખંજન પડે છે. ચમકતી બદામી રંગો આંખો! અરે! કેટલા લાંબા કાળા કાળા વાળ છે તારા! તું રૂપાળી જ છે. તું કાળી છે જ નહીં. ઘઉંવર્ણી છો. એટલે તારી માના એ શબ્દો તને લાગુ નથી પડતા. એટલે તારે એવા શબ્દોથી શા માટે દુ:ખી થવાનું?' 

વિશ્વાને નાનુની વાત ગમી. નાનુએ જે કહ્યું એ સાચું જ હતું ને! પિકુએ પણ નાનુની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું કે જો મારા નાનુએ તને સાચું જ કહ્યું ને! હવે ના રડીશ. બંને હસી પડયાં. ખુશ ખુશ થઈ ગયાં.

બીજા દિવસે વિશ્વાએ ફ્રી પિરીયડમાં એક મજાનું ગીત ગાયું. બધાએ તાળીઓ પાડીને એને વધારી લીધી. મેડમે કહ્યું : 'સરસ!' 

વિશ્વા ઘરે આવી ત્યારે પિકુએ નાનાને વાત કરી. નાનુ કહે : 'વાહ! વિશ્વા, ચાલ ગા. હું ય સાંભળું.' વિશ્વાએ ગાયું આખું ગીત ગાયું : 'ઇતની શક્તિ હમેં દેના દાતા.' આ સાંભળીને નાનુ રાજીરાજી થઈ ગયા. નાનુ કહે : 'જો બેટા! તું ભણવામાં તો હોંશિયાર છે જ. તારો કંઠ પણ કેટલો મીઠો છે! તારી મા તને 'તું નકામી છે' એવું કહે છે- એનો શો અર્થ? એ શબ્દો તારા માટે છે જ નહીં! અરે! હું તો કહીશ કે કોઈ બાળક માટે આ શબ્દો નથી. કોઈ બાળક નકામું નથી. હવે તારે તારી મા માટે મનમાં કશો રોષ નહીં રાખવાનો. તારે ખુશ રહેવાનું. જે શબ્દો તને લાગુ પડતા જ નથી એને મનમાં લાવીને હેરાન પરેશાન શા માટે થવાનું? તારી વાણી અને વર્તનથી તારે તારી માને જીતવાની છે. એ જરૂર તને વહાલ કરશે એવી મને શ્રદ્ધા છે!' 

નાનુની આવી વાતોથી વિશ્વાને ખૂબ સારું લાગ્યું. પિકુને પણ નાનુની વાત બહુ ગમી.

પિકુ કહે : 'વિશ્વા, તારા સપનાની વાત નાનુને કહેને!' વિશ્વા બોલી : 'નાનુ, સપનામાં મને મારી સગી મા દેખાઈ હતી. મારા માથે હાથ ફેરવ્યો. મને ભેટી. રોજ સ્કૂલે જતાં એ આવું કરતી હતી. એ હવે નથી એવું મને લાગ્યું જ નહીં. બહુ આનંદ થયો. સવારે જાગી ત્યારે તરત મને એ સપનું જ દેખાયું. પપ્પાને એ સપનાની વાત કરવા મેં બોલાવ્યા. પપ્પા મારી પાસે આવ્યા. બેઠા. ત્યાં તો મા એ બૂમ પાડી : 'ત્યાં કેમ બેસી ગયા? એ તો નવરી છે, નાહી લો જાવ. ઓફિસે જવાનું મોડું થશે.' પપ્પાને ઊભા થઈને જવું પડયું. મારે મારી માની વાત કરવી હતી. એ રહી જ ગઈ.' 

નાનુએ અને પિકુએ એની વાત ધ્યાનથી સાંભળી. નાનુ કહે : 'અમે તારાં દોસ્ત છીએ. અમે સાંભળીને તારી વાત. હવે ફરી જ્યારે તક મળે ત્યારે તારા આ સપનાની વાત પપ્પાને કરજે. એ સાંભળશે. એમાં આટલું દુ:ખ શા માટે લગાડવાનું? દરેક બાબતમાં સારું જ શોધવાનું.' 

વિશ્વા કહે : 'હા નાનુ, હવે ખુશ જ રહીશ.' 

પિકુ કહે : 'હા, વિસુ એમ જ તો! નાનુએ એ જ તો કહ્યું છે.'  બંને બાળાઓ ખુશ થઈ. 


Google NewsGoogle News